ફિટનેસ એપ બની સંરક્ષિત માહિતી જાહેર કરવાનું કારણ!

ટેકનોલોજીનો વિકાસ મનુષ્યજીવનની સરળતા માટે થતો હોય છે, પણ ઘણીવાર મશીન મશીન જ છે તેની ખાતરી થતી હોય તેમ અતિસંવેદનશીલ ડેટા પણ ટેકનોલોજીના પ્રતાપે (સંતાપે) બીજા હાથમાં ચાલી જતો હોય છે. તાજેતરમાં સૈન્યને લગતી માહિતી આ રીતે બહાર આવી, જેનું કારણ બની હતી ફિટનેસ એપ!સૉશિઅલ મિડિયા અને મોબાઇલ એપ દિનપ્રતિદિન વપરાશકારોની અંગત જાણકારી ખુલ્લી પાડવા માટે બદનામ બની રહી છે. લોકપ્રિય ફિટનેસ ઍપ પૉલાર ફ્લૉ ગુપ્તચર સંસ્થાઓ, લશ્કરી થાણાંઓ અને હવાઈ સ્થળો, પરમાણુ શસ્ત્રોના ભંડારનાં સ્થળો તેમજ વિશ્વ ભરમાં આવેલા દૂતાવાસો સહિતના ગુપ્ત સ્થાનો ખાતે સરકારી કર્મચારીઓની કવાયતો કરતા હોય તો તેમના વિશે સુવિધાજનક નકશો આપી દે છે.

પૉલાર ફ્લૉએ તેના વપરાશકારો વિશે તેની સમકક્ષ ઍપ કરતાં વધુ પહોંચ મળે તે રીતે તેના વપરાશકારો વિશે વધુ માહિતી પ્રસિદ્ધ કરી છે. બેલિંગકેટ અને દ કૉરસપૉન્ડન્ટના તપાસકારોએ તેમનાં સંશોધનનાં પરિણામો ૮ જુલાઈએ જાહેર કર્યાં છે. પૉલાર ફ્લૉએ એવી સુવિધા આપી છે જેમાં એક વ્યક્તિના વ્યાયામ સત્રો વિશે એક જ નકશામાં માહિતી આપી છે.

“પૉલારે માત્ર લશ્કરી સ્થળો ખાતે વ્યક્તિઓ દ્વારા હૃદયના ધબકારા, માર્ગ, તારીખો, સમય, સમયગાળો અને કવાયતની ઝડપ જ જાહેર નથી કરી પરંતુ તેમણે આવી જ માહિતી તેમનાં ઘરોમાંથી પણ બહાર પાડી છે.” તેમ આ અહેવાલમાં કહેવાયું છે.

સાઇટમાંથી તમામ માહિતીની ભાળ મેળવવી ખૂબ જ સરળ છે. કોઈ લશ્કરી થાણું શોધો, સંકળાયેલી વ્યક્તિગત માહિતીને ઓળખવા ત્યાં પ્રકાશિત થયેલી કવાયત પસંદ કરો અને તમને ખબર પડશે કે તે વ્યક્તિએ બીજે ક્યાં વ્યાયામ કર્યો છે. લોકો જ્યારે ઘર છોડતા હોય છે કે ઘરમાં પ્રવેશતા હોય છે ત્યારે તેઓ ફિટનેસ ટ્રૅકર ઑન/ઑફ કરતા હોય છે અને તે વખથે તેઓ નકશા પર તેમનાં ઘરને નિશાનબદ્ધ કરવાની મૂર્ખામી કરી બેસે છે.

પૉલાર ફ્લૉ એપ દ્વારા અને જાહેર માહિતી જેમ કે સૉશિયલ મિડિયા પર રહેલી માહિતી દ્વારા બેલિંગકેટ અને દ કૉરસપૉન્ડન્ટે સંવેદનશીલ સ્થાનોએ વ્યાયામ કરતા લોકોના નંબર ઓળખી કાઢ્યા.

બેલિંગકેટ અને દ કૉરસપૉન્ડન્ટનાં આ ચોંકાવનારાં તથ્યો બહાર આવતાં પૉલાર ફ્લૉએ તેની ઍપ કામચલાઉ બંધ કરી દીધી. પૉલારે ભારપૂર્વક બચાવ કર્યો છે કે તેણે કોઈ માહિતી જાહેર નથી કરી અને અંગત માહિતીનું કોઈ ઉલ્લંઘન નથી થયું. પૉલાર કહે છે કે અમે વપરાશકારો માટે તેમનાં તાલીમ સત્રો અને જીપીએસ સ્થાનોની માહિતી જાહેર કરવાનું ફરજિયાત બનાવ્યું જ નથી. મોટા ભાગના ગ્રાહકોએ ડિફૉલ્ટ અંગત માહિતી અને સત્રોનાં સેટિંગ ચાલુ રાખ્યા છે અને તેને ઉપરોક્ત અહેવાલોમાં વર્ણાવાયેલા મુદ્દાઓથી કોઈ અસર થઈ નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]