વૉટ્સએપ ડાઉનની સાથે લોકોનો મૂડ પણ ડાઉન

ગુજરાતમાં ચૂંટણી છે અને ગુજરાતમાં એક મુદ્દો વિરોધ પક્ષ દ્વારા તેમજ વેપારીઓ દ્વારા ચગાવાઈ રહ્યો છે તે છે જીએસટી. ગુડ્સ એન્ડ સર્વિસ ટૅક્સ. આ કરની વિરુદ્ધ મુખ્ય દલીલો પૈકીની એક દલીલ એ છે કે તેની વેબસાઇટ લોકોનો ભાર (લૉડ) સહન નથી કરી શકતી અને ક્રેશ થઈ જાય છે.  સરકારની વિરુદ્ધ કોઈ વાત હોય તો તે સરળતાથી લોકો સ્વીકારી લે છે. આપણે ત્યાં મોટા ભાગે એવી માન્યતા બની ગઈ છે કે સરકારી કોઈ પણ ચીજ હોય, ચાહે તે હૉસ્પિટલ હોય કે પછી શાળા કે પછી વેબસાઇટ, બધું થર્ડ ગ્રેડ ક્વૉલિટીનું જ હોય. અને આ વાતમાં સચ્ચાઈ પણ હોય છે.જોકે ખાનગી કંપનીઓમાં પણ વેબસાઇટની રીતે કોઈ સારાવટ છે તેવું નથી. કેટલીક મોબાઇલ કંપનીના ઓનલાઇન બિલ ભરવા જાવ તો બિલ તો તમને રૂપિયા અને પૈસામાં આવે પરંતુ બિલની રકમ માટેના ખાનામાં તમે પૂર્ણ અંકમાં જ આંકડો લખી શકો. એટલે કાં તો તમારે રૂપિયો વધુ આપવો પડે અથવા ઓછો. અત્યારે રૂપિયાની કંઈ કિંમત નથી તેવું કહેવું તે ખોટું છે. વાત સુવિધાની છે. અને તમારા ખાતામાં થતાં ટ્રાન્ઝેક્શનની જાણ એસએમએસથી તમને થઈ જાય તે માટે તમે એસએમએસ એલર્ટની સર્વિસ માટે ચાર્જ ભરતા હો તો પણ તમને એસએમએસ ન આવે તેવું બને. અને તે માટે દલીલ કરવામાં આવે કે સર્વર કામ નહોતું કરતું.

આ વાત તો ભારતની કંપનીઓની અને સરકારની હતી પરંતુ શું વિદેશની કંપનીઓ બાબતે આવું થઈ શકે? બિલકુલ થઈ શકે, કારણકે સર્વરની પોતાની પણ મર્યાદા હોય છે. એટલે જ જે સૌથી ઝડપી સંદેશા વ્યવહારનું સાધન બની ગયું છે તે વૉટ્સએપ પણ ક્રેશ થઈ શકે છે તે કોઈ વિચારી શકે? પરંતુ ૩ નવેમ્બરે આવું બન્યું છે. શુક્રવારે બપોરે લોકોએ પોતાનો આવો અનુભવ ફેસબુક અને ટ્વિટર પર વ્યક્ત કર્યો હતો અને આ લોકો ભારતના હતાં. જોકે અહેવાલો એવું કહે છે કે સેવાઓ કેટલાક દેશોમાં પુન:સ્થાપિત કરી દેવામાં આવી છે.

માત્ર ભારતના જ નહીં, રશિયા, મ્યાનમાર, વિયેતનામ, બ્રાઝિલ સહિત અનેક દેશોના લોકોએ સોશિઅલ મિડિયા પર પોતાના અનુભવો લખ્યાં કે વૉટ્સઅપ બંધ થઈ ગયું છે. જોકે પછી લોકોએ જણાવ્યું કે ૩૦ મિનિટ પછી તે કામ કરતું થઈ ગયું છે. સ્વતંત્ર વેબસાઇટ ડાઉનડિટેક્ટર દ્વારા જણાવાયું હતું કે ૬૦ ટકા વપરાશકારોએ વૉટ્સઅપ કામ ન કરતું હોવાનું જણાવ્યું હતું.

આ બાબતે, ફેસબુકના સિંગાપોરના પ્રવક્તા મહિલાએ કહ્યું કે તેની કંપની આ બાબતે તપાસ કરશે.

આ જ કારણ હતું કે જે પોતે ટ્રેન્ડનું સર્જક અથવા માધ્યમ બને છે તે વૉટ્સઅપ ટ્વિટર પર ટ્રેન્ડનું કારણ બની ગયું.

Whatsappdown આજે ભારતમાં ટ્વિટર પર ટ્રેન્ડમાં ટોચમાં હતું. અને હોય પણ કેમ નહીં? ભારતમાં અબજો વપરાશકારો છે તેમાંથી ૨૦ કરોડ વૉટ્સઅપ વાપરતા હશે. તેમાંથી ઘણા બોલકા લોકોએ ટ્વિટર પર Whatsappdown ટ્રેન્ડ સાથે પોતાની હતાશા બહાર કાઢી હતી.

  • પૉલ ટિબલે એવું લખ્યું કે વૉટ્સઅપ ડાઉન થતાં મેં મારો ફોન બાજુએ મૂકી દીધો. મને એવું લાગ્યું કે જાણે હું કોઈ અજાણી જગ્યાએ છું. શું હું સાચે જ અહીં કામ કરું છું?
  • આરજય નામના વપરાશકારે કટાક્ષ કરતાં લખ્યું કે જે લોકોએ (વૉટ્સઅપ કામ નથી કરતું તેને કામ કરતું કરવા માટે) તેને અનઇન્સ્ટૉલ કરી ફરીથી ઇન્સ્ટૉલ કર્યું તેમના માટે બે મિનિટનું મૌન.
  • એક MHOKOZISENI_SA નામના વપરાશકારે બુદ્ધિગમ્ય અને ભવિષ્યમાં થઈ શકે તેવી સ્થિતિનો પ્રશ્ન ઉઠાવ્યો. જો વૉટ્સઅપ ડાઉન થાય તો આપણાં ટ્વિટર પર તેને ચેક કરી શકીએ છીએ (અર્થાત્ ટ્વિટર પરથી આપણને ખબર પડે કે વૉટ્સઅપ જ ડાઉન છે. બીજો કોઈ પ્રૉબ્લેમ નથી.) પરંતુ જો ટ્વિટર પર ડાઉન થશે તો આપણે ક્યાં ચેક કરીશું?

વાત તો મુદ્દાની છે. અત્યારે આપણી દુનિયા સોશિઅલ મિડિયા આધારિત એટલી બધી થઈ રહી છે કે જો વૉટ્સઅપ, ફેસબુક અને ટ્વિટર ત્રણેય ભેગા ડાઉન થઈ જાય તો લોકોનો મૂડ ડાઉન થઈ જાય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]