બુલેટ રાજાઃ 16 મહિના, એક બાઈક ને 29 રાજ્ય

સોળ મહિના, એક બાઈક ને 29 રાજ્યઃ ભારતની વિધવિધ સંસ્કૃતિ જોવા-સમજવા આ 35 વર્ષી ગુજરાતી એમબીએ કસદાર પગારવાળી નોકરી ત્યજી એક કિક મારીને નીકળી પડ્યો.

રખડપટ્ટી- ધ્રુવ ધોળકિયા

મારા દાદાજી બચુભાઈ ધોળકિયા મસ્કતમાં ખીમજી રામદાસે સ્થાપેલી હિંદુ મહાજન સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા ને ફરવાના શોખીન હતા. પિતા બંકીમ ધોળકિયા આફ્રિકામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. એ પણ ફરવાના શોખીન. મારો જન્મ મુંબઈમાં, પણ હું નવેક વર્ષ આફ્રિકામાં રહ્યો. ભારત પરત આવી મુંબઈની એનએમ કૉલેજમાંથી એમબીએ થઈ તગડા પગારવાળી નોકરી લઈને મોજ કરતો હતો. ત્યાં એક દિવસ…

…એક દિવસ મને થયું કે હું શું કરી રહ્યો છું. એ વખતે મારી અવસ્થા પીંજરામાં પુરાયેલા પંખી જેવી હતી. અત્યાર સુધી, દસ-દસ વર્ષ સુધી મેં ગાંડાની જેમ બીજા કોઈને માટે કામ કર્યે રાખ્યું. એમાંથી મેં શું મેળવ્યું… હા, પગાર-પૈસા કમાયો, પણ સેલ્ફ ગ્રોથનું શું ? મને લાગ્યું કે આટલો સમય મેં સતત બીજા બધા પાછળ વિતાવ્યો. હવે 15-16 મહિના મેં મારી જાતને આપવાનુ નક્કી કર્યું. મને બરાબર યાદ છે, એ દિવસોમાં મુંબઈમાં ચોમાસુ ને તહેવારોની મોસમ બન્ને જામ્યાં હતાં. ચોમાસુ વિદાય લે એ પહેલાં 29 સપ્ટેમ્બર, 2015ના રોજ ગણેશવિસર્જનના દિવસે ગણપતિ બાપ્પા મોરયા ચિલ્લાઈને મેં મારી યાત્રા આરંભી દીધ. સાવ એકલો. હા, સહપ્રવાસી હતી મારી બુલેટ બાઈક.મારા આ પ્રવાસનો એકમાત્ર હેતુ હતોઃ સેલ્ફ ગ્રોથ. ભારતભરના પ્રવાસથી આત્મવિકાસનો મારો હેતુ પાર પડતો હતો. વિશ્વવિખ્યાત ટ્રાવેલ ગાઈડમાં એવું લખ્યું છે કે ભારત દેશ આખો જોવો હોય તો કંઇક કેટલા જન્મારા નીકળી જાય. પ્રજા, ભાષા, ધર્મ, સંસ્કૃતિ, લૅન્ડસ્કેપનું કેટલુ બધું વૈવિધ્ય. પ્રવાસ દરમિયાન મને એ જ્ઞાન પણ લાધ્યું કે જો આપણે બધા એકમેકની સંસ્કૃતિ સમજીએ તો એવી એકતા થાય કે મધર (કે ફાધર!) ઑફ ઑલ બૉમ્બ પણ એને ભાંગી ન શકે. ધારો કે પંજાબી અને તમિળ એકમેકની સંસ્કૃતિ, રીતરિવાજ સમજી લે તો ન કરે આપોઆપ આદર એકમેક માટે?!

આમ તો સાચો પ્રવાસ , જે કોઈ જાતનાં બંધન-નિયમ વગર થાય. પણ મને થયું આ એક નિયમ તો બનાવવો જોઈએ. આધુનિક ભારતનાં 29 રાજ્યના પ્રવાસ કરવો. બસ, આ એક નિયમને બાદ કરતાં આ આખ્ખી જર્ની દરમિયાન ક્યાંય કોઈ રુલ લગાડ્યો નહીં. જે રાજ્યમાં જે મન થાય એ જોવું ને મન થાય એટલા દિવસ રહેવું.

દાખલા તરીકે, હું હિમાચલ પ્રદેશ (જે મારું ચોવીસમું રાજ્ય હતું) પહોંચ્યો તો ત્યાં મંડી (એક રાત) કસોલ (પાંચ રાત), મલાના (ચારરાત), મનાલી (છ રાત), ચત્રુ (એક રાત), ચંદ્રતાલ (બે રાત), કાઝા (ચાર રાત) એમ ફર્યો. એમાં જ 23 દિવસ થઈ ગયા.

