દુનિયાનાં ટોપ-10 ‘અદ્દભુત’ રેલવે સ્ટેશનોઃ મુંબઈનું CSMT બીજા નંબરે…

મુંબઈગરાઓ ગર્વાન્વિત થાય એવાં સમાચાર છે. સ્થાપત્યકળાની દ્રષ્ટિએ અદ્દભુત એવા દુનિયાના ટોચના 10 રેલવે સ્ટેશનોની એક યાદી બહાર પાડવામાં આવી છે. એમાં દક્ષિણ મુંબઈમાં આવેલું મધ્ય રેલવેનું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન બીજા નંબર પર છે.

વન્ડરલિસ્ટ એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલી આ યાદીમાં પહેલા નંબર પર ન્યુ યોર્કનું ગ્રેન્ડ સેન્ટ્રલ ટર્મિનલ સ્ટેશન આવે છે.

રેલવે સ્ટેશન એ કંઈ એવું સ્થળ નથી કે જ્યાં માનવી આખો દિવસ વિતાવી શકે. ત્યાં તો સતત ઘોંઘાટ થતો હોય અને લોકોની અવરજવર-ભીડ રહેતી હોય. આવું બધું હોય એટલે સામાન્ય રીતે કોઈને પણ એમ થાય કે ઝટ અહીંથી રવાના થઈ જઈએ. તે છતાં દુનિયામાં અમુક સ્ટેશનો એવાં છે જે જ્યાં શોરબકોર અને ભીડ તો હોય જ છે, પરંતુ બેનમૂન સ્થાપત્યકળા પણ છે, જેને કારણે આ સ્ટેશનો પર ફરવાની અને એને નિહાળવાની લોકોને ઉત્સૂક્તા રહે છે.

આ છે તે 10 ટોચના રેલવે સ્ટેશનોઃ

(1) ગ્રેન્ડ સેન્ટ્રલ ટર્મિનલ, ન્યૂ યોર્ક (અમેરિકા)

(2) છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઈ (ભારત)

(3) સેન્ટ પેંક્રાસ ઈન્ટરનેશનલ, લંડન (બ્રિટન)

(4) અટોચા સ્ટેશન, મેડ્રિડ (સ્પેન)

(5) એન્ટવર્પ સેન્ટ્રલ, એન્ટવર્પ (બેલ્જિયમ)

(6) ગોર ડુ નોર્ડ, પેરિસ (ફ્રાન્સ)

(7) સિર્કેચી સ્ટેશન, ઈસ્તંબુલ (તૂર્કી)

(8) CFM રેલવે સ્ટેશન, માપુતો (મોઝામ્બિક)

(9) કાનાઝાવા સ્ટેશન, કાનાઝાવા (જાપાન)

(10) ક્વાલાલમ્પુર રેલવે સ્ટેશન, ક્વાલાલમ્પુર (મલેશિયા)

આ ‘વન્ડરલિસ્ટ’માં 132 વર્ષ જૂના CSMT સ્ટેશનને દ્વિતીય એવું ગૌરવવંતુ સ્થાન મળ્યું છે. આ સ્ટેશન વાસ્તુકળાની દ્રષ્ટિએ મહત્ત્વનું ગણાય છે.

જાણો CSMT સ્ટેશનની વિશેષતા..

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશનની વિશેષતા એક નહીં, પણ અનેક છે. જેમકે આ શહેર મુંબઈનું ઐતિહાસિક અને સૌથી મોટું રેલવે સ્ટેશન છે. આ શહેરને સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની પેટાસંસ્થા યુનેસ્કોએ હેરિટેજ સ્થળ તરીકે ઘોષિત કર્યું છે. આ જ રેલવે સ્ટેશનની ઈમારતમાં મધ્ય રેલવેનું મુખ્યાલય આવેલું છે. સ્ટેશનને યાદીમાં દ્વિતીય સ્થાન મળ્યાની જાહેરાત પણ મધ્ય રેલવેએ એના ટ્વિટર હેન્ડલ પર જ કરી હતી.

આ સ્ટેશનનું બાંધકામ 1878માં શરૂ કરાયું હતું. એ પૂરું થતાં દસેક વર્ષ લાગ્યા હતા. એ સમયગાળામાં કોઈ પણ ઈમારત બાંધવા માટે લાગેલો એ સૌથી મોટો સમય ગણાયો હતો.

