સન્ની લિયોની, ધોની, સચીન વાઇરસ ફેલાવે છે?

ન્ની લિયોની વિશે તમે ઇન્ટરનેટ પર સર્ચ કરો છો? ન કરતાં.

ના. આ નૈતિકતાની દ્રષ્ટિએ સલાહ નથી, પરંતુ ટૅક્નૉલૉજીની દ્રષ્ટિએ સલાહ છે. સન્ની લિયોની તો શું, સચીન તેંડુલકર, મહેન્દ્ર્સિંહ ધોની જેવા જાણીતાં લોકો વિશે જો તમે ઇન્ટરનેટ પર શોધ કરી રહ્યાં હો તો સાવધ થઈ જજો. તે તમારા માટે જોખમભર્યું છે.

તમે કહેશો કે ઇન્ટરનેટ વગર તો અત્યારે છૂટકો નથી. કોઈની સાથે કંઈ માહિતી પર શરત લાગી કે ધોનીની કેપ્ટનશિપમાં ભારત અમુક મેચ જીત્યું હતું કે સચીને આટલામાં ક્રમની મેચમાં આટલાં રન કર્યાં હતાં તો તેને ચકાસવા ઇન્ટરનેટનો સહારો તો લેવો જ પડે ને.

તમારી વાત સાચી છે, પરંતુ સાથે જ ટૅક્નૉલૉજી નિષ્ણાતોની વાત પણ માનવી પડે કારણ કે જાણીતી વ્યક્તિઓ વિશે શોધ કરવી બીજા કોઈ માટે નહીં, તમારા પોતાની અંગત માહિતી માટે જોખમરૂપ છે. નિષ્ણાતોનું કહેવું છે કે આમ કરવાથી તમારો પાસવર્ડ કે અન્ય જરૂરી ચીજો ચોરી થઈ શકે છે. સાઇબર અપરાધી તમારી માહિતી પર તરાપ મારી શકે છે.

મેકફી નામની એન્ટી  વાયરસસૉફ્ટવેર બનાવતી કંપનીનું આ કહેવું છે. તેની સૌથી જોખમરૂપ મહાનુભાવની યાદીમાં સૌથી ટોચ પર નામ મહેન્દ્રસિંહ ધોનીનું છે. પોતાના ૧૩માં સંસ્કરણમાં મેકફીની શોધે લોકપ્રિય સેલિબ્રિટીઓની યાદી આપી છે જેની સર્ચ કરવાથી જોખમભર્યાં પરિણામો આવે છે. તેનાથી તેમના ચાહકોને ગરબડ કરનારી વેબસાઇટ અને વાઇરસનો ખતરો રહે છે.

વર્ષ ૨૦૧૧ના વિશ્વ કપમાં ૨૮ વર્ષ પછી ભારતને વિજય અપાવનાર કપ્તાન ધોની તાજેતરમાં પોતાની વિકેટકીપિંગ, પોતાની સલાહ, કાશ્મીરમાં સેનામાં સેવા વગેરેના કારણે વધુ લોકપ્રિય થયાં છે. તેઓ પોતાના ધૈર્ય અને સ્થિર મન માટે જાણીતાં છે. સ્વાભાવિક છે કે તેમની આટલી બધી લોકપ્રિયતા હોવાથી લોકો તેમના વિશે વધુ સર્ચ કરવાના અને આથી જ સાઇબર અપરાધીઓને પણ અવળચંડી વેબસાઇટ તરફ લઈ જવા માટે તે શ્રેષ્ઠ રસ્તો લાગે. હવે જો તમે સર્ચ કરતાં કરતાં એ વેબસાઇટ પર જઈ ચડ્યાં તો તે તમારા પીસી/લેપટોપ/ફૉનમાં માલવૅર ઇન્સ્ટૉલ કરીને તમારી વ્યક્તિગત જાણકારી અને પાસવર્ડ ચોરી કરી શકે છે.

