ચીનની ‘ફ્લાયઝૂ હોટેલ’, જ્યાં સ્ટાફ તરીકે રોબોટ્સ સેવા બજાવે છે…

ચીનના હોંગ્ઝૂ શહેરમાં આવેલા અલી પાર્કમાં કીન ચેંગ લી શોપિંગ સેન્ટર છે. એમાં જ્યારથી નવી હોટેલ શરૂ કરવામાં આવી છે ત્યારથી લોકોનું આ સ્થળ માટેનું આકર્ષણ વધી ગયું છે.

ઈ-કોમર્સ અને મિડિયા ક્ષેત્રના મહારથી અલીબાબા ગ્રુપે આ પાર્કમાં અત્યંત હાઈ-ટેક હોટેલ શરૂ કરી છે જેનું નામ છે ‘ફ્લાયઝૂ’. આને ફ્યૂચર ફીચરવાળી હોટેલ કહેવામાં આવે છે, કારણ કે આ હોટેલમાં કોઈ રિસેપ્શનિસ્ટ હોતી નથી કે મહેમાનોને આવકારવા માટે કોઈ હોટેલ કર્મચારી હોતા નથી.

ફ્લાયઝૂ હોટેલ ચીનના મુખ્ય શહેરોમાંના એક, શાંઘાઈથી 170 કિ.મી. દૂર આવેલા હાંગ્ઝૂ શહેરમાં આવેલી છે. અલીબાબા ગ્રુપના મુખ્યાલયથી આ હોટેલ ચાલતા જઈ શકાય એટલા જ અંતરે છે.

ચાવીવિહોણી, રોકડવિહોણી હોવા છતાં આ હોટેલ એકદમ સરસ રીતે ચાલે છે? કઈ રીતે?

રોબોટ્સ વડે.

આ હોટેલમાં મહેમાનોને રોબોટ્સ આવકારે છે, ચેક-ઈન કરવામાં એમને મદદ કરે છે અને એમને તેમના રૂમ સુધી લઈ જાય છે. એ ઉપરાંત બીજી ઘણી બધી સેવાઓ પૂરી પાડે છે, મદદ કરે છે.

આ બ્રાન્ડ-ન્યૂ હોટેલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સિસ્ટમ પર સંચાલિત છે. હોટેલ ઉદ્યોગમાં કર્મચારીઓના ઊંચા પગાર પરવડતા નથી, વળી મહેમાનો માટેની સેવાઓ અને સુવિધાઓમાં એકરાગતા રહેવી જોઈએ, તો એ બધાયનો જવાબ આ ફ્લાયઝૂ હોટેલ છે. એ વધારે સ્માર્ટ છે, વધારે સ્વયંસંચાલિત છે અને ભવિષ્યના ડિજિટલ પ્રવાસીઓ માટે એક પ્રેરણાસમાન છે.

હોટેલના કર્મચારીનો ચહેરો લિફ્ટ પાસે સ્કેન થઈ રહ્યો છે

આ હોટેલમાં કામકાજો માટે અને મહેમાનોની સહાયતા માટે એક-મીટર ઊંચા કદવાળા રોબોટ્સ છે, જેમને જીની નામ આપવામાં આવ્યું છે. આ રોબોટ્સ મહેમાનોને જ્યાં જવું હોય ત્યાં લઈ જાય છે, એમના ઓર્ડર્સ લે છે, માગેલી ચીજવસ્તુઓ એમને પહોંચાડે છે, લોન્ડ્રી માટેનાં કપડાં પણ ઉઠાવે છે. આ બધું કામ તેઓ વોઈસ કમાન્ડ મારફત કે સ્પર્શ મારફત કે સાદા ઈશારાઓ દ્વારા કરે છે.

