નજીકના વિસ્તારમાં ભૂકંપની ચેતવણી આપશે આ ઍપ

ત માસમાં, ૨૫ સપ્ટેમ્બરે પાકિસ્તાને બથાવી પાડેલું કાશ્મીર ધ્રૂજી ઊઠ્યું. ના, ના, ભારતીય સેનાએ ત્રાસવાદીઓને મારવા માટે કરેલી કાર્યવાહીથી નહીં, પરંતુ ભૂકંપના લીધે. જી હા, ધરતીકંપે પાકિસ્તાને બથાવી પાડેલા કાશ્મીરને ધ્રૂજાવી મૂક્યું હતું. ૬.૩ની તીવ્રતાના ધરતીકંપના લીધે પાકિસ્તાનના કાશ્મીરમાં અનેક મકાનો તૂટી પડ્યાં. લગભગ ૩૭ લોકોના જીવ ગયાં. સ્વાભાવિક છે કે પડોશી હોવાના કારણે પંજાબ અને ઉત્તર ભારતમાં તેના આંચકાઓ અનુભવાયા.

આ અગાઉ ઑક્ટોબર ૨૦૦૫માં ૭.૬ની તીવ્રતાનો ધરતીકંપ જમ્મુ-કાશ્મીરમાં આવ્યો હતો. ભૂકંપ વૈજ્ઞાનિકો એવું કહે છે કે સમગ્ર હિમાલય પટ્ટો ૮ની તીવ્રતાના ભૂકંપની શક્યતાવાળો છે. આ પ્રદેશ એવી સીમા પર આવેલો છે જ્યાં ભારત અને પાકિસ્તાન હેઠળ રહેલી નાની ભારતીય પ્લેટ આવેલી છે. આ સિવાય યુરેશિયાઈ ટૅક્ટૉનિક પ્લેટ પણ આવેલી છે જેમાં યુરોપ, રશિયા અને મધ્યપૂર્વના ઘણા દેશો આવી જાય છે.

માત્ર સપ્ટેમ્બરમાં જ, ભારતમાં ૨૪ નાના-મધ્યમ તીવ્રતાના ભૂકંપ આવી ગયાં છે. તેમાંથી ઓછામાં ઓછા આઠ હિમાચલ પ્રદેશના ચંબાની સરહદે આવેલા જમ્મુ કાશ્મીરમાં જ આવ્યા હતા.

ભૂકંપની વાત નીકળે એટલે વર્ષ ૨૦૦૧નો કચ્છ-અમદાવાદનો વિનાશક ભૂકંપ યાદ આવી જાય. અને એટલે જ, આજે પણ દેશદુનિયામાં ક્યાંય પણ ભૂકંપ આવે તેના સમાચાર જાણવાનો સૌથી વધુ રસ કદાચ ગુજરાતીઓને હોય છે.

જોકે ભૂકંપ બાબતે હવે રાહતના સમાચાર છે. ના, કુદરતમાં કોઈ એવું લક્ષણ વૈજ્ઞાનિકોએ નથી શોધ્યું કે હવે ગુજરાતમાં ભૂકંપ નહીં આવે, પરંતુ માનવમાં જે મગજ આપ્યું છે જેના આધારે સ્માર્ટફૉન જેવી ટૅક્નૉલૉજી શોધી છે અને આ ટૅક્નૉલૉજી જ વહારે આવી છે.

અમેરિકાના કેલિફૉર્નિયામાં તાજેતરમાં દેશની પ્રથમ ભૂકંપ ચેતવણી પ્રણાલિ ખુલ્લી મૂકાઈ. આ પ્રણાલિના કારણે એવી આશા છે કે નિવાસીઓને ભૂકંપ થાય તેની ગણતરીની સેકન્ડોમાં જ સાવધાન કરી દેવાશે. કેલિફૉર્નિયા યુનિવર્સિટીએ આ ઍપ બનાવી છે.

