વિશ્વના પ્રવાસ નકશામાં ગુજરાતનું ગૌરવ

ન્યપ્રાણી સપ્તાહની ઉજવણી હોય ત્યારે ગુજરાતની વન્યપ્રાણીઓની વૈવિધ્યતા પર ધ્યાન જાય જ. ગુજરાત સમગ્ર વિશ્વમાં એકમાત્ર કચ્છના નાના રણમાં જોવા મળતાં દુર્લભ એવા વન્યપ્રાણી ઘુડખર માટે વિશ્વના ટુરિસ્ટ નકશામાં સ્થાન ધરાવે છે. આવો જાણીએ ઘુડખર અભયારણ્ય વિશે…કચ્છના નાના રણમાં આવેલું ઘુડખર અભયારણ્ય વન્યપ્રાણી અને પક્ષીઓના રક્ષણ માટે વિશેષ સ્થાન ધરાવે છે. પ્રાણી-પક્ષીઓના રક્ષણ માટે ગુજરાત વન્યપ્રાણી અને વન્યપક્ષી અધિનિયમ-૧૯૬૩ હેઠળ ૧૯૭૩માં અને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ હેઠળ ૧૯૭૮માં એમ કુલ ૪૯૫૩ ચો.કિ.મી. વિસ્તારમાં જાહેર કરવામાં આવ્યો છે. એક ગણતરી પ્રમાણે ગુજરાતમાં ૧૯૬૨માં ઘુડખરની સંખ્યા ૩૬૨ હતી તેમાં સારો એવો વધારો થઇને ૨૦૧૪માં ૪૪૫૧થી વધુ ઘુડખર છે. ઘુડખર અભયારણ્ય કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠા એમ ૫ જિલ્લાના વિસ્તારને સ્પર્શે છે.

ઘુડખર પોતાની અસાધારણ ગતિ અને જોમ માટે જાણીતું છે.આ વેગવાન પ્રાણી કલાકના ૩૦ કિ.મી. કરતાં વધુ ઝડપથી સતત બે કલાક જેટલા લાંબા સમય સુધી દોડી શકે છે. એટલુ જ નહીં, રણ જેવી પ્રતિકુળ પરિસ્થિતિમાં પણ તે ટૂંકા અંતર માટે ૭૦ કિ.મી. પ્રતિ કલાક્ની મહત્તમ ગતિથી દોડી શકે છે. ઉષ્ણતામાનમાં ૫૦ ડિગ્રી સેલ્સિયસ જેટલા ફેરફારો અને અત્યંત વિષમ વાતાવરણીય પરિસ્થિતિઓમાં પણ આ પ્રાણી અસ્તિત્વ ટકાવી રાખવાની ક્ષમતા ધરાવે છે. સરેરાશ ૨૧૦ સેમી. જેટલી લંબાઇ અને ૧૨૦ સેમી. જેટલી ઉંચાઇ ધરાવતા જંગલી ઘુડખર પીળાશ પડતો માટીયાળો રંગ ધરાવે છે. તીવ્ર ધ્રાણેંન્દ્રિય ધરાવતાં ઘુડખર સમૂહજીવન ગાળતાં જોવા મળે છે.

ઘુડખર માટે વિશ્વભરમાં જાણીતું આ અભયારણ્ય અન્ય સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ સરિસૃપો, ઉભયજીવ, મત્સ્ય અને અપૃષ્ઠવંશી જીવોનું પણ નિવાસસ્થાન છે. અહીં વિશિષ્ટ વનસ્પતિઓ પણ મળી આવે છે. કચ્છના નાના રણની મુલાકાત સમયે તમને ઘુડખર ઉપરાંત ચિંકારા (ઇંડિયન ગેઝેલ), કાળીયાર (બ્લેક બક), નીલગાય (બ્લુ બુલ), જંગલી ડુક્કર, વરૂ, શિયાળ, જંગલી બિલાડી, ઝરખ, જબાદી બિલાડી, કિડીખાઉ (પેંગોલીન), કલગીવાળી શાહુડી, જર્બિલ જેવા અસંખ્ય પ્રાણીઓ તેમના પ્રાક્રૃતિક વાતાવરણમાં નિહાળવા મળે છે.