ગ્રાહકોએ રૂમની ચાવી અને કાર્ડની ચિંતા કરવાની રહેતી નથી. સોફ્ટવેર બેસાડેલું હોય છે તે મુજબ ચહેરાની ઓળખ પરથી જ રૂમનો દરવાજો આપોઆપ ખૂલી જાય છે. કોઈ સ્વિચ કે નોબ્સ (બટન) હોતાં નથી. રૂમની અંદર પણ બધા સાધનો અવાજ અનુસાર એક્ટિવેટ કે ડીએક્ટેવેટ કરી શકાય છે.

ફ્લાયઝૂ હોટેલમાં કુલ 290 રૂમ્સ છે. આ હોટેલે ગ્રાહકોને એકદમ નવો અને અનોખો અનુભવ કરાવવામાં આગેવાની લીધી છે.

એકદમ ઓછી ડિઝાઈન છતાં હોટેલમાં આધુનિકીકરણ જોવા મળે છે, લેટેસ્ટ ટેક્નોલોજીઝ છે અને મૂળ પરસ્પર માનવ વ્યવહાર અત્યંત ઘટાડી દેવામાં આવ્યો છે.

ફ્લાયઝૂ હોટેલના સીઈઓ વાંગ ક્યૂન કહે છે, આ ફ્યૂચરિસ્ટિક ફીચર્સ અપનાવવા પાછળનો અમારો હેતુ કુશળતા, ગ્રાહકો માટે રિસ્પોન્સ ટાઈમ વધારવાનો અને ખર્ચાળ કર્મચારીગણમાં ઘટાડો કરવાનો છે. અમે રિસેપ્શન અને ગેટકીપર (કોન્સીર્જ) ડેસ્ક માનવરહિત રહેશે, ત્યાં રોબોટ કામગીરી બજાવશે, પરંતુ રસોડા અને સફાઈ કામકામજો માટે માનવ કર્મચારીઓ જ રાખવામાં આવ્યા છે.

આ અત્યાધુનિક સુવિધાસંપન્ન હોટેલમાં સાત થીમ્ડ રૂમ છે, જે ખાસ વિદેશીઓ માટે જ અને વિશિષ્ટ રોકાણના અનુભવ માટે અલાયદા રાખવામાં આવ્યા છે. દાખલા તરીકે, બ્રિટિશ રૂમને યુનિયન જેકથી સુશોભિત કરાયો છે.

હોટેલ ઉદ્યોગમાં રોબોટનો ઉપયોગ કર્યો હોય એવી બીજી કેટલીક હોટેલ્સ છે, પરંતુ આખી તથા સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા સંચાલિત હોય એવી અલીબાબા ગ્રુપની ફ્લાયઝૂ હોટેલ પહેલી જ છે.

બીજિંગમાં ‘ઈન્ટરકોન્ટિનેન્ટલ’ હોટેલે બાઈદુ સાથે ભાગીદારી કરી છે જે વોઈસ-કન્ટ્રોલ્ડ આસિસ્ટન્સનો ઉપયોગ કરે છે તો ટોકિયોમાં ‘હેન ના’ હોટેલ પણ રોબોટ તથા અન્ય AI-ફીચર્સનો ઉપયોગ કરે છે.

ફ્લાયઝૂ હોટેલમાં બુકિંગ સેવા 2018ના ડિસેંબરથી જ શરૂ કરવામાં આવી છે.

ચીન એવો દેશ છે જ્યાં ડેટા-શેરિંગ ટેક્નોલોજી સામે લોકોને બહુ વાંધો નથી. ઊલટાનું, લોકો આવી ટેક્નોલોજીના ઉપયોગમાં ઉત્સાહ બતાવે છે.

મહેમાનો જ્યારે હોટેલમાં પ્રવેશ કરે છે ત્યારે એમના ચહેરાનું સ્કેનિંગ કરવામાં આવે છે. સાથોસાથ એમના પાસપોર્ટ તથા અન્ય ઓળખપત્રોનું પણ સ્કેનિંગ કરવામાં આવે છે અને તે દ્વારા ચેકઈન કરે છે. ચીની નાગરિક ઓળખપત્ર ધરાવનારાઓ તો ચેકઈન કરતી વખતે એમના સ્માર્ટફોનનો ઉપયોગ કરીને એમનો ચહેરો સ્કેન કરાવવાનો રહે છે.

