ટીવી ચેનલ પસંદ કરવાની મુદત હવે 31 માર્ચ…

ટેલીકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ ગ્રાહકો માટે એમની મનપસંદ ટેલિવિઝન ચેનલો પસંદ કરવાની ડેડલાઈન લંબાવી દીધી છે.

ધારકો પાસે હવે 31 માર્ચ સુધીનો સમય છે. ત્યાં સુધી તેઓ પોતાના જૂના પ્લાનને ચાલુ રાખી શકે છે.

જે ગ્રાહકો ચેનલો પસંદ કરવાની પ્રક્રિયાને હજી સુધી અપનાવી નથી શક્યા તેઓ ‘બેસ્ટ ફિટ પ્લાન’માં આપોઆપ માઈગ્રેટ થઈ જશે. એ પ્લાન ગ્રાહકના ટીવી ચેનલોના યુસેજ, ચેનલો જોવાના પ્રકાર, ભાષા અને ચેનલની લોકપ્રિયતા વગેરે બાબતો અનુસાર ડેવલપ કરવામાં આવશે.

જોકે ટ્રાઈ એજન્સીએ એવો પણ આદેશ આપ્યો છે કે ‘બેસ્ટ ફિટ પ્લાન’ ગ્રાહકના હાલના માસિક ચાર્જિસ-પ્લાન કરતાં વધારે થવો ન જોઈએ.

ગ્રાહકોને એમની મનપસંદ ચેનલો પસંદ કરવાનો અધિકાર આપતો ટ્રાઈનો નવો નિયમ ગઈ 1 ફેબ્રુઆરીથી અમલમાં આવી જાય એવું નક્કી કરાયું હતું. આ નિયમનો ઉદ્દેશ્ય કેબલ અને ડીટીએચ ગ્રાહકોને એમણે કઈ ટીવી ચેનલો જોવી એની પસંદગી કરવાની આઝાદી આપવાનો અને પારદર્શિતા તથા સમાનતા લાવવાનો છે. આ નિયમ ગ્રાહકોને એમની મનપસંદ ચેનલ સીલેક્ટ કરવા અને માત્ર એની જ ફી ચૂકવવાની છૂટ આપે છે. સાથોસાથ, ટીવી બ્રોડકાસ્ટરોને ફરજિયાત કરાયું છે કે એમણે દરેક ચેનલ તથા ચેનલોના સમૂહની મહત્તમ રીટેલ કિંમત ગ્રાહકોને જણાવી દેવી.

તમામ નેટવર્ક ઓપરેટરો તથા બ્રોડકાસ્ટરોને ટ્રાઈ એજન્સીએ ફરજ પાડી છે કે એમણે 100 સ્ટાન્ડર્ડ ડેફિનીશન ચેનલોનું એક બેઝ પેકેજ તો રાખવું જ. ગ્રાહકોને વિવિધ પ્રકારની બકેટ (સમૂહ) ઓફરોની યાદીમાંથી ફ્રી-ટુ-એર ચેનલો પસંદ કરવા દેવી. ગ્રાહકોને આનો ખર્ચ મહત્તમ રૂ. 130 આવશે (જીએસટી અલગ).

ગ્રાહકો હવે આ પેકેજ ઉપરાંત એમની પસંદગીની ચેનલ અલગ રીતે વ્યક્તિગત ખર્ચે ખરીદી શકશે. 330 પે ટીવી ચેનલ્સ છે અને 535 ફ્રી-ટુ-એર ચેનલ્સ છે.

એરટેલ અને ટાટા સ્કાય હાલ 99 રૂપિયામાં બેઝ પેક આપે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]