કરોળિયાનો એ કૂદકો કૃષિક્ષેત્રમાં ક્રાંતિ આણશે

રોળિયાને જોઈને ઘણાને બીક લાગતી હશે અને તેઓ કૂદકો મારી જતા હશે પરંતુ વૈજ્ઞાનિકો હવે પોતાની મરજી પ્રમાણે કરોળિયા પાસે કૂદકા મરાવી રહ્યા છે. ના, વૈજ્ઞાનિકો કોઈ સર્કસમાં કામ કરાવવા કરોળિયા પર આ અત્યાચાર નથી કરી રહ્યાં પરંતુ એક સંશોધન માટે આ કરી રહ્યા છે.

જો આ સંશોધન સફળ રહ્યું તો ખેડૂતોને ખૂબ જ ફાયદો થવાનો છે.તમને થશે કે એવું શું છે આ સંશોધનમાં અને કરોળિયાની પાસે મરજી પ્રમાણે વૈજ્ઞાનિકો કેવી રીતે કૂદકા મરાવી રહ્યા છે?

વાત એમ છે કે વૈજ્ઞાનિકો ખેડૂતો માટે એક સંશોધન કરી રહ્યા છે જેમાં તેમને કરોળિયાની જરૂર પડી. સંશોધકોને જરૂર હતી કરોળિયાના કૂદકાના અભ્યાસની. પરંતુ કરોળિયો કંઈ એમ આપણે ઈચ્છીએ ત્યારે થોડો કૂદકા મારે? પરંતુ તે મારે છે. વૈજ્ઞાનિકો આમ કરવામાં સફળ રહ્યા છે.

વૈજ્ઞાનિકો એક કરોળિયાને અલગ-અલગ ઊંચાઈએથી કૂદકો મારવા માટે મનાવવામાં સફળ રહ્યા છે. આ કરોળિયાનું નામ કિમ છે. વૈજ્ઞાનિકોને કરોળિયો કૂદકો મારે ત્યારે થતી સ્પ્રિંગ જેવી હલચલની ફિલ્મ ઉતારવી હતી. અરકનિડ પ્રકારનો આ કરોળિયો હતો. ચાર કરોળિયા પૈકી માત્ર આ કિમભાઈ જ સંકેત આપે ત્યારે કૂદકો મારવાનું શીખ્યા.

માન્ચેસ્ટર વિશ્વ વિદ્યાલયના એક સંશોધન કાર્યક્રમના ભાગ રૂપે આ અભ્યાસ થઈ રહ્યો છે. માન્ચેસ્ટર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો સૂક્ષ્મ રૉબૉટ બનાવવા માગે છે જે એક્રૉબેટિક સ્પાઇડરની જેમ કૂદકા મારી શકે. વૈજ્ઞાનિકોને એવી આશા છે કે આ નવા સૂક્ષ્મ રૉબૉટની મદદથી આવા સૂક્ષ્મ રૉબૉટની એક સેના તૈયાર કરી શકાશે જે જીવાણુઓનો શિકાર કરી લેશે. જો આમ થયું તો ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે કારણકે તેમને ઝેરી જંતુનાશકોની જરૂર નહીં પડે.

સંશોધન ટુકડીએ શરૂઆતમાં સંશોધનમાં ચાર કરોળિયાઓનો ઉપયોગ કર્યો હતો પરંતુ તેમાં ખબર પડી કે માત્ર કિમભાઈ જ ઉપયોગી છે. તેણે જ્યારે જરૂર હોય ત્યારે કૂદકો મારવાનો સંકેત આપ્યો હતો.

કિમે તેની સામે જે જે પડકારો મૂકવામાં આવ્યા તે મુજબ કૂદકા મારવા વિવિધ રણનીતિઓનો ઉપયોગ કર્યો. તે પછી તેને અલગ-અલગ ઊંચાઈએથી અને માનવ સર્જિત મંચ પર અલગ-અલગ અંતરેથી કૂદકા મારવા પ્રશિક્ષણ અપાયું!

અત્યાધુનિક ઉચ્ચ ગતિવાળા કેમેરાનો ઉપયોગ કરીને તેના કૂદકાને રેકૉર્ડ કરવામાં આવ્યા. કોઈ પ્રકારનો શિકાર કે બીજું કંઈ એવું નહોતું મૂકવામાં આવ્યું કે જેથી તે લલચાઈને કૂદકો મારે. ટૂંકમાં, કરોળિયો પ્રમાણિક હતો! J

વૈજ્ઞાનિકોએ કિમભાઈને શીખવાડ્યું કે તે કૂદકો મારવા જાય અને કૂદકો મારી નીચે મંચ પર પડે ત્યાં વચ્ચે શું કરવું, પછી તો તેને આ પડકારની ખબર થોડાં સપ્તાહોમાં જ પડી ગઈ. એક વાર તેને આવડી ગયું પછી માઇક્રો સીટી સ્કૅનનો ઉપયોગ કરીને તેના પગ અને શરીરનું થ્રીડી વર્ચ્યુઅલ મોડલ તૈયાર કરવામાં આવ્યું.

પરિણામોમાં દેખાયું કે કિમે તેને આપવામાં આવેલા પડકાર મુજબ કૂદકો મારવા અલગ-અલગ રણનીતિઓનો ઉપયોગ કર્યો.

આ અભ્યાસના અગ્રણી લેખક મુસ્તફા નબાવીએ કહ્યું, “કૂદકો મારતો કરોળિયો શરૂઆતમાં ઊભો હોય ત્યાંથી તે તેની શરીરની લંબાઈ સુધી છ ગણા કૂદકા મારી શકે છે.” માણસ તેની શરીરની ઊંચાઈ કરતાં ૧.૫ ગણો ઊંચો કૂદકો મારી શકે છે. જ્યારે કૂદકો મારવાનું શરૂ કરે ત્યારે પગ પર રહેલું બળ કરોળિયાના વજનના પાંચ ગણા વધુ હોય છે. આ અદભૂત છે અને જો આ જૈવયાંત્રિકી (બાયૉમિકેનિક્સ) આપણે સમજી શકીએ તો આપણે સંશોધનના બીજા ક્ષેત્રોમાં તેને લાગુ કરી શકીએ.

જોકે દુઃખની વાત એ છે કે અભ્યાસ પૂરો થયો ત્યારથી કિમનું દુઃખદ મૃત્યુ થયું છે, પરંતુ જો ખેડૂતો માટે માઇક્રો રૉબૉટ બનવામાં સફળતા મળશે તો કિમનું બલિદાન સાર્થક થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]