વૉટ્સએપનો જૂનો ડેટા હવે ન પણ મળે

વૉટ્સએપના રસિયાઓ માટે દુઃખના સમાચાર છે. ઘણા રસિયાઓ ચેટનો બૅકઅપ લેતા હોય છે. તેના કારણે તેઓ જો વૉટ્સએપમાંથી ચૅટ ક્લીયર કરી દે તો પણ બૅકઅપના કારણે તે પાછો મળી શકે છે. ઘણી વાર ફૉન બદલવામાં આવે તો નવેસરથી વૉટ્સએપમાં લોગઇન થવું પડે છે. તે વખતે પહેલાંના ફૉનની ચૅટ પાછી મળવાની સંભાવના નથી હોતી, પરંતુ બૅકઅપમાંથી વૉટ્સએપ ચેટ પાછી લઈ આવે છે. પરંતુ હવે આવું ન પણ થાય.વાત એમ છે કે વૉટ્સએપ તમારી સામગ્રીને ગૂગલ ડ્રાઇવમાં સંગ્રહતું હતું. ગૂગલ ડ્રાઇવ ઇન્ટરનેટ પર સંગ્રહ કરવા માટેની સેવા છે. પરંતુ હવે ગૂગલ એક ફેરફાર કરી રહ્યું છે. (ગૂગલ ફેરફાર બહુ કર્યા કરે છે.) તે ફેરફાર એ છે કે વૉટ્સએપ સંદેશાઓ, તસવીરો કે વિડિયો જેનું બૅકઅપ ગૂગલ ડ્રાઇવમાં સંગ્રહાયું હશે તે તમારી ગૂગલ ડ્રાઇવની સંગ્રહ મર્યાદામાં નહીં ગણાય.

તમે કહેશો કે આ તો સારી વાત છે. જેટલી ઈચ્છા હોય તેટલો વૉટ્સએપ ડેટા ગૂગલ ડ્રાઇવમાં સંગ્રહવાનો. ના, દુઃખની વાત અહીં જ શરૂ થાય છે. ગૂગલે તો આવો નિર્ણય કર્યો પરંતુ વૉટ્સએપે શું નિર્ણય કર્યો, ખબર છે? વૉટ્સએપે કેટલોક તમારો જૂનો ડેટા ડિલીટ કરવાનો નિર્ણય કર્યો છે.

એટલે, જો તમે વૉટ્સએપ બૅક અપ એક વર્ષ કરતાં વધુ સમયથી અપડેટ નહીં કર્યો હોય તો સંભવ છે કે તમારો વૉટ્સએપ ડેટા ગૂગલ ડ્રાઇવમાંથી સમૂળગો જતો રહેશે. એટલે કે તમને તો એમ કે આપણો વૉટ્સએપ ડેટા ગૂગલ ડ્રાