સેમસંગ લાવશે દુનિયાનો સૌપ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન

અમેરિકાની એપલ સામેની સ્પર્ધામાં ટકી રહેવા માટે દક્ષિણ કોરિયાની સ્માર્ટફોન ઉત્પાદક કંપની સેમસંગ ઈલેક્ટ્રોનિક્સે પેશ કર્યો છે દુનિયાનો સૌપ્રથમ વળી શકે એવો (ફોલ્ડેબલ) સ્માર્ટફોન.

આ ફોનની વિશેષતા એ છે કે એનો સ્ક્રીન ફોલ્ડ થઈ શકે છે. આ ફોનને તમે જેવો ખોલો તો એ નાનકડા, પોકેટ-સાઈઝનું ટેબલેટ બની જાય છે. ખોલ્યા બાદ એ 7.3 ઈંચના ટેબલેટ ડિસ્પ્લેમાં કન્વર્ટ થઈ જાય છે અને બંધ કરી દો તો સ્માર્ટફોન જેવો જ દેખાય. તમે એને ખોલો તો તમને 7.3 ઈંચનો મેઈન ડિસ્પ્લે મળે અને બંધ કરી દો તો 4.6 ઈંચનો સ્માર્ટફોન બની જાય.

સેન ફ્રાન્સિસ્કોમાં સોફ્ટવેર ડેવલપર્સ સાથે પોતાના વાર્ષિક સંમેલનમાં સેમસંગે તેનો આ નવો ફોન રજૂ કર્યો હતો, જેને તે ‘ઈન્ફિનિટી ફ્લેક્સ ડિસ્પ્લે’ ફોન તરીકે ઓળખાવે છે. કંપનીનો દાવો છે કે આ ફોન યુઝર્સને મોબાઈલના વપરાશમાં એક નવા જ પ્રકારનો સરસ અનુભવ કરાવશે.

આ ફોન સેમસંગના અન્ય ફોનની જેમ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત હશે.

આ ફોન વેચાણમાં ક્યારે મૂકવામાં આવશે, એની કિંમત શું હશે અને આ ફોનનું નામ શું હશે એ વિશે સેમસંગે હજી સુધી કંઈ કહ્યું નથી.

પ્રેઝન્ટેશન વખતે સેમસંગે આ નવા ફોનની ડિઝાઈનની અન્ય વિશેષતા પણ જાહેર કરી નહોતી.

ફોનનાં બેઝિક્સ જોકે નિષ્ણાતોના ધ્યાનમાં આવી ગયા છે. આ ફોનને બંધ કરી દેવામાં આવે તો એ કોઈ સ્ટાન્ડર્ડ સ્માર્ટફોન જેવો જ દેખાય છે, પરંતુ ખોલવામાં આવે ત્યારે એ કોઈ બુકની જેવો લાગે. મતલબ કે એનો બીજો 7.3 ઈંચ ડિસ્પ્લે પણ દેખાય. આમ, આ ફોન અત્યાર સુધીમાં સૌથી મોટા સ્ક્રીનવાળો ફોન બનશે.

કંપનીનું કહેવું છે કે આ ફોન તમે ગમે તેટલી વાર, હજારો વાર ઉઘાડ-બંધ (ફોલ્ડ) કરી શકો છો.

ફોલ્ડેબલ ડિવાઈસના સંચાલન માટેના સોફ્ટવેર માટે સેમસંગ હાલ ગૂગલ તથા એના એન્ડ્રોઈડ ડિવિઝન સાથે મસલત કરે છે.

ગયા ઓક્ટોબરમાં જ બ્લૂમબર્ગ ન્યૂઝે અહેવાલ આપ્યો હતો કે 2019ના બીજા ક્વાર્ટરમાં ફોલ્ડિંગ ફોન વેચાણમાં આવી જશે. સેમસંગે કહ્યું છે કે તેના ફોલ્ડેડ ફોન માટેના સ્ક્રીન્સનું જથ્થાબંધ ઉત્પાદન આગામી મહિનાઓમાં જ શરૂ કરવામાં આવશે.

વાસ્તવમાં, ZTE કંપની પણ અગાઉ ફોલ્ડેબલ ફોન લાવવાની જાહેરાત કરી ચૂકી છે, પરંતુ સમીક્ષકોએ એને નાપસંદ કરતાં એ ફ્લોપ ગયો હતો. એવી જ રીતે, કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ સ્ટાર્ટઅપ કંપની રોયોલ તરફથી પણ ચીનમાં આવા જ પ્રકારનો ફોન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

સેમસંગના મોબાઈલ ડિવિઝને તાજેતરમાં ખોટ કરી હતી, તેથી એ ભરપાઈ કરવા માટે એ પરફેક્ટ ફોલ્ડેબલ ફોન લાવી રહી છે. આ ફોન કંપનીની બ્રાન્ડની પ્રતિષ્ઠાને એપલના આઈફોન સામે જે માર પડ્યો છે એ પુનઃ હાંસલ કરાવી આપશે એવી સેમસંગને આશા છે.

સેમસંગના મોબાઈલ પ્રોડક્ટ માર્કેટિંગ વિભાગના સિનિયર વાઈસ-પ્રેસિડેન્ટ જસ્ટિન ડેનીસને સંમેલનમાં કોઈ પત્રકાર કે ડેવલપરને ફોલ્ડેબલ ફોનને હાથમાં પકડીને જોવા દીધો નહોતો કે સ્પર્શ પણ કરવા દીધો નહોતો. અરે, નજીકથી જોવા પણ દીધો નહોતો.

ગૂગલના એન્ડ્રોઈડ સોફ્ટવેર પ્લેટફોર્મના એન્જિનીયરિંગ વિભાગના વાઈસ-પ્રેસિડન્ટ ડેવ બુર્કે પણ કહ્યું છે કે સેમસંગ તેનો નવો એન્ડ્રોઈડ-બેઝ્ડ ફોન આવતા વર્ષના આરંભમાં માર્કેટમાં રજૂ કરવા ધારે છે.

સેમસંગના ફોલ્ડેબલ ફોનમાં વધુ ને વધુ ફીચર્સ લાવી શકાય એ માટે ગૂગલ કંપની ડેવલપર્સ સાથે કામ કરશે.

જોકે સેમસંગની એન્ટ્રી બાદ બીજી ઘણી કંપનીઓ ફોલ્ડેબલ ફોન લાવે એવી ધારણા છે.

હુઆવેઈએ પણ કહ્યું છે કે તે 2019ના મધ્ય ભાગમાં ફોલ્ડેબલ સ્ક્રીનવાળો 5G સ્માર્ટફોન લોન્ચ કરશે.

ચીનની ડિસ્પ્લે મેકિંગ સ્ટાર્ટ-અપ રોયોલે હાલમાં જ તેનો મોટા સ્ક્રીનવાળો અને ફોલ્ડેબલ એન્ડ્રોઈડ ફોન પેશ કર્યો હતો, જેની કિંમત 1,300 ડોલર છે. રોયોલનું કહેવું છે કે તે ડિસેમ્બરના અંત ભાગમાં ઓર્ડર લેવાનું શરૂ કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]