જય માતાજી… વૈષ્ણોદેવીનાં ભક્તોને મફત વીમા કવચ

જમ્મુ-કશ્મીર રાજ્યના જમ્મુ પ્રાંતમાં આવેલા સુપ્રસિદ્ધ તીર્થધામ વૈષ્ણોદેવી મંદિરના દર્શને આવતા શ્રદ્ધાળુઓ-યાત્રાળુઓ માટે ખુશખબર છે. એમને દરેકને રૂ. પાંચ લાખની રકમનું મફત ઈન્શ્યૂરન્સ કવર આપવામાં આવશે.

જમ્મુ અને કશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકની આગેવાની હેઠળ અહીં મળેલી શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યપાલ શ્રાઈન બોર્ડના અધ્યક્ષ પણ હોય છે.

શ્રાઈન બોર્ડે મંદિરની મુલાકાતે આવતા યાત્રાળુઓ માટે મફત એક્સિડન્ટ ઈન્શ્યૂરન્સ કવર મંજૂર કરેલું જ છે.

આ વીમા કવચ પ્રત્યેક શ્રદ્ધાળુને ઉપલબ્ધ કરાતા દુર્ઘટના/અકસ્માત કવચ ઉપરાંતનું હશે. પુરુષ કે સ્ત્રી યાત્રાળુ યાત્રાની સ્લિપ મેળવીને યાત્રા શરૂ કરે એ સાથે જ એને વીમા કવચ લાગુ થશે.

ગ્રુપ દુર્ઘટના વીમા કવચ અંતર્ગત પાંચ વર્ષથી વધુની ઉંમરના શ્રદ્ધાળુઓને પાંચ લાખ રૂપિયા સુધી મફત દુર્ઘટના વીમા કવચ મળશે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ત્રણ લાખનો દુર્ઘટના વીમા કવચ મળશે. આ પૂર્વે પાંચ વર્ષથી વધુની વયના શ્રદ્ધાળુઓને ત્રણ લાખનો મફત દુર્ઘટના વીમા કવચ મળતું હતું અને પાંચ વર્ષથી ઓછી વયના બાળકોને એક લાખ રૂપિયાનું વીમા રક્ષણ મળતું હતું.

યાત્રાળુઓને આ વીમા કવચ પૂરું પાડવા માટે પ્રીમિયમનો થનાર ખર્ચ શ્રાઈન બોર્ડ ઉઠાવશે. વીમા કવચને આઠ વર્ષ બાદ અપગ્રેડ કરવામાં આવ્યું છે.

શ્રી માતા વૈષ્ણોદેવી નારાયણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની કામગીરીની પણ ઉક્ત બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.

સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે પોતાની સમાજસેવા યોજના અંતર્ગત અકસ્માતનો ભોગ બનનાર યાત્રાળુઓને મફત સારવાર માટે મેડિકલ સપોર્ટ નીતિ પણ મંજૂર કરી છે. આમાં, એવા લાભાર્થીઓને સામેલ કરાયા છે જેઓ વૈષ્ણોદેવી મંદિરની આસપાસના વિસ્તારોમાં રોડ અકસ્માત, ભૂસ્ખલન કે પથ્થર ફેંકાવાના બનાવો તથા એના જેવી કુદરતી આફતો વખતે ઈજાગ્રસ્ત થાય.

દર્દીની હાલત સ્થિર થાય ત્યાં સુધી શ્રાઈન બોર્ડ આવા તમામ કેસોમાં તબીબી સહાયતા પૂરી પાડશે. એ માટે રૂ. બે લાખની રકમની ટોચમર્યાદા નક્કી કરવામાં આવી છે.

શ્રાઈન બોર્ડે ભૈરવ મંદિરમાં રૂ. 1 કરોડના ખર્ચે નવું મેડિકલ યુનિટ બનાવવાનો પણ નિર્ણય લીધો છે.

જમ્મુ પ્રાંતના રીયાસી જિલ્લામાં ત્રિકુટા પર્વતમાળામાં આવેલા વૈષ્ણોદેવી મંદિરની દર વર્ષે બે કરોડથી વધુ ભક્તો મુલાકાત લે છે.