આ રેલવે બોરીબંદર વિસ્તારમાં આવેલું હોવાથી પહેલાં એનું નામ બોરીબંદર સ્ટેશન હતું. ત્યારબાદ એ બ્રિટનનાં રાણી વિક્ટોરિયાના નામથી – વિક્ટોરિયા ટર્મિનસ કે વીટી સ્ટેશન તરીકે જાણીતું થયું હતું.

આ રેલવે સ્ટેશનની રચના ફેડ્રિક વિલિયમ સ્ટીવન્સ નામના બ્રિટિશ સ્થાપત્યકળા નિષ્ણાતે કરી હતી. આ બાંધકામ માટે ફેડ્રિકને એ જમાનામાં 16 લાખ, 14 હજારનું માનધન (મહેનતાણું) આપવામાં આવ્યું હતું.

આ સ્ટેશનની રચના લંડનના સેન્ટ પેકાર્સ રેલવે સ્ટેશન સાથે મળતી આવે છે.

CSMT સ્ટેશનના મુખ્ય ભાગમાં ઘડિયાળની નીચે રાણી એલિઝાબેથ-દ્વિતીયનું પૂતળું મૂકવામાં આવ્યું હતું. પરંતુ 1950માં ભારત સરકારે આદેશ બહાર પાડ્યો હતો કે તમામ ઈમારતોમાંથી બ્રિટિશરોનાં પૂતળાં હટાવી દેવા. એને પગલે રાણી એલિઝાબેથનું પૂતળું પણ હટાવી દેવામાં આવ્યું હતું.

1996ના માર્ચ મહિના સુધી આ રેલવે સ્ટેશનનું નામ વિક્ટોરિયા ટર્મિનસ (વીટી) હતું. પરંતુ ત્યારબાદ નામકરણ કરીને એનું નામ બદલીને છત્રપતિ શિવાજી ટર્મિનસ (સીએટી) રાખવામાં આવ્યું હતું.

1996ના માર્ચથી 2017ની સાલ સુધી આ સ્ટેશન ‘સીએસટી’ તરીકે ઓળખાતું રહ્યું હતું. 2017ના જૂન મહિનામાં સ્ટેશનના નામમાં ‘મહારાજ’ શબ્દ ઉમેરવામાં આવ્યો હતો અને ત્યારથી એ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ એટલે કે CSMT તરીકે ઓળખાવા લાગ્યું છે.

સીએસએમટી સ્ટેશન પર 18 પ્લેટફોર્મ છે. એમાંના 1 થી 7 પ્લેટફોર્મ મુંબઈના ઉપનગરીય (લોકલ) ટ્રેન સેવા માટેના છે.

8 થી 18 નંબરના પ્લેટફોર્મ્સ મેઈન લાઈન માટેના છે જ્યાંથી લાંબા અંતરની પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનો ઉપડે છે અને આવે છે.

2008ના નવેંબરની 26મી તારીખે સાંજે આ જ (સીએસટી) સ્ટેશન પર ત્રાસવાદીઓએ ભયાનક હુમલો કર્યો હતો. અજમલ કસાબ અને એનો સાથીદાર ત્રાસવાદી સ્ટેશનના મુખ્ય ભાગ પર ત્રાટક્યા હતા અને ત્યાં હાજર પ્રવાસીઓ પર એકે-47 રાઈફલમાંથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. એ હુમલામાં 57 જણ માર્યા ગયા હતા અને 104 જણ ઘાયલ થયા હતા.

‘સ્લમડોગ મિલિયોનેર’ ફિલ્મનું ‘જય હો’ ગીત પણ આ જ રેલવે સ્ટેશન પર ફિલ્માવાયું હતું.

CSMT સ્ટેશન પર દરરોજ લાખોની સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે. દક્ષિણ મુંબઈમાં અનેક સરકારી તથા ખાનગી કંપનીઓ, બેન્કોની ઓફિસો આવેલી છે અને ત્યાં કામ કરવા માટે ઉત્તર, પશ્ચિમ અને પૂર્વ મુંબઈના ભાગોમાંથી રોજ લાખો લોકો લોકલ ટ્રેન દ્વારા સવારે અહીં આવે છે અને સાંજ પડેને અહીંથી જ ઘરભેગા થાય.

આ સ્ટેશનેથી દર ચારથી પાંચ મિનિટે એક લોકલ ટ્રેન છૂટે છે.

આ સ્ટેશન પર જ રેલવેનું એક મ્યુઝિયમ આવેલું છે જ્યાં સ્ટેશનનો ઈતિહાસ સચિત્ર સ્વરૂપે દર્શાવવામાં આવ્યો છે.