ડિજિટલ શિષ્ટાચાર પણ જરૂરી છે!

આજના સમયમાં ઘેર બેઠાં તમારા મોબાઇલમાં આખી દુનિયા સમાઈ જાય છે! માણસે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ટેકનોલોજીમાં ઘણી પ્રગતિ કરી છે, એના પરિણામે તમે ઘેરબેઠાં બેન્કિંગ, બિલિંગ, ઓફિસનું કામ કરવાથી માંડીને સ્કૂલના ક્લાસ પણ ભરી શકો છો!

ઈન્ટરનેટ થકી બધાં કામ સહેલાઈથી ઘેરબેઠાં સહજ થવા લાગ્યાં છે. આ સાથે જ એક વાત ધ્યાનમાં આવી છે કે, વ્યાપાર અર્થે કે ઓફિસ મીટીંગ માટે કે, અન્ય કોઈ કામકાજને માટે વિડીયો કોન્ફરન્સિંગ કરવામાં આવે છે, તેના માટે અમુક શિષ્ટાચાર જરૂરી છે. તમારી પ્રસ્તુતિ, તમારો દેખાવ, પહેરવેશ તેમજ વ્યવહારમાં શાલીનતા જરૂરી છે.

આ બાબતે અમુક વિરોધી વાતો સામે આવી છે. કોરોના પ્રકોપને કારણે હવે કોર્ટમાં પણ કેસની સુનાવણી ડિજિટલ ગોઠવવામાં આવી રહી છે. સ્તબ્ધ કરનારી એક ઘટના રાજધાની દિલ્હીની છે. કોર્ટમાં ચાલી રહેલી વિડીયો કોન્ફરન્સિંગમાં કેસની સુનાવણી દરમ્યાન વકીલ બેડ પર સૂતાં હતા તેમજ તેમણે ઘરેલૂ પહેરવેશ પહેર્યો હતો. આ દ્રશ્ય જોઇને ન્યાયાધીશ ઘણા નારાજ થઈ ગયા. તેમણે વકીલને સ્પષ્ટપણે કહી દીધું, કેસની સુનાવણીની બાબતમાં તો ન્યૂનતમ શિષ્ટાચારનું પાલન થવું જ જોઈએ, સુનાવણી ડિજિટલ હોય તો પણ પ્રેઝન્ટેબલ હોવું જ જોઈએ. ઉપરાંત એ પણ ટિપ્પણી કરી કે, દરેક જણ અત્યારે કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આથી ડિજિટલ કોર્ટની સુનાવણી એ હવે સામાન્ય ન્યૂ નોર્મલ થઈ ગઈ છે. ગયા એપ્રિલ મહિનામાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. રાજસ્થાનના એક વકીલ વિડીયો કોન્ફરન્સિંગમાં બનિયાન પહેરીને ઉપસ્થિત થયાં હતાં. ત્યારે પણ રાજસ્થાન કોર્ટના ન્યાયાધીશે પોતાની નારાજગી બતાવી હતી.

આ વાતો ફક્ત ન્યાયાલય પૂરતી જ નથી. હાલના કોરોના સંક્રમણના સમયમાં કોઈને બહાર ના નીકળવું પડે એટલે બધે ઠેકાણે ઓફિસના સેમિનાર તેમજ મીટીંગ ઇન્ટરનેટ પર તેમજ મોબાઈલ એપના માધ્યમથી થઈ રહ્યાં છે. સ્કૂલ તેમજ કોલેજના વિદ્યાર્થીઓને પણ હવે ઇન્ટરનેટ તેમજ મોબાઇલ એપના માધ્યમથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ભણતર અપાઇ રહ્યું છે. પરીક્ષાઓ લેવાઇ રહી છે, અમુક ઠેકાણે ઈન્ટરવ્યૂ પણ થઇ રહ્યાં છે.

પરંતુ ઘરેથી કામ કરવું એટલે જરૂરી શિષ્ટાચારને બાજુએ મૂકી દેવો એ જરા પણ યોગ્ય નથી! જે સભ્યતા ઓફિસમાં કે સાર્વજનિક સ્થળોએ રાખવામાં આવે છે, એ જ શિષ્ટાચાર વિડીયો કોન્ફરન્સિંગ દરમ્યાન મીટીંગ માટે પણ જરૂરી છે.

જો કે, વિદેશોમાં પણ અમુક આવી જ ઘટનાઓ સામે આવી છે. જેમ કે, વિડીયો કોન્ફરન્સિંગ અથવા મોબાઇલ એપની મીટીંગમાં ભાગ લેનારના બાળકો મોબાઈલ અથવા લેપટોપની સામે આવી ગયા હોય, કોઈ ઠેકાણે તો ડિજિટલ મીટીંગોમાં અમુક લોકો પોતાના ઘરના લોકો પર ગુસ્સે ભરાતાં જોવા મળ્યા હતા અથવા તો ઘરના જ કોઈ સદસ્ય કંઈ કહેતાં સંભળાયા હતા!

