હવે પોતે લખેલા સંદેશાને ફૉરવર્ડેડમાં ખપાવી નહીં શકાય

જકાલ વૉટ્સએપનો વપરાશ વધતો જાય છે. બહુ ઓછા લોકો હવે રહી ગયા હશે જે વૉટ્સએપનો ઉપયોગ નહીં કરતા હોય. વૉટ્સએપ પર મિત્રો, સગાસંબંધીઓ, સહકર્મચારીઓ, બોસ, પ્રેયસી, પ્રિયતમ વગેરે સાથે ચેટ કરાતી હોય છે. વૉટ્સએપમાં ગ્રૂપ પણ હોય છે અને લોકો પોતે કેટલા બધાં ઝાઝાં ગ્રૂપમાં છે તેનો ગર્વ લેતા હોય છે. કેટલાક તો પોતે અનેક ગ્રૂપનાં ઍડ્મિન હોવાનું પણ ગર્વ લેતા હોય છે. ગ્રૂપ હોય કે પર્સનલ મેસેજ, તેમાં કેટલાક મેસેજ એવા આવી જતા હોય છે  જે સ્પામ હોય છે. કેટલીક વાર તો આવા સ્પામ મેસેજ મોકલનારનો નંબર તમારા કૉન્ટેક્ટમાં સેવ નથી હોતો અને તમે જો એ મોકલનારને ફૉન કરવા જાવ તો નંબર ઉપડતો નથી કારણકે એ ફૅક નંબરમાંથી કરાયેલો મેસેજ હોય છે.આવા સ્પામ મેસેજ મોકલનારથી છૂટકારો મેળવવા એક રસ્તો છે. તે એ કે તેને બ્લૉક કરી દેવો. આ સિવાય કેટલાક લોકો મેસેજ કરતા હોય છે તો નીચે લખતા હોય છે કે ફૉરવર્ડેડ મેસેજ. પરંતુ વૉટ્સએપમાં કયો સંદેશ કોના દ્વારા સર્જાયો તેની ખબર નથી પડતી. મોકલનાર વ્યક્તિએ મેસેજ બનાવ્યો છે કે પછી ખરેખર ફૉરવર્ડ કર્યો છે તેની ખબર નથી પડતી. અને કેટલાક ફૅક કે સ્પામ મેસેજ આમ ને આમ આગળ વધતા રહે છે.

પરંતુ વૉટ્સએપ કંપની આ જાણે છે. તેને ખબર છે કે તેની ઍપનો દુરુપયોગ થઈ રહ્યો છે. આથી જ તે આવા સંદેશમાંથી છૂટકારો તેના વપરાશકારોને મળે તે માટે રસ્તો શોધી રહી છે. આવા જ એક રસ્તામાં વૉટ્સએપ એવા ફીચર પર કામ કરી રહી છે જેની અંદર કોઈ સંદેશો જો ખરેખર ફૉરવર્ડ કરાયો હશે તો જ તેની નીચે ફૉરવર્ડેડ લખેલું વંચાશે. જો નહીં હોય તો નહીં વંચાય. આના લીધે એ ખબર પડી જશે કે રમેશભાઈએ તમને કોઈ સંદેશો મોકલ્યો અને તેની નીચે ફૉરવર્ડેડ લખેલું હોય તો તે ખરેખર ફૉરવર્ડેડ છે કે પછી રમેશભાઈએ પોતે જ બનાવેલો મેસેજ છે.

વૉટ્સએપમાં થતા ફેરફારો પર નજર રાખતી WABetaInfoએ આ ફીચરને જોયું છે. તેનો દાવો છે કે ઍન્ડ્રૉઇડ v2 18.67માં વૉટ્સએપ બૅટામાં આ ફીચર જોવા મળ્યું છે અને આ ફીચર ડીફૉલ્ટ રીતે અસમર્થ છે. તેની સાથે વિન્ડૉઝ ફૉન બેટામાં સ્ટિકરનું ફીચર પહેલી વાર જોવા મળ્યું હતું. હવે તે ઍન્ડ્રૉઇડની બૅટા એપમાં પણ આવી ગયું છે. જોકે આ ફીચર પણ ડીફૉલ્ટ રીતે અસમર્થ કરાયેલું (ડિસએબલ્ડ) છે.

આ વેબસાઇટ પર માહિતી મુજબ, “આજે વૉટ્સએપે ફીચરના વર્તનમાં સુધારો કર્યો છે જે (જ્યારે આ ફીચરને અનેબલ કરાશે ત્યારે) એક પરપોટામાં જોવા મળશે જેમાં ‘ફૉરવર્ડેડ મેસેજ’ લખેલું વંચાશે.

વૉટ્સએપે તાજેતરમાં ઍન્ડ્રૉઇડ અને વિન્ડૉઝ ફૉન માટે તેના બૅટામાં ગ્રૂપ ડિસ્ક્રિપ્શન ફિચરનો પ્રારંભ પણ કર્યો છે. ફૉરવર્ડેડ મેસેજ અને સ્ટિકર ફીચરથી ઉલટ, આ ફીચર વપરાશકારોને દૃશ્યમાન છે અને તેને કૉડ દ્વારા સમર્થ (અનેબલ) કરવાની જરૂર નથી. ગ્રૂપમાં કોઈ પણ સભ્ય નવા ગ્રૂપ ડિસ્ક્રિપ્શન ટેબમાં લખાણમાં ફેરફાર (એડિટ) કરી શકે છે. જોકે ભવિષ્યમાં વૉટ્સએપ માત્ર ઍડ્મિનને જ આમ કરવાની છૂટ આપે તેવો સંભવ છે. ગ્રૂપ ડિસ્ક્રિપ્શન માટે અક્ષરોની મહત્ત્મ સંખ્યા ૫૦૦ અક્ષર રખાઈ છે. ઘણી વાર હવે ગ્રૂપમાં જોડાવા ઇન્વાઇટ લિંક પણ કામ કરે છે. તેથી તેના દ્વારા કોઈ વ્યક્તિ જોડાય તો તેનાથી વ્યક્તિને તે ગ્રૂપ વિશે ખ્યાલ આવે કે આ ગ્રૂપ શેનું ગ્રૂપ છે. ઉલ્લેખનીય છે કે ઇન્વાઇટ લિંક દ્વારા ગ્રૂપમાં જોડાવાની સુવિધા ૨૦૧૬માં શરૂ થઈ હતી.

આ મહિને અગાઉ WABetaInfoએ ઍન્ડ્રૉઇડ બેટામાં સેવાના નવા નિયમો જોયા હતા. આ નિયમો મુજબ, વૉટ્સએપ તેની માહિતી ફૅસબુક સાથે કઈ રીતે વહેંચશે અને ફેસબુકની માલિકીના આ સંદેશા મંચ પર પ્રાયોજિત સામગ્રી કઈ રીતે આવશે તેની વાત પણ લખાયેલી છે.