એક મહિલાએ ફેમિલી ગ્રૂપ છોડ્યું તેમાં કેમ હોબાળો મચ્યો?

વોટ્સએપ એ એવું સોફ્ટવેર છે જેનાં વગર ઘણા લોકો માટે આજે જીવન શક્ય જ નથી. જો એક દિવસ પણ ઈન્ટરનેટ બંધ રહે તો તેમને લાગે છે કે જીવન જાણે થંભી ગયું હોય. આવા લોકોને બેચેની વધી જાય છે. આખો દિવસ નકામો ગયો હોય તેવું લાગે છે. તો ઘણા માટે વોટ્સએપ એ સામાજિક રીતે પોતાના સ્વજનો, કુટુંબ, મિત્રો, સમવ્યવસાયિકો, સમવિચારકો સાથે જોડાયેલા રહેવાનું માધ્યમ છે. આથી લગભગ દરેક વ્યક્તિ પોતાના એક ગ્રૂપમાં હોય છે જેમાં પરિવારના લોકો જોડાયેલા હોય છે.

આ ગ્રૂપ ઘણું સારું કામ કરતાં હોય છે. કુટુંબનાં સભ્યો કંઈ એક જ શહેરમાં રહેતાં હોય તે જરૂરી નથી. આથી અલગ-અલગ શહેરમાં રહેતાં સભ્યો આવાં ગ્રૂપ થકી પોતાના કુટુંબ સાથે જોડાયેલા રહે છે. કુટુંબમાં આવતા પ્રસંગો, ઉજવણીઓ, નાનાં બાળકોની અભ્યાસમાં પ્રગતિ, સભ્યોની વ્યવસાયિક પ્રગતિ, પરિવારના કોઈ સભ્યોની બીમારી આવી બધી માહિતીથી ત્વરિત રીતે અવગત રહે છે. કુટુંબના સભ્યો પૈકી કોઈનો જન્મદિવસ હોય તો ગ્રૂપનું નામ બદલી ‘happy birthday munna’ કરી દેવામાં આવે છે. આથી કોઈ સભ્ય જો જન્મદિન ભૂલી ગયું હોય તો પણ તેને યાદ આવી જાય છે અને તે જન્મદિનની શુભેચ્છા આપી શકે છે. આ સિવાય કોઈ વડીલની મૃત્યુતિથિ હોય તો તે ભૂલી જવાઈ હોય તો ગ્રૂપમાં કોઈ સભ્ય તો એવું હોય જ છે જે તેની યાદ અપાવે છે અને પછી ગ્રૂપમાં તેમને યાદ કરવામાં આવે છે. ઉપરાંત જોક, સામાજિક જાગૃતિના સંદેશા, વ્યવસાયિક માહિતી, રાજકીય સંદેશાઓ આપવામાં આવે છે.

જોકે આમાં પણ સભ્યોની વિવિધતા હોય છે, જે કોઈ પણ કુટુંબમાં જોવા મળી શકે છે. કોઈ ફુઆ કે કોઈ માસી રમૂજી હોઈ શકે તો કોઈ ફઈ કે માસા ગરમ પ્રકૃત્તિનાં હોઈ શકે. તો કોઈ સભ્ય વાતેવાતે વાંધાપડુ પણ હોઈ શકે. કેટલાંક યુવાનોને લાગી શકે કે તેમના પરિવારના ગ્રૂપમાં માત્ર વડીલોનું જ જોર છે તો તેઓ નિષ્ક્રિય થઇ જાય તેવું બને. તો કોઈ ગ્રૂપમાં વડીલોને યુવાન પરિવારજનોની બહુમતી લાગે તો તેઓ ગ્રૂપમાંથી નીકળી જાય તેવું બની શકે.

આવા પરિવારકેન્દ્રિત ગ્રૂપોમાં મોટાભાગે યુવતીઓને તેમના સાસરીયાંના ગ્રૂપમાં મજા એટલી ન આવે જેટલી પીયરિયાંના ગ્રૂપોમાં આવતી હોઈ શકે. પરંતુ જો તે નીકળી જાય તો હોબાળો મચી જાય.પરિવારમાં રહેવું હોય તો અનુફૂલન સાધવું પડતું હોય છે. આજે ભલે વિભક્ત કુટુંબમાં રહેતાં હોય, માનો કે કુટુંબમાં માત્ર પતિપત્ની અને બે બાળકો જ છે તો પણ તેમને પરસ્પર અનુકૂલન સાધવું પડે છે. બધાની જમવાની પસંદગી જુદી હોય, ટીવીની ચેનલો જોવા બાબતે કે છાપાં મગાવવા બાબતે જુદાજુદા મત હોઈ શકે છે. આ બાબતે તેમની વચ્ચે ઘર્ષણ થતું હોય છે. તો પછી વોટ્સએપના પરિવારનાં ગ્રૂપમાં પણ આવું થઇ શકે. કેટલાંક સભ્યો ગ્રૂપમાં આવેલા સંદેશા વાંચ્યા વગર સંદેશ મૂકી દે જે અગાઉ કોઈએ મૂકી દીધા હોઈ શકે છે. તો કેટલાંક સભ્યો ચકાસ્યા વગર સંદેશા મૂકી શકે છે જે ખોટાં હોઈ શકે છે. તો કોઈ સભ્યો પતિપત્ની અંગેની રમૂજો મૂકતા હોઈ તેવું બની શકે. તો ગ્રૂપમાં કેટલાક સભ્યો ખૂબ જ જાગૃત હોય અને મનના આળા હોઈ શકે જે પુનરાવર્તિત સંદેશાઓ, ખોટી માહિતી, કે આવા રમૂજોનો વિરોધ કરે. પરંતુ તેઓ જેને અશિસ્ત માને છે તેનો વારંવાર ભંગ થતો રહે તો તેઓ કંટાળી જાય અને ગ્રૂપ છોડી દે તેવું બને છે. જોકે તેમને સમજવું જોઈએ કે પરિવારના ગ્રૂપ કોઈ ઓફિસના ગ્રૂપ નથી કે જે નિયમોથી બંધાયેલા રહે. હા, તેઓ તેમનો વિરોધ નમ્ર રીતે જરૂર નોંધાવી શકે છે.

પરંતુ બધામાં આજકાલ આવી સહનશીલતા નથી હોતી.  મુંબઈની નમ: નામની એક મહિલાએ આવી જ અસહનશીલતા સાથે પોતાના પરિવારનું ગ્રુપ તો છોડ્યું, પરંતુ એક પોસ્ટ લખીને છોડ્યું. આ પોસ્ટ આજકાલ વાઇરલ બની છે. લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

આ મહિલાએ શું લખ્યું? તે આ સાથેની તસવીરમાં વાંચી શકાય છે. આ મહિલાએ પોતાના પરિવારનાં વોટ્સએપ ગ્રૂપમાં તો આ પોસ્ટ લખી જ પરંતું ટ્વીટર પર પણ આ અંગે લખ્યું. આ કેટલું વાજબી કહી શકાય તે પણ એક પ્રશ્ન છે. પણ બની શકે કે તેના આ ટ્વીટથી તેના પરિવારમાં મોટો ઝઘડો જરૂર થયો હશે.