આ યાદીમાં બીજા સ્થાન પર ક્રિકેટના ભગવાન કહેવાતાં સચીન તેંડુલકર છે. સર્વાધિક જોખમભર્યા પરિણામ નિર્મિત કરનારી ટોપ-૧૦ હસ્તીઓમાં મહેન્દ્રસિંહ ધોની અને સચીન તેંડુલકર ઉપરાંત હરમનપ્રીત કૌર, વિશ્વ ચેમ્પિયન બૅડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ અને પોર્ટુગલનો મહાન ફૂટબૉલ ખેલાડી ક્રિસ્ટિયાનો રૉનાલ્ડો સામેલ છે. તેની સાથે આ યાદીમાં બિગબૉસના પૂર્વ વિજેતા ગૌતમ ગુલાટી, અભિનેત્રી સન્ની લિયોન, પૉપ આઇકૉન બાદશાહ, અભિનેત્રી રાધિકા આપ્ટે અને શ્રદ્ધા કપૂર પણ સામેલ છે.

આનું કારણ શું છે? ઇન્ટરનેટની દ્રષ્ટિએ આ લોકો કેમ જોખમી બની ગયાં છે?

નિષ્ણાતોના કહેવા પ્રમાણે, આજકાલ ઇન્ટરનેટ પર ગૂગલ સહિતનાં સર્ચ એન્જિન ઉપલબ્ધ છે. તેથી લોકો હવે માહિતીનો ભંડાર રાખતાં નથી. કોઈ પણ માહિતી જોઈતી હોય તો ફટ દઈને સર્ચ એન્જિન પર સર્ચ કરી લે છે.

કોઈને રમતગમતને લગતી માહિતી જોઈતી હોય, કોઈને ફિલ્મ જોવી હોય તો કોઈ લેખકને લેખ માટે માહિતી જોઈતી હોય, બાળકોને પોતાના શાળાના પ્રૉજેક્ટ માટે કંઈ માહિતી જોઈતી હોય, તો આ બધા કિસ્સામાં લોકો પોતાના મોબાઇલમાં ફટ દઈને માહિતી શોધવાનો પ્રયત્ન કરે છે. કેટલાક લોકો તો ટાઇમપાસ માટે એટલે કે વૉટ્સએપમાં કે ફેસબૂકમાં સ્ટેટસ માટે તસવીરો ડાઉનલૉડ કરવા સર્ચ કરતાં હોય છે. આવામાં તેઓ ફ્રી અને પાઇરેટેડ માહિતી શોધતાં હોય છે. આવી સ્થિતિમાં એ પણ શક્ય છે કે તેઓ વાઇરસવાળી વેબસાઇટ પર પહોંચી જાય. ત્યાં તેમને એ સામગ્રી મળી પણ જાય તોય વાઇરસ અને તમારી પાસવર્ડ સહિતની માહિતી ચોરી થવાનું જોખમ ઊભું રહે છે.

આવી સ્થિતિમાં કરવું શું?

તમે કહેશો કે માહિતી વગર તો ચાલે નહીં. તો ટૅક્નૉલૉજી ઍક્સપર્ટ એવું કહે છે કે કોઈ પણ વેબસાઇટ પર જતાં પહેલાં તમારે સો ગળણે ગાળીને પાણી પીવો તેમ બરાબર વિચાર કરી લેવો જોઈએ.

તમને શંકાસ્પદ લિંક લાગે તેના પર ન જાવ. ભલે તે તમને નિઃશુલ્ક માહિતી માટે લલચાવે.

માત્ર ભરોસાપાત્ર લિંકમાંથી જ સામગ્રી ડાઉનલૉડ કરો. બાળકો આ બધું નથી સમજવાના તો જરૂરી છે કે માતાપિતા પૅરન્ટિંગ કન્ટ્રૉલ સૉફ્ટવૅરનો ઉપયોગ કરે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]