– અને 15 જાન્યુઆરી, 2017ના રોજ સમી સાંજે દેશનું વેસ્ટર્ન મોસ્ટ પૉઈન્ટ એટલે કચ્છના કોટેશ્વરમાં મારી મુસાફરીનો અંત આવ્યો. એ કચ્છ, જે મારી પિતૃભૂમિ છે. હા, મૂળ અમે કચ્છ માંડવીના. આપણે આપણાં મૂળિયાં સાથે જોડાયેલા રહેવું જોઈએ.

મુંબઈ પરત આવ્યો એ પછી મારાં સગાંવહાલાં, મિત્રો મને કુતૂહલવશ જાતજાતના સવાલો પૂછે છેઃ કેટલો ખર્ચ થયો ? મારો એમને જવાબ હોય છે કે કંઈ જોવા-સમજવા-માણવા પૈસાની શું જરૂર છે… એ પછી હું જ્યારે એમને કહું છું કે છ લાખ રૂપિયામાં, સોળ મહિના હું આખો દેશ ફર્યો તો હું જાણે પરગ્રહ પરથી આવ્યો હોઉં એમ મારી સામે જોઈ રહે છે. યસ,આશરે છ લાખ રૂપિયા ખર્ચ થયો મને. કેવી રીતે? એમ જ ને… આમાં કેટલાંક સિદ્ધાંત કામ આવી ગયાઃ

0 કોઈ તમને કશુંક મફત આપે તો લેતાં અચકાવું નહીં. એ વખતે તમારા અહમને બગલથેલામાં સંતાડી દેવાનો.

0 મફત ન મળે તો એવી જગ્યાએ નજર દોડાવો, જે સસ્તી હોય. એ પછી તપાસ કરો, આનાથી સસ્તી જગ્યા કોઈ છે કે… ઘણી જગ્યાએ હું મિત્રો તથા ઓળખીતાને ત્યાં, મિત્રોના મિત્રો, ઓળખીતાના ઓળખીતાના ત્યાં રહ્યો.. આવા જુગાડ બહુ કામ આવે. આ આખા પ્રવાસમાં મારી એકોમોડેશન કોસ્ટની સરેરાશ હતી. રાત્રિદીઠ 400 રૂપિયા. ખાવાના રોજના 100 રૂપિયા. પીવાના પાણીના રોજના ચાલીસ રૂપિયા. કિલોમીટરદીઠ 200 રૂપિયા પેટ્રોલ.

– અને ફૂડ.. આવા પ્રવાસમાં તમારે માંદા પડ્યા વિના રસ્તા પરનું ખાવામાં માસ્ટર થાવું પડે. આસપાસ નજર દોડાવો. જ્યાં ખૂબ બધા લોકો ખાતા હોય ત્યાં ખાવું. અનેકવાર હું માત્ર ફ્રૂટ્સ,ઈંડા, ચા અથવા નજર સામે કશુંક ગરમ બનતું હોય એ પેટમાં પધરાવીને જે મળે એની પર રહ્યો.

હા, કબૂલ કરું છું કે જરૂર પડી ત્યાં ખર્ચ્યા પણ છે. અન્યથા ત્રણ-સાડા ત્રણ લાખ રૂપિયામાં આખ્ખો પ્રવાસ થઈ જાત.

સોળ મહિનાની મારી આ સાહસસફર જો કે બુલેટ પર થઈ. જાતજાતના અનુભવ થયા. મણિપુર, જમ્મુ-કાશ્મીર જેવાં રાજ્યોમાં આગળનો પ્રવાસ વધારવા લશ્કરને રીતસરના પગે પડવું પડ્યું. નિખાલસ બનીને કહું તો થોડીક યાત્રા મારે ટ્રેનમાં કરવી પડી. બન્યું એવું કે હું બનારસ પહોંચ્યો ત્યારે રાત થઈ ગયેલી. અંધારામાં સામેથી પૂરપાટવેગે આવતી એક ટ્રકે મને ટક્કર મારી. ટક્કર જોરદાર હતી. મારી છાતીના હાડકાને ઈજા થઈ. ડૉક્ટરે ત્રણ અઠવાડિયાં બાઈક ચલાવવાની ના પાડી ત્યારે મધ્ય પ્રદેશ મારે ટ્રેનમાં જવું પડ્યું. પછી સારું લાગતાં ડૉક્ટરની સલાહ અવગણી ફરી બાઈક પ્રવાસ શરૂ કરી દીધો.

