ઘરે બેઠાં કામમાં ઉપયોગી થશે આ મોબાઇલ ઍપ…

ટૅક્નૉલૉજીના કારણે હવે કામકાજ કરવાની પદ્ધતિ બદલાતી જાય છે. લોકો ઘરે બેસીને ફ્રીલાન્સ કામ કરી શકે છે. કંપનીઓ પણ આ પ્રકારની કામની પદ્ધતિમાં રસ ધરાવવા લાગી છે કારણકે તેનાથી તેમની ઑફિસનું વીજળીનું બિલ બચે છે. પરંતુ ઘરે કામ કરવામાં કેટલીક અડચણો આવવાનો સંભવ છે. આ અડચણો રસોડામાં જઈને નાસ્તો કરવાથી માંડીને કમ્પ્યૂટર પર નેટફ્લિક્સ પર ફિલ્મ જોવા બેસી જવા સુધીની હોઈ શકે છે. અર્થાત્ સ્વયંશિસ્ત જરૂરી છે. સ્વયંશિસ્ત જાળવવામાં કેટલીક મોબાઇલ એપ તમને મદદ કરી શકે છે.

જો તમને સંગીતનો શોખ હોય તો તમે ધીમા અવાજે તમારાં મનગમતાં ગીતો સાંભળો. યૂટ્યૂબ કે સાવન કે પછી ગાના જેવી ઍપ તમારી મદદે આવી શકે છે. અહીં ફાયદો એ છે કે જો તમે ઑફિસમાં હો તો બની શકે કે તમારી જે પસંદનાં ગીતો હોય તે સહકર્મચારીને પસંદ ન પણ હોય. અથવા તેને સંગીત સાથે કામ કરવું જ પસંદ ન હોય. અહીં ઘરે તમને એ સ્વતંત્રતા છે. તો સંગીત સાંભળતા જાવ અને ઝડપથી કામ કરતા જાવ.

હવે સ્વયંશિસ્તની વાત. જો તમે તમારી જાત પર કાબૂ ન રાખી શકતા હો અને નજીવા કામ માટે કલાકો નીકળી જતા હોય તો તમને થશે કે કામ પતતું જ નથી. ઑફિસની જેમ અહીં સતત તમારી આસપાસ બૉસ તો નહીં ફરતા હોય જે તમને વારંવાર પૂછશે કે કામ ક્યાં પહોંચ્યું? આના માટે મોબાઇલ ઍપમાં શેડ્યુલર જેવું કામ કરી આપતી કોઈ ઍપ ડાઉનલૉડ કરો. તમારી દિનચર્ચા લખો. તમારો સમય ક્યાં ક્યાં વ્યતીત થયો તે નોંધો. તમને ખ્યાલ આવશે કે તમે કામના બદલે તમારો સમય ક્યાં આપ્યો. આવી એક ઍપ ટૉગલ (Toggl) છે. તે અનેક ડિવાઇસ વચ્ચે સિંક થાય છે. તમારી દિનચર્યાનું વિશ્લેષણ કરીને ઉપયોગી અહેવાલો આપે છે. તેનાથી ફ્રીલાન્સરોને એ પણ ખબર પડે છે કે કયા ગ્રાહક પાસેથી તેમને વધુ નાણાં મળે છે (એટલે તેના પર પહેલાં ધ્યાન આપવું જોઈએ).

ઘરે કામ કરતી વખતે કેટલીક ચીજો તમારું ધ્યાન તમારા કામ તરફથી વારંવાર ખેંચશે, જેમ કે ફૉન. તમને થયા કરે કે લાવ ને વૉટ્સએપ જોઈ લઉં, ફેસબુક જોઈ લઉં, ઇન્સ્ટાગ્રામ જોઈ લઉં. કાં તો નેટફ્લિક્સ પર આ નવી વેબસીરિઝ જોઈને પછી કામ કરું. પરંતુ આ બધું કામને વિલંબમાં નાખનારું છે. આવામાં ફૉરેસ્ટ નામની ઍપ તમને તમારા સ્માર્ટફૉનથી દૂર રાખે છે. તમે તમારા ફૉનથી જેટલા દૂર રહો છો તેટલું મોટું વન ઍપમાં ઉગે છે. જેમ જેમ ઝાડોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ તમને કૉઇન દ્વારા ઇનામ મળે છે જેનો ઉપયોગ તમે સાચું વૃક્ષ વાવવામાં કરી શકો છો. તેનાથી તમને ફૉનનો વપરાશ ઘટાડવામાં તો મદદ મળે જ છે, પરંતુ સાથે પર્યાવરણને બચાવવામાં પણ મદદ મળે છે. છે ને સારી વાત?

પરંતુ જો તમારું ધ્યાન હજુ પણ ભંગ થતું હોય તો તમે ફ્રીડમ જેવી શુલ્ક સાથેની ઍપ લઈ શકો છો. વિન્ડૉઝ, એન્ડ્રૉઇડ વગેરે માટે તે સાત ડૉલર પ્રતિ માસ પડે છે. તે તમને પહેલેથી પસંદ કરેલી વેબસાઇટ અને ઍપ જેમ કે સૉશિયલ મિડિયા કે સ્માર્ટફૉનની ગેમ વગેરેથી દૂર રાખે છે. તમે જ્યાં સુધી તમારું કામ ન પતાવો ત્યાં સુધી તે બિનઉપયોગી પ્રૉગ્રામને લૉક રાખે છે. પરંતુ તકલીફ એ છે કે જો તમારો તમારી જાત પર જ કાબૂ નહીં હોય તો તમે ફ્રીડમને ડિસએબલ કરી દેશો. આથી તમારે જ નક્કી કરવાનું છે કે તમારે તમારી જાત પર કાબૂ કઈ રીતે મેળવવો છે જેથી તમારું કામ સમયસર પૂરું થાય.

પરંતુ હા, એક વાત એ પણ છે કે કેટલાક લોકો બહુ કામગરા હોય છે. તેઓ કામ કરતી વખતે બ્રૅક લેવાનું પસંદ જ કરતા નથી. તેના કારણે કામ પર પણ તેની અસર થતી હોય છે અને તેમના સ્વાસ્થ્ય પર પણ અસર થતી હોય છે. પૉમૉડૉરૉ ટ્રેકર તમારા શૅડ્યૂલમાં બ્રૅક લાવે છે. તે તમને દર ૨૫ મિનિટે પાંચ મિનિટનો વિરામ લેવાનું યાદ અપાવે છે.

આ પાંચ મિનિટના વિરામમાં તમે તમારા મગજને તાજું કરવા મેડિટેશન ઍપ કે સુમધુર દરિયાનાં મોજાં સાથેનું સંગીત સાંભળી શકો છો. અથવા ચાની ચૂસકી લઈ શકો છો. સ્માર્ટફૉન પર તમારી ગ્રાહક કે સગાસંબંધી સાથે વાતચીત કરી લઈ શકો છો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]