સૉશિઅલ મીડિયાનો સદુપયોગ પણ થાય છે

સૉશિઅલ મીડિયા. આ શબ્દ રોજેરોજ આપણા કાને પડી રહ્યો છે. તમે ફેસબૂક પર છો? નવાનવા જોડાયેલા લોકો આવો પ્રશ્ન કરે તે સમજાય પરંતુ નવી પેઢીના લોકો પણ આવો પ્રશ્ન પૂછે છે ત્યારે આશ્ચર્ય થાય. પ્રશ્ન ખરેખર એ હોવો જોઈએ કે “તમારું ખાતું કયા નામથી છે? અથવા તો કૌશિક મહેતા વન એ ખાતું તમારું જ છે ને. આવો પ્રશ્ન મને એટલે થયો કે આજકાલ ડમી ખાતું પણ હોય છે.”

સૉશિઅલ મીડિયા પર પોતાની ગતિવિધિઓ, પોતાના પરિવારજનો વિશે લોકો ભરપૂર પ્રમાણમાં માહિતી મૂકવા લાગ્યા છે. તેનો દુરુપયોગ ફેસબૂક પોતે, જાહેરખબર આપતી કંપનીઓ વગેરે કરી રહ્યાં છે. પરંતુ લોકો પોતાની માહિતી મૂકે છે તેનો સદુપયોગ પણ થઈ શકે છે તેવી કલ્પના થઈ શકે ખરી?

જવાબ છે, હા. જે લોકો હકારાત્મક વિચારે છે તેઓ તો સદુપયોગ કરવાનું જ વિચારશે. આવા લોકોમાં પોલીસ વિભાગ પણ આવે છે. જી હા, પોલીસ પણ માહિતીનો સદુપયોગ કરી શકે છે. કઈ રીતે તે જાણો.

પોલીસ વિભાગ સમક્ષ ઘણી વાર અપમૃત્યુના કિસ્સા આવે છે. કોઈની હત્યા થઈ હોય કે અકસ્માતમાં કોઈનું મૃત્યુ થયું હોય, કોઈએ આત્મહત્યા કરી હોય કે કોઈ દુર્ઘટનામાં કોઈનું મૃત્યુ થયું હોય તો આવા કિસ્સામાં પોલીસને તપાસ કરવાની આવે છે. ઘણી વાર મૃતકની ઓળખ તો થાય છે પરંતુ તેના સગાની જાણ હોતી નથી અને સગાને જાણ કરવી હોય તો કેવી રીતે કરવી તે પોલીસ માટે કોયડો બની જતો હતો. પરંતુ ફેસબૂક આવ્યાં પછી આ બાબત હવે કોયડારૂપ નથી રહી.

જેમ કે અમેરિકાના ઇડાહો રાજ્યની એડા કાઉન્ટીના ડૉટ્ટી ઑવેન્સ નામના પોલીસ અધિકારી કહે છે કે અમે ક્યારેય નહોતું વિચાર્યું કે અમને આટલી સરળતાથી મૃતકના સગાં વિશે માહિતી મળશે. અમે ક્યારેય એ પણ નહોતું વિચાર્યું કે અમે મૃતકના સગાંને શોધવા ફેસબૂકનો ઉપયોગ કરીશું.

ઑવેન્સ કહે છે કે તમને જાણીને નવાઈ લાગશે પણ લોકો ફેસબૂક પર લોકો પ્રચૂર માત્રામાં માહિતી મૂકે છે. ઇડાહોમાં પોલીસ તપાસ અધિકારીઓ માટે ફેસબૂક રોજનું સાધન બની રહ્યું છે.

જો અમને ફેસબૂક વૉલ પર કોઈ જન્મદિવસના કાર્ડ કે તસવીર મળે છે તો અમે તેના પરથી સંશોધન કરીએ છીએ અને અમને મૃતકના પરિવારના કોઈને કોઈ સગાં મળી જ જાય છે.

પહેલાં જ્યારે લેન્ડલાઇનનો જમાનો હતો ત્યારે પોલીસ અધિકારીઓએ ફૉન ડિરેક્ટરીનો ઉપયોગ સગાં શોધવા કરવો પડતો હતો. તે કામ ઘણું અઘરું અને થકવી નાખનારું હતું પરંતુ હવે ફેસબૂકના કારણે માત્ર વ્યક્તિના ફ્રેન્ડ લિસ્ટમાં જ ફંફોસવું પડે છે. વિશ્વમાં કોઈ પણ ખૂણે મૃતકનું સગું રહેતું હોય તો તેના વિશે ફેસબૂક પરથી માહિતી મળી જવા સંભવ છે.

ઑવેન્સ કહે છે કે એક વાર અમને એક મૃતકનો પરિવાર જે જર્મનીમાં રહેતો હતો તેના વિશે માહિતી મળી તો એક વાર પરિવાર ગ્રીસમાં રહેતો હતો તેની માહિતી મળી. તેમને શોધવા માટે અમને દોઢ સપ્તાહ જ લાગ્યું હતું. અમે સૉશિઅલ મીડિયાના કારણે આટલી ઝડપથી વ્યક્તિઓના પરિવારોને શોધી શક્યાં.

ગયા વર્ષે માર્ચમાં પોલીસની મદદે ફરી એક વાર સૉશિઅલ મીડિયા આવ્યું હતું. બૉઇસ ફૂટહિલ્સમાં એક બંદૂકધારીએ ગોળીબાર શરૂ કર્યો ત્યારે પોલીસ અધિકારીઓએ તેને ઠાર માર્યો હતો અને પછી તેના સગાંની શોધ આદરી હતી. તેઓ જનતા સમક્ષ પણ ગયાં, પરંતુ છેવટે ફેસબૂક જ વહારે આવ્યું જેના પરથી અપરાધીની માતા વિશે ભાળ મળી જે અન્ય રાજ્યમાં રહેતી હતી.

ઑવેન્સ કહે છે કે “અમને કંઈ જ મળ્યું નહોતું. અમને ખબર હતી કે તે કોણ છે, પરંતુ અમને તેની સાથે જોડાયેલા સૉશિઅલ મીડિયા વિશે પણ માહિતી નહોતી. આથી, અમે જનતા સમક્ષ ગયાં અને લોકો તરફથી કેટલાંક નામો મળ્યાં જે તેની સાથે સંકળાયેલા હતાં. અને પછી, અમે તેની માતાને ફેસબૂક પરથી શોધવામાં સફળ રહ્યાં.”

જોકે પોલીસને ભલે, સૉશિઅલ મિડિયા પરથી પરિવારજનોની ભાળ મળી જતી હોય, પરંતુ પોલીસ પરિવારજનોને તેમના સગાંના મૃત્યુની જાણ કરવા સૉશિઅલ મીડિયાનો ઉપયોગ કરતી નથી. તેઓ પરિવારજનનું સરનામું શોધી કાઢે છે અને તેમને પ્રત્યક્ષ મળીને તેમને આ માહિતી આપે છે. પોલીસ પણ આખરે તો માણસ જ છે અને તેનામાં પણ સંવેદના રહેલી હોય છે. સૉશિઅલ મીડિયાના વપરાશના કારણે સામાન્ય નાગરિકમાં સંવેદનાનો અભાવ થતો જાય છે, જન્મદિવસ-મૃત્યુ પર માત્ર સૉશિઅલ મીડિયા પર અભિનંદન કે શોકાંજલિ પાઠવીને ઇતિ સિદ્ધમ્  માને છે પરંતુ પોલીસ પોતાનું કામ સંવેદનાથી કરે છે તે સારી બાબત છે.