૧૯૮૯માં કેલિફૉર્નિયાના મધ્ય દરિયાકાંઠે ૧૭ ઑક્ટોબરે જીવલેણ ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા ૬.૯ રિક્ટરસ્કેલ પર હતી. સાંતાક્રૂઝ પર્વતોમાં રહેલા લોમાપ્રિએટા શિખર પરથી તેનું નામ લોમાપ્રિએટા ભૂકંપ પડ્યું હતું. તેમાં ૫૭ જણાનાં મૃત્યુ થયાં હતાં. આ વિનાશક ભૂકંપની યાદમાં ૧૭ ઑક્ટોબરે ઉપરોક્ત ઍપને ખુલ્લી મૂકાઈ હતી.

કેલિફૉર્નિયાના રાજ્યપાલ ગેવિન ન્યૂઝકૉમે કહ્યું હતું કે ભૂકંપ અને અન્ય આપત્તિઓ ગમે ત્યારે આવી શકે છે. હું દરેક કેલિફૉર્નિયાઈ વ્યક્તિને આ ઍપ ડાઉનલૉડ કરવા અને તેના પરિવારને ભૂકંપ માટે તૈયાર રહેવાનું સુનિશ્ચિત કરવા આહ્વાન કરું છું.

આ ઍપનું નામ છે માયશૅક. નજીકના ભૂકંપના લીધે જમીન હલવાનું શરૂ કરે તેની ગણતરીની સેકન્ડમાં આ ઍપ ચેતવણી આપે છે. તેના લીધે તમે તમારો જીવ બચાવવા માટે જરૂરી પગલાં લઈ શકો છો, જેથી તમને ઈજા ન થાય.

એ તો બહુ જાણીતી વાત છે કે સુનામી વગેરે કુદરતી આપત્તિની જેમ ભૂકંપથી કંઈ માણસનું સીધેસીધું મૃત્યુ થતું નથી. હજુ સુધી એવું ભાગ્યે જ બન્યું છે કે ભૂકંપના કારણે વ્યક્તિની નીચેની જમીન ધસી ગઈ હોય અને તેમાં વ્યક્તિ પડીને મરી જાય. હકીકતે તો ઈમારતો તૂટી પડવાથી જ વ્યક્તિનાં મૃત્યુ થાય અથવા વ્યક્તિનું હૃદય બંધ પડી જાય તો મૃત્યુ થાય. અથવા વ્યક્તિ જીવ બચાવવા ખૂબ ઊંચેના માળેથી કૂદી પડે તો પણ તેનું મૃત્યુ સંભવ છે.

આ ઍપ કઈ રીતે ચેતવણી આપે છે?

ઍપને બનાવનારાઓનું કહેવું છે કે કેલિફૉર્નિયામાં રહેલા સેસ્મિક નેટવર્કથી મળેલા ડેટાનું વિશ્લેષણ કરાય છે. અને અમેરિકી ભૂસ્તરશાસ્ત્રીય સર્વે દ્વારા તે કામ થાય છે. આ સર્વે શૅકએલર્ટ નામના કમ્પ્યૂટરીકૃત પ્રૉગ્રામનું સંચાલન કરે છે. આ પ્રૉગ્રામના આધારે પ્રણાલિ દ્વારા ચેતવણી અપાય છે. તેમાં પ્રાથમિક તીવ્રતા મપાય છે અને અંદાજ લગાવાય છે કે કયા વિસ્તારોમાં ધ્રૂજારી અનુભવાશે.

આ ઍપને ખુલ્લી મૂકાઈ તે પહેલાં તેની કસોટી કરાઈ હતી. સાન ફ્રાન્સિસ્કો અને મધ્ય કેલિફૉર્નિયામાં ૪.૫ અને ૪.૭ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યાં ત્યારે તેનું પરીક્ષણ કરાયું હતું. જે નિવાસીઓને આ ઍપ કસોટી માટે ડાઉનલૉડ કરવા અપાઈ હતી તેમને પહેલા ભૂકંપના કિસ્સામાં ૨.૧ સેકન્ડમાં અને બીજા ભૂકંપના કિસ્સામાં તો તેનાથી પણ ઓછા એટલે કે ૧.૬ સેકન્ડમાં ચેતવણી મળી ગઈ હતી.

દરેક ઍપની જેમ આ ઍપ પણ પૂર્ણ નથી, પરંતુ જેમ અન્ય ઍપને સમયેસમયે અપડેટ કરી તેમાં ભૂલો સુધારાય છે તેમ આમાં પણ અનુભવો અને પ્રતિક્રિયાના આધારે ભૂલો સુધારાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]