એક સમયે ગુજરાત ઉપરાંત રાજ્સ્થાન, સિંધ, બલુચિસ્તાન, અફઘાનિસ્તાન અને દક્ષિણ પૂર્વ ઇરાન સુધી જોવા મળે મળતાં ઘુડખર અશ્વ પરિવાર (ઇક્વિડે)ના સભ્ય છે.ચોમાસુ ઘાસ અને બેટ તેમ જ તેની આસપાસના વિસ્તારમાં ઉગતું મોરડ તરીકે જાણીતું ઘાસ (સ્યુએડા નુડીફ્લોરા) ઘુડખરનું મુખ્ય ભોજન છે. ઉનાળાના સમયગાળામાં ઘુડખર પાણી અને ઘાસચારાની શોધમાં એક બેટથી બીજા બેટ તરફ ભ્રમણ કરતાં રહે છે.અભયારણ્ય સુધી જવા માટે બજાણા ગામથી કચ્છના નાનારણમાં સહેલાઇથી પહોંચી શકાય છે. આ ઉપરાંત દસાડા, જૈનાબાદ અને ધ્રાંગધ્રા થઇને પણ અહીં સુધી પહોંચી શકાય છે.બજાણાથી સૌથી નજીકનું એરપોર્ટ અમદાવાદ(૧૩૦ કિ.મી.) જ્યારે રાજકોટ(૧૬૦ કિ.મી.) અને ભુજ(૨૪૫ કિ.મી.)ના અંતરે આવેલું છે. આ ઉપરાંત ધ્રાંગધ્રા(૨૨ કિ.મી.) તથા હળવદ અને બજાણા રેલવે સ્ટેશન નજીકના રેલવે સ્ટેશનો છે. કચ્છનું નાનું રણ પાકામાર્ગો અને હાઇ-વેથી સંકળાયેલું છે. અહીં જમીન માર્ગે પહોંચવા માટે રાજ્ય પરિવહનની બસો, વિવિધ ખાનગી વાહનો દ્વારા પહોંચી શકાય છે. અમદાવાદથી વિરમગામ થઇને બજાણા કે ધ્રાંગધ્રા આવી શકાય છે.

અભયારણ્યની મુલાકાતે આવતા પર્યટકોમાં ચોથા ભાગનાં પર્યટકો વિદેશી હોય છે. તેઓ રણમાં જીપ, સફારી, જળસૃષ્ટિ, પાણીના તલાવડા, અગરિયાની જીવનશૈલી, મુક્તપણે વિહરતી વન્ય જીવસૃષ્ટિ જેવા વિવિધ પ્રકારના અનુભવ લે છે. સાથેસાથે સૂર્યોદય-સૂર્યાસ્તનો આહલાદક અનુભવ તો ખરો જ !

આ જીવસૃષ્ટિ અને ઇકો-સિસ્ટમ સતત સંઘર્ષ કરતી રહી છે. માણસની વિવિધ પ્રવૃતિ અને તેના દ્વારા ઉદભવતાં જોખમી પરિબળો ઇકો-સિસ્ટમને ગંભીર અસર કરે છે. લોકોના સહભાગી સહકારથી તથા પર્યાવરણ અને ઇકો-સિસ્ટમના શિક્ષણ દ્વારા આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી સરળ રસ્તો કાઢવા સરકાર અને વન્યસંપદાના શુભચિંતકો સતત પ્રયત્નશીલ રહે છે. આ પ્રોત્સાહન પૂરું પાડવા વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી દરમિયાન ખાસ પ્રયત્ન કરીને લોકોને ઇકોસીસ્ટમ પ્રત્યે સંવેદનશીલ બનાવવાનો હેતુ એટલે જ હોય છે.