લિફ્ટ (એલિવેટર) પણ મહેમાનોનાં ચહેરાને સ્કેન કરે છે અને ચકાસણી કરે છે કે એમને કયા માળ પર જવાનું છે. ત્યારબાદ બીજા ફેસ સ્કેન સાથે મહેમાનની રૂમનો દરવાજો ખૂલે છે.

રૂમની અંદર પણ ટેમ્પરેચર વધ-ઘટ કરવું હોય કે બારીના પડદા પાડવા હોય કે ઉઘાડવા હોય, રૂમની લાઈટિંગને એડજસ્ટ કરવી હોય અથવા રૂમ સર્વિસને ઓર્ડર આપવો હોય તો બધા જ કામ માટે અલીબાબાની વોઈસ કમાન્ડ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.

હોટેલની રેસ્ટોરન્ટમાં પણ, ઊંચા કદનાસ રેપ્સ્યૂલ આકારના રોબોટ મહેમાનોને એમણે ફ્લાયઝૂ એપ્લિકેશન મારફત ઓર્ડર કરેલી ખાદ્યસામગ્રીઓ ડિલીવર કરે છે.

બીયર બાર ખાતે, વિશાળ રોબોટિક આર્મ જુદા જુદા ટાઈપના 20થી વધારે કોકટેલ મિક્સ કરી શકે છે.

ચેકઆઉટ કરતી વખતે મહેમાનોએ ફ્લાયઝૂ એપ પરનું એક બટન દબાવવાનું હોય છે જ્યારબાદ રૂમ લોક થઈ જાય છે અને એમને અલીબાબાના ઓનલાઈન વોલેટ મારફત પેમેન્ટની વિગતો આપોઆપ મળી જાય છે. પેમેન્ટ થઈ જાય તે પછી મહેમાનોનાં ફેસિયલ સ્કેન ડેટા અલીબાબાની સિસ્ટમ્સમાંથી તત્કાળ ડીલીટ થઈ જાય છે.

‘ફ્લાયઝૂ’નો અર્થ શું થાય?

આ નામને ચીનના એક શ્લેષપ્રયોગમાંથી લેવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે – ‘અહીં તો રહેવું જ જોઈએ.’

હોટેલની લોબીઓમાં તમે ચાલતા જાવ ત્યારે ક્યાંય કોઈ કર્મચારી ન દેખાય. બધું કામ ટેક્નોલોજી પ્રમાણે, ચહેરાની ઓળખ પ્રમાણે અને રોબોટની સહાયતા વડે થતું હોય છે.

અલીબાબા ફ્યૂચર હોટેલ મેનેજમેન્ટના સીઈઓ એન્ડી વાંગનું કહેવું છે કે અમારી હોટેલમાં ગ્રાહકોને સેવા પૂરી પાડવામાં કુશળતા અને સાતત્ય જળવાય છે, કારણ કે માનવીઓનાં મૂડથી રોબોટ ક્યારેય વિચલીત થતાં નથી. ક્યારેક એવું બનતું હોય છે કે ગ્રાહકનો મૂડ સારો ન હોય અથવા કર્મચારીનો મૂડ ઠીક ન હોય, પરંતુ AI સિસ્ટમ અને રોબોટ હંમેશાં મૂડમાં જ હોય છે.

ટ્રેસી લી નામનાં એક મહેમાને કહ્યું કે આ સિસ્ટમ બહુ જ ઝડપી અને સુરક્ષિત છે. હું મારી સુરક્ષાને સૌથી વધારે પ્રાધાન્ય આપું છું. માત્ર મારાં ચહેરાની ઓળખથી જ મારી રૂમનો દરવાજો ખૂલી શકે છે એનાથી મને બેહદ ખુશી અને રાહત છે.

(જુઓઃ તો ચાલો જઈએ ફ્લાયઝૂ હોટેલની અંદર)