અમેરિકામાં પણ ‘રાઇટ ટૂ બી ફરગૉટન’ની તજવીજ

ગૂગલ એ આજકાલ પ્રમાણભૂત મનાય છે. પરંતુ એવું નથી. ઘણું બધું તેમાં ખોટું હોઈ શકે છે. આપણા વડાપ્રધાનને ગૂગલ બાબાએ ટોચના દસ અપરાધીઓમાં ગણાવ્યાં ત્યારે મોટો હોબાળો થઈ ગયો હતો. ગૂગલ એ માત્ર અક્ષરોને આંકડા તરીકે ઓળખે છે. તેના માટે અક્ષર એ ૧ અને ૦ નો આંકડો છે. આલ્ગૉરિધમ નક્કી કર્યો હોય એ પ્રમાણે તે પરિણામ આપે છે. જોકે છેલ્લાં ઘણા સમયથી ગૂગલ સામે ફરિયાદ છે કે તે પક્ષપાતભર્યાં પરિણામો આપે છે. ભારતની કમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયાએ તો ગૂગલ પર સર્ચ એન્જિનમાં અને ઑનલાઇન સર્ચ ઍડ્વર્ટાઇઝ માર્કેટમાં પોતાની ટોચની સ્થિતિનો દુરુપયોગ કરવા માટે અને શોધના પરિણામોમાં પૂર્વગ્રહ દાખવવા માટે ૧.૩૬ અબજ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ અગાઉ યુરોપીય પંચે તો ગૂગલ પર ૨.૪ અબજ યુરો (૩ અબજ ડૉલર)નો દંડ ફટકાર્યો હતો.

એટલે ગૂગલ પર હોય તે બધું આધારભૂત કે પ્રમાણભૂત માની લેવાની જરૂર નથી. કોઈનો બ્લૉગ કે કોઈ છાપામાં છપાયેલું ખોટું લખાણ પણ ગૂગલના સર્ચ પરિણામોમાં દેખાઈ શકે (ભલે પછી તે બ્લૉગ કે છાપાએ પાછળથી તેની માફી માગી લીધી હોય). એટલે જ આજકાલ ‘રાઇટ ટૂ ફરગૉટન’ની ઝૂંબેશ ચાલે છે.

યુરોપના એક ન્યાયાલયે ૨૦૧૪માં ચૂકાદો આપ્યો હતો કે જો કોઈને એમ લાગે કે ગૂગલ પર કોઈ પણ બાબત ‘અચોક્કસ’, અથવા ‘અતિશયોક્તિ’ ભરી છે તો તે વ્યક્તિ પાસે કાનૂની અધિકાર છે કે તે ગૂગલને વિનંતી કરે કે ગૂગલ એ બાબતને તેનાં શોધ પરિણામોમાંથી હટાવી દે.

ન્યાયાલયે યુરોપીય સંઘના કાયદાનું અર્થઘટન કરીને નિર્ણય કર્યો હતો કે યુરોપીયનોને ‘યાદીમાંથી કઢાવવાનો અધિકાર’ (રાઇટ ટૂ ડિલિસ્ટ) છે જેનો અર્થ થાય કે વ્યક્તિઓ, કૉર્પોરેશનો અને સરકારી અધિકારીઓ પણ તેમને જો કોઈ સામગ્રી અચોક્કસ, અપૂરતી, અસંગત કે અતિશયોક્તિભરી લાગે અને જાહેર હિતના સંદર્ભને લગતી ન લાગે તો ગૂગલના શોધ પરિણામોમાંથી હટાવવા વિનંતી કરી શકે છે.

તમે કહેશો કે આ તો ૨૦૧૪ની વાત છે. તેનું હવે શું? તો અમેરિકામાં પણ આ હિલચાલ શરૂ થઈ છે તેથી આપણે આ વાત ઉખેળી છે.

હકીકતે ૮૮ ટકા અમેરિકનો આ ‘રાઇટ ટૂ બી ફરગૉટન’ને ટેકો આપે છે. અમેરિકામાં પણ આવો કાયદો કે ન્યાયાલયના નિર્ણયની સંભાવના દેખાઈ રહી છે.

જ્યારથી ગૂગલનો યુરોપીય ‘રાઇટ ટૂ બી ફરગૉટન’ કાર્યક્રમ શરૂ થયો ત્યારથી કંપનીએ ૨૪ લાખ જેટલી યુઆરએલ દૂર કરવાની વિનંતી પૈકી ૪૩ ટકા વિનંતી સ્વીકારીને તે યુઆરએલ દૂર કર્યાં છે, તેમ ગૂગલનો પારદર્શિતા અહેવાલ કહે છે. આ વિનંતીઓ પૈકી ૯૦ ટકા વિનંતીઓ ખાનગી વ્યક્તિઓએ કરી હતી. વપરાશકારો જે વેબ પૃષ્ઠો હટાવવા માગતાં હતાં તેમાં ડિરેક્ટરીઓ, સૉશિઅલ મીડિયા, સમાચાર અને સરકારના પૃષ્ઠોનો સમાવેશ થાય છે.

ન્યૂ યૉર્ક રાજ્યની વિધાનસભામાં પણ ‘રાઇટ ટૂ બી ફરગૉટન’ જેવો જ કાયદો લાવવાની તૈયારી છે. ‘નાગરિકોના અધિકારોનો કાયદો અને નાગરિક વ્યવહારનો કાયદો અને નિયમોમાં સુધારો’ નામનો આ ખરડો મોટા ભાગે યુરોપીય ન્યાયાલયના નિર્ણયની નકલ જ છે.

વિધાનસભાની સરકારી કામકાજ સમિતિ અત્યારે બીજી વખત આ ખરડાની સમીક્ષા કરી રહી છે. અમેરિકાના ‘રાઇટ ટૂ બી ફરગૉટન’ કાયદાના પ્રયાસોને અમેરિકાની પ્રગતિશીલ બિનસ્વૈચ્છિક સંસ્થા કન્ઝ્યૂમર વૉચ ડૉગે જોરદાર ટેકો આપ્યો છે.

તેણે તો યુરોપીય સંઘમાં આ ચૂકાદો આવ્યા પછી તરત જ ગૂગલને લખ્યું હતું કે “ગૂગલ યુરોપના તેના વપરાશકારો માટે ‘રાઇટ ટૂ બી ફરગૉટન’નું કામ કરી રહ્યું છે, પરંતુ તેનું કારણ એ છે કે કાયદાનું પાલન કરવું પડે છે. અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે સ્વૈચ્છિક રીતે અમેરિકાના વપરાશકારોને આ અધિકાર આપો.”

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]