વિદ્યાર્થીનું ભણવામાં ધ્યાન છે કે નહીં, કહેશે આ ઉપકરણ

 “એય, તારું ધ્યાન ક્યાં છે?”

“બહેન, મારું ધ્યાન તો તમે ભણાવો છો તેમાં જ છે.”

“તો પછી જવાબ દે, સમ્રાટ હર્ષવર્ધન કોણ હતા?”

“સમ્રાટ હર્ષવર્ધન…અં અં અં”

“તારું ધ્યાન મારા ભણાવવામાં હતું જ નહીં, કંઈક વિચારતો હતો.”

“ના બહેન, સાચું, હું બ્લેકબૉર્ડ તરફ જ જોતો હતો.”

“તો પછી તને કેમ જવાબ ખબર નથી?”

હવે આ બીજો સંવાદ જુઓ.

“તું તો આખો દિવસ વાંચવાંચ કરે છે. તો ટેસ્ટમાં આટલા ઓછા માર્ક કેમ આવ્યા?”

“ખબર નહીં મમ્મી. પણ હું સાચે જ ઘણી મહેનત કરું છું.”

આવા સંવાદો ઘરઘરની અને શાળાશાળાની વાત છે. તમને ખબર કેવી રીતે પડે કે વિદ્યાર્થી ઘરે કે શાળામાં શિક્ષક તરફ ધ્યાન આપે છે પરંતુ તેનું મગજ તેમાં છે કે કેમ?

જોકે ટૅક્નૉલૉજીની મદદથી હવે આ કદાચ ખબર પડશે. એક પરીક્ષણમાં વર્ગખંડમાં ભણતા વિદ્યાર્થીઓનાં મગજ ક્યાં છે તે તપાસવા હાઇ-ટૅક હૅડબૅન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો જેથી ખબર પડે કે તેમનું ધ્યાન ખરેખર ભણવામાં જાય છે કે નહીં?

માસાચુસેટ્સની સ્ટાર્ટર બૅઇનકો કહે છે કે ફૉકસ ૧ હૅડબૅન્ડથી શિક્ષકોને એ જાણવામાં મદદ મળે છે કે કયા વિદ્યાર્થીને વધુ મદદની જરૂર છે. આ પરીક્ષણ દસ અને સત્તર વર્ષથી વચ્ચેના વિદ્યાર્થીઓમાં એક ચીની શાળાના સહકારથી થયો હતો. જોકે કંપનીનો દાવો છે કે તે અમેરિકા, મેક્સિકો, સ્પૈન અને બ્રાઝિલની શાળાઓમાં પણ કામ કરે છે. એક ઍપ હૅડબેન્ડમાંથી મળતી માહિતી મેળવે છે જેના લીધે શિક્ષકોને વિદ્યાર્થીઓનું ધ્યાન ખરેખર ક્યાં છે તે જાણવા મળે છે.

ચીનમાં ૨૧ દિવસ ચાલેલા પરીક્ષણમાં દસથી સત્તર વર્ષ વચ્ચેનાં દસ હજાર બાળકોએ આ યંત્ર પહેર્યું હતું. વિદ્યાર્થીઓએ તેમનું ધ્યાન વધારવાના હેતુથી તેમના ઘરે ૨૫ મિનિટ સ્માર્ટ ફૉન પર રમત પણ રમી હતી. બ્રૅઇનકૉના સ્થાપક અને મુખ્ય કાર્યકારી બિચેંગ હાને કહ્યુ કે આ પરીક્ષણથી ભાગ લેનારાઓમાં પરિસ્થિતિમાં સુધારો થયો. પહેલાં તેઓ ગૃહકાર્ય માટે ઓછો સમય આપતા હતા. આ કંપનીએ ચીની વિતરક સાથે ૨૦ હજાર હૅડબેન્ડ આપવા એક સોદો પણ કર્યો છે.

યંત્રની આગળની બાજુએ રહેલી લાઇટો અલગ-અલગ રંગ બતાવે છે જે એકાગ્રતાનું અલગ-અલગ સ્તર બતાવે છે અને શિક્ષકોને જણાવે છે કે વિદ્યાર્થીઓની એકાગ્રતા ખરેખર કેટલી છે?

બ્રૅઇનકૉના બ્રૅઇનવેવ પકડતા હૅડબેન્ડ અને સૉફ્ટવેર મંચ વડે શિક્ષકો વિદ્યાર્થીઓ જેમજેમ મોટા થાય છે તેમતેમ તેમનું ભણવામાં કેટલું ધ્યાન છે અને તેઓ કેટલા ચિત્ત દઈને ભણે છે તે જાણી શકે છે તેમ આ હૅડબેન્ડ બનાવનાર કંપનીનું કહેવું છે. આ હૅડબેન્ડ કેવી રીતે કામ કરે છે તે જાણવું જરૂરી છે.

હૅડબેન્ડ ઇલેક્ટ્રૉએન્સીફેલોગ્રાફી (ઇઇજી) સેન્સરોનો ઉપયોગ કરે છે. જ્યારે તેને પહેરવામાં આવે છે ત્યારે તે પહેરનાર કોઈ કામ કરે ત્યારે તે તેના મગજની પ્રવૃત્તિઓ નોંધે છે.

જ્યારે આપણું ચિત્ત કેન્દ્રિત હોય ત્યારે સામાન્ય રીતે મગજના ઉચ્ચ આવૃત્તિના બીટા તરંગો વધે છે અને જ્યારે આપણે હળવા હોઈએ છીએ ત્યારે નીચી આવૃત્તિના આલ્ફા અને થીટા તરંગો વધુ હોય છે. જોકે વ્યક્તિએ વ્યક્તિએ ઢબો (પેટર્ન) ફરે છે, આથી માનસિક કાર્યોની શ્રેણી મારફતે દરેક વપરાશકારના ધ્યાનનું મહત્ત્મ સ્તર જાણવામાં આવે છે.

ઇઇજી સંકેત માટે ઉચ્ચ સંખ્યાકીય ગુણ સૂચવે છે કે વિદ્યાર્થી ધ્યાન આપી રહ્યો છે. નીચો ગુણ સૂચવે છે કે વિદ્યાર્થીનું ધ્યાન ક્યાંક બીજે છે અથવા તે ભટકેલો છે.

જોકે ન્યૂરોસાયન્ટિસ્ટોએ આ યંત્રની અસરકારકતા વિશે પ્રશ્નો ઉઠાવ્યા છે અને આ ટૅક્નૉલૉજીથી અંગતતા વિશે પણ ચિંતા સર્જાઈ છે. ચીનના અભ્યાસનાં પરિણામો એકેડેમિક જર્નલમાં પ્રકાશિત નથી થયાં અને વૈજ્ઞાનિકોએ પણ આ ટૅક્નૉલૉજી વિશે શંકા વ્યક્ત કરી છે.

આ પરીક્ષણ કેટલું સફળ રહે છે તેના પર ધ્યાન રહેશે. જો તેની સફળતા વધશે તો નિશ્ચિંત રીતે ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે તે આશીર્વાદરૂપ સાબિત થશે.