આ પ્રવાસ એક આત્મખોજ બની રહી. ‘ટેકનોલૉજી નહીં, યોગ’ એવું સ્ટીવ જોબ્સે શા માટે કહ્યું એ મને આ પ્રવાસ દરમિયાન સમજાઈ ગયું…

મેં કહ્યું એમ હું મુંબઈ આવ્યો એ પછી જાતજાતના સવાલ મને થઈ રહ્યા છે. જેમાંનો એક છે.. આ પ્રવાસ પછી મારામાં શું પરિવર્તન આવ્યું ? હું નેધરલૅન્ડની એક કંપની માટે ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર હતો ત્યારે મને અમેરિકા, યુરોપ સારા લાગતા હતા. હવે મને લાગે છે કે ભારત જેવો બીજો કોઈ દેશ આ દુનિયામાં નથી. સાહિત્ય, સ્થાપત્ય, સંસ્કૃતિ, સાયન્સ-ટેકનલૉજી આ બધામાં આપણે આગળ હતા. એ પછી ચારસો-પાંચસો વર્ષ પહેલાં મુઘલ, બ્રિટિશ આક્રમણ થયાં, પણ એ પહેલાંનો ઈતિહાસ ગૌરવાન્વિત હતો. હજી પણ છે. આ બધું મને મારા પ્રવાસદરમિયાન સમજાયું. ભારત માટે સેલ્ફ-રિસ્પેક્ટ ખૂબ વધી ગયું. આજકાલના આપણા યુવાનો હોલીવૂડ-ફોલીવૂડની ને ત્યાંની ટીવી સિરીઝની કે વિદેશીઓએ લખેલાં પુસ્તકની જ ચર્ચા કરતા જોવા મળે છે. હશે, એ લોકોને નીચા ઉતરી પાડવાનો આશય નથી, પણ આપણે કંઇ કમ નથી. ઇનફેક્ટ,આ પ્રવાસ બાદ મને મારાં રૂટ્સ સમજાયાં છે અને હવે મેં ગુજરાતી પુસ્તકો, સાહિત્ય વાંચવાની શરૂઆત કરી છે.

બીજું એક સૌથી મોટું પરિવર્તન એ આવ્યું કે હું સ્પિરિચ્યુઆલિટીમાં-આધ્યાત્મિકતામાં માનતો થયો. આ આખા પ્રવાસમાં મને ખાસ તો દેશનાં વિવિધ આધ્યાત્મિક સ્થળોએ ફરવાની બહુ મજા આવી. પ્રવાસમાં મેં હિંદુઈઝમ, ઈસ્લામ, ક્રિશ્ચિયાનિટી, બુદ્ધિઝમ, જૈનિઝમ, શીખ્ખિઝમ અરે, જ્યુડાઈઝમને પણ આવરી લીધા. સાધુસંતો, સદગુરુમાં કંઇક એવી અગોચર શક્તિ છે એવો મારો વિશ્વાસ દ્રઢ થયો. આપણને જાણીને નવાઈ લાગે કે દુનિયા આખીને આઈફોન, આઇપૅડ, (હાર્ડવેર, સૉફ્ટવેર, મ્યુઝિક,ટેલિકૉમ્યુનિકેશન, ઍનિમેશન, વગેરે)ની કાયાપલટ કરનારા સ્ટીવ જોબ્સનું કૅન્સરથી મૃત્યુ થયું ત્યારે અંતિમવિધિ વખતે એમના આખા પરિવારને, મિત્રોને એક ગિફ્ટ મળી. જાણો છો ગિફ્ટમાં શું હતું… એક પુસ્તકઃ ઍન ઑટોબાયોગ્રાફી ઑફ અ યોગી(પરમહંસ યોગાનંદ). એ હયાત હતા ત્યારે એમણે આ પુસ્તક પચ્ચીસેક વાર વાંચેલું. સ્ટિવ જોબ્સનો એ આખરી સંદેશ હતોઃ ટેકનોલોજી નહીં, યોગ.ફેસબુક માર્ક ઝુકરબર્ગ જ્યારે માનસિક પરેશાની અનુભવતા હતા ત્યારે સ્ટિવ જોબ્સે એમને ભારતના ઉત્તરાખંડમાં નીમકરોલી બાબાને શરણે જવા કહેલું ને ઝુકરબર્ગ આવેલા પણ ખરા.

બસ, આ છે પરિવર્તન. આજે હું નિયમિત યોગાસન કરું છું, ધ્યાન ધરું છું ને જીવનમાં ચમત્કારિક પરિવર્તન અનુભવું છું. આ બધું શક્ય બન્યું મારા પ્રવાસથી. અંતે સૅન્ટ ઓગસ્ટિનનું મારું પ્રિય ક્વૉટઃ આ જીવન એક દળદાર પુસ્તક છે. જે લોકો પ્રવાસ નથી કરતા એમણે પુસ્તકનું ખાલી એક જ પાનું વાંચ્યું છે !

મુલાકાતઃ કેતન મિસ્ત્રી

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]