કોઈએ મોકલીને તરત ડિલીટ કરેલા મેસેજ જોવા છે?

ત્યારે વૉટ્સએપ એ લોકોના જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. વૉટ્સએપ વગર ચાલે નહીં. પરંતુ કેટલાક લોકોને ઘણી વાર સંદેશા ફૉરવર્ડ કરતી વખતે ભૂલ થઈ જાય છે. કાં તો ખોટો સંદેશો પસંદ થઈ જાય અને તે મોકલાઈ જાય. દા.ત. હાર્દિક પટેલની કથિત સીડીની ક્લિપ. ભૂલ થવાની બીજી શક્યતા એ પણ છે કે સંદેશો તો જે મોકલવો છે તે પસંદ કર્યો હોય પરંતુ તેને તમારા મિત્રોને મોકલવા માગતા હો અને મોકલાઈ જાય તમારી પત્નીને. દા.ત. કોઈ નૉનવેજ જૉક કે કોઈ સુંદરીની તસવીર.

આથી વૉટ્સએપે આવા અનુભવોના આધારે તાજેતરમાં એક વિકલ્પ આપ્યો, “ડિલીટ ફૉર એવરીવન”. પરંતુ પ્રશ્ન એ છે કે શું ખરેખર તમે સંદેશો મોકલી દીધો પછી તે ડિલીટ થઈ જાય છે ખરો? એક નવા અહેવાલ પ્રમાણે, જે સંદેશાઓ ડિલીટ કરાયા હોય છે તે હજુ પણ ફૉનમાં હોય છે અને તેને સરળતાથી મેળવી શકાય છે.સ્પેનિશ એન્ડ્રૉઇડ બ્લૉગ ‘એન્ડ્રૉઇડ જેફે’એ દાવો કર્યો છે કે ડિલીટ કરાયેલા સંદેશાઓ ફૉનના નૉટિફિકેશન લૉગમાં પડેલા હોય છે. માનો કે તમે કોઈને મેસેજ મોકલ્યો પરંતુ પછી તમને થયું કે આ મેસેજ તેને નહોતો મોકલવા જેવો અથવા તો ખોટો મેસેજ મોકલાઈ ગયો અને તમે તેને ડિલીટ કરી નાખ્યો, પરંતુ જેને તમે મોકલ્યો તે વ્યક્તિ આ મેસેજ જોવો હોય તો જોઈ શકે છે. મેસેજ એન્ડ્રૉઇડ સિસ્ટમના નૉટિફિકેશન રજિસ્ટરમાં સંગ્રહિત હોય છે. આથી જો તમારે તમને કોઈએ મોકલેલો પરંતુ તેને ડિલીટ કરી નાખેલો મેસેજ જોવો હોય તો તમારે એટલું જ કરવાનું કે તમારી એન્ડ્રૉઇડ સિસ્ટમના નૉટિફિકેશન રજિસ્ટરમાં જાવ.

આ બ્લૉગ મુજબ, જો કોઈને બીજાએ મોકલેલા પરંતુ બાદમાં તરત ડિલીટ કરી નાખેલા મેસેજ જોવા હોય તો તે નૉટિફિકેશન હિસ્ટરી નામની એપ ગુગલ પ્લે સ્ટૉર દ્વારા ડાઉનલૉડ કરીને મેસેજ જોઈ શકે છે. આ એપ ડાઉનલૉડ કર્યા પછી તેણે એન્ડ્રૉઇડ નૉટિફિકેશન લૉગમાં મેસેજ સર્ચ કરવાના. જે લોકો થર્ડ પાર્ટી લૉન્ચર જેમ કે નૉવા લૉન્ચર વાપરતા હોય તેમના માટે આ કામ વધુ સરળ બની જાય છે.

નૉટિફિકેશન લૉગમાં જવા માટે કોઈ વધારાની ઍપની જરૂર નથી. તેના માટે આટલું કરો. હૉમ સ્ક્રીન પર લાંબા સમય સુધી દાબી રાખો. પછી વિજેટ પર સ્પર્શ કરો. તેમાં ઍક્ટિવિટિઝમાં જાવ. તેમાં સેટિંગ્સમાં અને તેમાં નૉટિફિકેશન લૉગમાં જાવ. ત્યાંથી તમે સિસ્ટમના નૉટિફિકેશન લૉગમાં જઈ શકો છો.

સ્ટૉક એન્ડ્રૉઇડમાં સેટિંગ્સ વિજેટથી તમને નૉટિફિકેશન લૉગમાં પ્રવેશ મળી શકે છે.

આમ, નૉટિફિકેશન હિસ્ટરી એ થર્ડ પાર્ટી ઍપ તેમજ એક્ટિવિટિઝ પદ્ધતિ એ બંને રીતે તમે ડિલીટ કરાયેલા મેસેજ જોઈ શકો છો. પરંતુ આમાં એક મર્યાદા છે.

જે મેસેજથી નૉટિફિકેશન જન્મ્યું હોય અને જે તમે જોયો હોય અથવા તેના પર કંઈ પ્રતિક્રિયા આપી હોય તે જ પાછા મેળવી શકાય છે. અહીં પ્રતિક્રિયામાં મૂળ નૉટિફિકેશનને સ્વાઇપ કર્યું હોય તેનો સમાવેશ થાય છે પછી તે નૉટિફિકેશન બારમાં કર્યું હોય કે ફ્લૉટિંગ મેસેજમાં. ફ્લૉટિંગ મેસેજ એટલે તમે સ્વાઇપ કરતી વખતે મૂળ સંદેશનો એક ભાગ ઓછામાં ઓછો જોયો હોય. ઉલ્લેખનીય છે કે નૉટિફિકેશન લૉગ માત્ર  ફૉન પર ત્યાં સુધી જ મેસેજ સાચવે છે જ્યાં સુધી ફૉન ફરીથી શરૂ ન કરવામાં આવે. જો તમે ફૉન રિસ્ટાર્ટ કરી દીધો હશે તો નૉટિફિશન લૉગ ક્લીયર થઈ ગયો હશે.

આમ જો તમે ફૉન રિસ્ટાર્ટ કરશો તો તમને કોઈએ વૉટ્સએપમાં મોકલેલા પરંતુ તરત જ ડિલીટ કરી નાખેલા મેસેજ દેખાશે નહીં.

ગયા વર્ષે પણ એક જોનાથન જિયાર્સ્કી નામના એક આઈઓએસ નિષ્ણાતે દાવો કર્યો હતો કે વૉટ્સઅપમાંથી તમે મેસેજને આર્કાઇવમાં મોકલી દો કે ડિલીટ કરી નાખો તો પણ ચેટ લૉગ વૉટ્સએપ સેવ રાખે છે.