ભારતના શ્રેષ્ઠ પ્રાણીબાગ કયા?

કોઈ પણ મોટા શહેરના જોવાલાયક સ્થળોની યાદીમાં પ્રાણીસંગ્રહાલય કે પ્રાણીઉદ્યાન કે પ્રાણીબાગને અચૂક સામેલ કરવામાં આવે. ઘરનાં બાળકોને પ્રાણીબાગમાં લઈ જઈને એમને પ્રાણીઓ બતાવવાનો આનંદ માણવાની એક મજા છે. ભારતમાં વન્યપ્રાણીઓનાં આશ્રયસ્થાનો સેંકડોની સંખ્યામાં છે. એમાંના અમુકની અહીં જાણકારી પ્રસ્તુત છેઃ

મૈસુર ઝૂ

ચમારાજેન્દ્ર ઝૂઓલોજિકલ ગાર્ડન્સ ભારતના સૌથી જૂના પ્રાણીસંગ્રહાલયોમાંનું એક છે. અહીં હાથી, ઝેબ્રા, સિંહ, લીલા એનાકોન્ડા, ગેંડા સહિત સેંકડો જંગલી પ્રાણીઓને સાચવવામાં આવ્યા છે.

નંદન કાનન ઝૂઓલોજિકલ પાર્ક

આ પાર્ક ઓડિશાના પાટનગર ભૂવનેશ્વરમાં આવેલો છે. તે ભૂવનેશ્વરના નવા રેલવે સ્ટેશનેથી આશરે 6 કિ.મી. દૂર છે. સફેદ વાઘ, મગર, સિંહને અહીં રાખવામાં આવ્યા છે.

અરિગ્નર અન્ના ઝૂઓલોજિકલ પાર્ક

તામિલનાડુના પાટનગર ચેન્નાઈના ઉપનગર વંદલુરમાં આ પાર્ક આવેલો છે. ચેન્નાઈ એરપોર્ટથી 15 કિ.મી. દૂર આવેલો છે. અહીં મગરના એન્ક્લેવ ચે અને એક વિશાલ એક્વેરિયમ પણ છે. કેમ્પસની અંદર ટ્રેક અને એલિફન્ટ સફારી પણ છે.

નેહરુ ઝૂઓલોજિકલ પાર્ક

હૈદરાબાદમાં શહેરના હાર્દ વિસ્તારથી 16 કિ.મી. દૂરના અંતરે આવેલો છે. અહીંની હરિયાળી જાણીતી છે. અહીં 100થી વધુ જાતિના પશુ-પક્ષીઓ અને સર્પને રાખવામાં આવ્યા છે. બેંગાલ ટાઈગર, એશિયાટિક લાયન્સ, હાથી, દીપડો વગેરે અહીં જોવા મળશે.

પદ્મજા નાયડુ હિમાલયન ઝૂઓલોજિકલ પાર્ક

આને દાર્જિલિંગ ઝૂ પણ કહેવાય છે. ભારતમાં આ સૌથી ઊંચાઈવાળા સ્થળ પર આવેલું પ્રાણીબાગ છે, જે પશ્ચિમ બંગાળના હિલસ્ટેશન-શહેર દાર્જિલિંગમાં આવેલું છે. અહીં તિબેટન વરુ, રેડ પાન્ડા, સ્નો લેપર્ડ (દીપડા), સાઈબેરિયન વાઘ, યાક, હિમાલયન કાળા રીંછ જેવા પ્રાણીઓ જોવા મળે છે.

ગોપાલપૂર ઝૂ

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આ ઝૂ આવેલું છે. દાર્જિલિંગ બાદ ભારતનું આ બીજું પ્રાણીબાગ છે જે પહાડી વિસ્તારમાં સ્થિત છે. આ પ્રાણીસંગ્રહાલયની ફરતે ધૌલાધર પર્વતમાળા આવેલી છે. બરફ પડે છે ત્યારે આ વિસ્તારનું કુદરતી સૌંદર્ય વધુ ખીલી ઊઠે છે. અહીં તમને હિમાલયન બ્લેક બેર, એશિયાટિક લાયન, રેડ ફોક્સ (શિયાળ), દીપડા, હરણ જોવા મળશે.

ગુલાબ બાગ અને ઝૂ

રાજસ્થાનના ઉદયપુરમાં આવેલું ગુલાબ બાગ સૌથી મોટું ગાર્ડન ગણાય છે. નામ પ્રમાણે આ ગાર્ડનની અંદર અનેક વેરાયટીનાં ગુલાબનાં ફૂલ જોવા મળે છે. આ ગાર્ડનની અંદર નાનકડું ઝૂ છે, બાળકોનાં આનંદ માટે ટોય ટ્રેન પણ ફરતી હોય છે.

છત્તબીર ઝૂ

પંજાબના ચંડીગઢ શહેરથી 17 કિ.મી.ના અંતરે આવેલું છત્તબીર ઝૂ મહેન્દ્ર ચૌધરી ઝૂઓલોજિકલ પાર્ક તરીકે પણ જાણીતું છે. આ વિશાળ પ્રાણીબાગમાં રોયલ ટાઈગર અને એશિયાટિક લાયન સહિત અને વન્યપ્રાણીઓ, પક્ષીઓ જોવા મળશે. મુલાકાતીઓ માટે લાયન સફારી એક વધુ આકર્ષણ છે.

પંડિત જી.બી. પંત હાઈ ઓલ્ટિટ્યૂટ ઝૂ

ઉત્તરાખંડના નૈનિતાલમાં આ ખૂબ ઊંચાઈ પર આવેલું પ્રાણીબાગ છે. દરિયાઈ સપાટીથી આ ઝૂ 6,900 ફૂટ ઊંચે આવેલું છે. અહીં હિમાલયન બ્લેક બેર, તિબેટન વૂલ્ફ, બાર્કિંગ ડીયર, રોયલ બેંગાલ ટાઈગર, દીપડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે. આ સ્થળ અનેક પક્ષીઓનું પણ આશ્રય સ્થાન છે.

અલીપોર ઝૂ

કોલકાતામાં આવેલું અલીપોર ઝૂ દેશના સૌથી જૂના પ્રાણીસંગ્રહાલયમાંનું એક ગણાય છે. રોયલ બેંગાલ ટાઈગર્સનું આ સૌથી મોટું રહેઠાણ છે. અહીં વિવિધ જાતિનાં પક્ષીઓ પણ જોવા મળે છે.

જીજામાતા ઉદ્યાન (વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન) અથવા રાણીબાગ

મુંબઈના મધ્ય ભાગના ભાયખલા વિસ્તારમાં આવેલું છે. એની સ્થાપના 1861માં કરવામાં આવી હતી. હાથી, હીપોપોટેમસ, વાંદરા, હરણ, અજગર તથા અનેક પ્રકારના પક્ષીઓ અહીં જોવા મળે છે.

કમલા નેહરુ ઝુઓલોજિકલ ગાર્ડન, અમદાવાદ

ગુજરાતનો સૌથી મોટો પ્રાણીબાગ અમદાવાદમાં આવ્યો છે – કમલા નેહરુ ઝૂઓલોજિકલ ગાર્ડન, કાંકરિયા વિસ્તારમાં. જ્યારે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય દુનિયામાં એશિયાઈ સિંહોના એકમાત્ર આવાસ તરીકે જાણીતું છે. એને ‘ગીરનું જંગલ’ કે ‘સાસણ-ગીર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉદ્યાન વેરાવળથી લગભગ ૪૩ કિ.મી. ઉત્તર-પૂર્વમાં આવેલું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]