સ્કૂલ-કોલેજના ડિજિટલ ભણતર વખતે શિક્ષકોની મોટે ભાગે ફરિયાદ રહી છે કે, બાળકો ક્લાસ ચાલુ હોય તે દરમ્યાન કેમેરો બંધ કરીને ઊંઘી જતા હોય અથવા કોઈ બીજી વાતોમાં એમનું ધ્યાન પરોવાયેલું હોય છે!

ઈન્ટરનેટ આપણને જે સ્વતંત્રતા આપે છે, તે જાળવી રાખવાની દરેકની વ્યક્તિગત જવાબદારી છે. આપણા વર્તન વ્યવહારની સામેવાળા પર અસર થાય છે. આપણા સારા વ્યવહાર થકી ઓનલાઇન જોડાયેલી વ્યક્તિને પણ આપણે વિનમ્રતા, સદ્વ્યવહાર માટેની પ્રેરણા આપી શકીએ છીએ!

આ બાબતોની રૂપરેખા માઈક્રોસોફ્ટે પણ દોઢેક વર્ષ પહેલાં બહાર પાડેલી ‘ડિજિટલ સિવિલિટી ઇન્ડેક્સ’માં જોવા મળે છે. તેમાં ૧૮ થી ૩૪ વર્ષના યુવાનોના ઈન્ટરનેટ પર કરવામાં આવેલા વ્યવહાર વિશે જણાવવામાં આવ્યું છે. તેમજ ભારતીયો ઇન્ટરનેટ પર પોતાનો વ્યવહાર કઈ રીતે સુધારી શકે. એ વિશે પણ સૂચનો મૂકવામાં આવ્યા છે.

એક સૂચન અનુસાર દરેક પબ્લિક કે પ્રાઇવેટ સંસ્થાએ ઇન્ટરનેટ પર આચાર સંહિતા જાહેર કરવી જોઇએ. ઓફિસ કામ કે સ્કૂલના અભ્યાસ દરમ્યાન વિડીયો કોન્ફરન્સમાં ઉપસ્થિત દરેક જણે સજાગ રહેવું જોઈએ.

વિડીયો કોન્ફરન્સ દરમિયાન ધ્યાન રાખવાના જરૂરી મુદ્દાઓ:

* તમારી ઓળખાણ આપો: વિડીયો કોન્ફરન્સની શરૂઆતમાં તમારી ઓળખાણ આપો. જેથી અન્ય કોઈને તમને ઉદ્દેશીને વાત કરવી હોય તો સહેલાઈથી કરી શકે.

* સ્પષ્ટ રહો: બોલતી વખતે તમારો અવાજ ચોખ્ખો રાખો, શબ્દોના ઉચ્ચારણ સ્પષ્ટ રાખો. જેથી દરેક જણ તમારી વાત સમજી શકે.

* માઇક્રોફોન ક્યારે મ્યૂટ રાખવું: તમારે બોલવાનું ન હોય ત્યારે માઇક્રોફોનને મ્યૂટ કરી શકો છો. જેથી તમારાથી ભૂલથી કોઈ અવાજ થાય તો બોલવાવાળાનું ધ્યાનભંગ ન થાય.

* શારીરિક ભાષા ટાળો: વાતો કરતી વખતે હાથ દ્વારા સંકેત આપવાનું ટાળવું, વધુ પડતું માથું હલાવવાનું પણ ટાળવું.

* પહેરવેશ વ્યવસ્થિત રાખો: જો તમારે ઓફિસ મીટીંગમાં હાજર થવું હોય તો તે પ્રમાણે યોગ્ય પરિધાન રાખવો અને સામાન્ય અનૌપચારિક કોલમાં સાદો પહેરવેશ રાખી શકાય.

* મુદ્દાસર વાત કહેવી: તમારી વાત કહેતી વખતે એ પણ ધ્યાનમાં રાખો કે એ વાત મિટિંગમાં નિશ્ચિત કરેલા એજન્ડામાં છે કે નહીં.

વિડીયો કોન્ફરન્સ દરમિયાન અન્ય લોકોને પણ બોલવાનો મોકો આપવો જોઈએ

ડિજિટલ શિષ્ટાચાર ફક્ત ઓફિસ કામકાજ વખતે જ નહીં. પરંતુ પારિવારિક ગોષ્ઠિ દરમ્યાન પણ ધ્યાનમાં રાખવો. કોરોના સંક્રમણને કારણે ડિજિટલ પ્લેટફોર્મ પર સગા સંબંધી તેમજ મિત્રોને મળવું અને વાતચીત કરવી એ હવે ન્યૂ નોર્મલ થશે. વિડીયો કોન્ફરન્સ બાબતે પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક એરોન બૈલિકનો મત છે કે, કાર્યની પ્રકૃતિ પ્રમાણે ડિજિટલ સંપર્કમાં બ્રેક લેવો જોઈએ. જો તમે તમારા મિત્રો કે સગા સંબંધીઓ સાથે વાત કરતા હોવ તો મનફાવે ત્યારે બ્રેક લઈ શકો છો. પરંતુ કાર્યાલયને લગતી ઔપચારિક મીટીંગમાં અનુમતિ લઈને બ્રેક લેવો.

આજના આધુનિક સમયમાં ડિજીટલ શિષ્ટાચાર પણ હવે ધ્યાનમાં લેવાની બાબત થઈ ગઈ છે.