નાના શહેરોમાં આવી રહી છે મેટ્રોલાઈટ ટ્રેનો

કેન્દ્ર સરકારે દેશના નાના શહેરો અને નગરોમાં નવી અર્બન રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ – મેટ્રોલાઈટ શરૂ કરવાનું નક્કી કર્યું છે.

મેટ્રોલાઈટની દરેક ટ્રેન ત્રણ ડબ્બાવાળી હશે અને એની સ્પીડ પ્રતિ કલાક 25 કિ.મી. સુધી નિયંત્રિત હશે.

કેન્દ્રીય હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલયે મેટ્રોલાઈટ સેવાનું સૂચન કર્યું છે. આ સેવાની ટ્રેનો જમીન ઉપર દોડાવવામાં આવશે તેમજ એલીવેટેડ સ્ટ્રેચ પણ હશે.

લોકો જાહેર પરિવહન સેવાનો વધુ ઉપયોગ કરતા થાય એ હેતુથી સરકાર આ નવી ટ્રેન સેવા શરૂ કરવા માગે છે. આ નવી માસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમને લાઈટ રેલ ટ્રાન્ઝિટ (LRT-મેટ્રોલાઈટ) નામ આપવામાં આવ્યું છે.

હાલની મેટ્રો સિસ્ટમ કરતાં મેટ્રોલાઈટ સેવા પાછળનો ખર્ચ ઓછો થાય એમ છે. હાઈ-કેપેસિટીવાળી મેટ્રો સેવાની ફીડર સિસ્ટમ તરીકે મેટ્રોલાઈટ ઉપયોગી થઈ શકશે.

ત્રણ-કોચની દરેક ટ્રેનમાં 300 જણને પ્રવાસ કરાવી શકાશે.

આ સિસ્ટમ લાગુ કરવા માટે કેન્દ્ર સરકાર રાજ્યોને નાણાકીય સહાયતા પૂરી પાડશે.

મેટ્રોલાઈટ સિસ્ટમ માટે રોડ ટ્રાફિકથી અલગ ડેડિકેટેડ માર્ગ આપવામાં આવશે. રોડ ટ્રાફિકથી તે અલગ રહે એ માટે નેટવર્કની બંને બાજુએ વાડ પણ બાંધવામાં આવશે.

ભારતીય જનતા પાર્ટીએ તેના ચૂંટણી ઘોષણાપત્રમાં વચન આપ્યું હતું કે તે 50 શહેરોમાં મેટ્રો નેટવર્કનું વિસ્તરણ કરશે.

મેટ્રોલાઈટ નેટવર્કમાં શેલ્ટર પ્લેટફોર્મ હશે. ટિકિટ વેલિડેટર્સ ટ્રેનની અંદર જ ઈન્સ્ટોલ કરવામાં આવશે.

પ્રવાસીઓનું ઓચિંતું જ ચેકિંગ કરવામાં આવશે અને જેની પાસે કાયદેસર ટિકિટ નહીં હોય એને ધરખમ રકમનો દંડ ફટકારવામાં આવશે.

મેટ્રોલાઈટ ટ્રેનમાં ત્રણેય ડબ્બા એકબીજા સાથે જોડેલા હશે. ડબ્બાનું સ્ટ્રક્ચર મટિરીયલ સ્ટેનલેસ સ્ટીલ અથવા એલ્યુમિનિયમનું હશે.

ટ્રેનોની મહત્તમ સ્પીડ 60 કિ.મી. પ્રતિ કલાકની રહેશે, પરંતુ એની સ્પીડને 25 કિ.મી. સુધી મર્યાદિત રાખવામાં આવશે.

સંબંધિત શહેરોની મહાનગરપાલિકા-નગરપાલિકાઓએ બે સમાંતર રોડ વચ્ચે મેટ્રોલાઈટ ટ્રેનો દોડાવવા માટે ઓછામાં ઓછા સિંગલ ટ્રેન માટે સંભવિત માર્ગ નક્કી કરી આપવો પડશે.