ફરવા જવું છે ? તો આ પ્રવાસનસ્થળો અનેરાં છે

ખું વર્ષ કામકાજની વ્યસ્તતામાંથી થોડા દિવસ વેકેશનના મળી જાય અને તેમાં પણ જો પરિવાર અથવા મિત્રોનો સાથ મળે તો સોનામાં સુગંધ ભળ્યાનો અહેસાસ થાય. જો તમે પણ આ વેકેશન ટાઈમમાં ફરવાનો વિચાર કરો છો તો આ માહિતી આપને માર્ગદર્શક બની શકે છે. જાણો કેટલાક અદભૂત પ્રવાસન સ્થળો વિશે. જેની મુલાકાત આપના માટે કાયમી સંભારણું બની રહેશે.

લિવિંગ રુટ બ્રિજ, મેઘાલય : વૃક્ષની ડાળીઓ અને વડવાઈઓથી બનેલો આ પુલ કુદરત અને પ્રકૃતિની રચનાનો એક ઉત્કૃષ્ટ નમુનો છે. આ પુલ એટલો મજબૂત છે કે, એક સાથે 50 જેટલા લોકો તેને પાર કરી શકે છે.

વોટર રાફ્ટિંગ, ઋષિકેશ : જો તમે રોમાંચ, સાહસ અને એડવેન્ચરના શોખીન છો તો, એકવાર ઋષિકેશમાં ગંગા રાફ્ટિંગ ચોક્કસ કરવું જોઈએ. આ જગ્યા રોમાંચની દરેક હદો પાર કરાવી દેશે. ઋષિકેશ જવાવાળા પ્રવાસીઓમાં રિવર રાફ્ટિંગને લઈને ખાસ રોમાંચ હોય છે, કારણ કે અહીં પહાડોથી ઉછળતી કૂદતી ગંગા નદીની તોફાની લહેરોની વચ્ચે રિવર રાફ્ટિંગનો રોમાંચ કંઈક અલગ જ હોય છે.

ઋષિકેશમાં શિવપુરીથી રામઝૂલા સુધી અંદાજિત 18 કિમીના અંતરમાં રાફ્ટિંગ થાય છે. અહીં કેટલાય કેમ્પ આવેલા છે, જ્યાં અનુભવી લોકો રિવર રાફ્ટિંગમાં તમારી મદદ પણ કરે છે. મોટાભાગના કેમ્પ નદી કિનારે જ આવેલા છે. ઋષિકેશમાં રિવર રાફ્ટિંગ માટે જાન્યુઆરીથી જૂન અથવા સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીનો સમય આદર્શ માનવામાં આવે છે. જુલાઈ-ઓગસ્ટમાં ચોમાસું હોવાથી આપની મજા ઓછી થઈ શકે છે.

સંદક્ફૂ ચોટી, દાર્જિલિંગ : દાર્જિલિંગમાં આવેલી સંદક્ફૂ ચોટી ભારતની સૌથી ઉંચી પર્વતમાળાઓ પૈકી એક છે. વિશ્વની સૌથી પાંચ ઉંચી પર્વતમાળામાંથી ચાર એવરેસ્ટ, કંચનજંઘા, મકાલૂ અને લ્હોત્સેને આપ સંદક્ફૂ પરથી નિહાળી શકો છો.

પેંગોંગ જીલ, લદ્દાખ : માનવવસ્તી અને ભીડભાડથી દૂર પહાડોના એકાંતમાં આવેલું પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું આ સ્થળ તમને ચોક્કસ પસંદ આવશે. અહીંની સુંદરતા અને નયનરમ્યતા જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જશો અને વારંવાર અહીં આવવાનું મન બનાવશો તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

મનાલી, લેહ રોડ ટ્રીપ: જો તમને સાહસ અને રોમાંચનો શોખ છે તો જીવનમાં એકવાર લેહ રોડ ટ્રીપનો અનુભવ કરવા જેવો છે. વિશેષ કરીને આ રોડ યુવાનો માટે બાઈક ટ્રીપ માટે ફેવરીટ છે. આ રોડ ઉપરથી પસાર થતી વખતે આપ અનેરી પ્રકૃતિક સુંદરતાનો અનુભવ કરશો અને અહીં રહેતા લોકોના સાદગીભર્યા જીવનના તમે ચાહક પણ થઈ જશો.

કચ્છનું રણ, ગુજરાત : અહીં તમને દૂરદૂર સુધી ફક્ત મીઠાની સફેદ ચાદર પથરાયેલી જોવા મળશે. આ કારણોથી આ રણને સફેદ રણ તરીકે પણ ઓળખવામાં આવે છે. પોતાની આવી આગવી ઓળખને કારણે આ રણ વિશ્વનું સૌથી લાવણ્યમયી મરુસ્થળ છે. આશરે 7505 વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલા કચ્છના રણમાં અનેક પ્રકારના વિવિધ જીવજંતુ અને રણમાં ઉગતી વનસ્પતિઓ જોવા મળશે.

તવાંગ ટાઉન, અરુણાચલપ્રદેશ : તવાંગ જિલ્લો તેના અનોખા કુદરતી સૌંદર્યને કારણે પ્રવાસીઓમાં જાણીતો છે. આ પ્રદેશ ચારેબાજુથી જંગલોથી ઘેરાયેલો છે. બર્ફાચ્છાદિત પહાડો, શહેરની આધુનિક બનાવટ અને અહીંના બજારોમાં મળતી હેન્ડીક્રાફ્ટની બનાવટો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

જીવનની ભાગદોડમાંથી સમય કાઢી પરિવાર અને મિત્રો સાથે થોડા દિવસની આ સ્થળોની મુલાકાત આખા વર્ષ માટે મોટું સંભારણું બની રહેશે.

(અહેવાલ- મંગલ પંડ્યા)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]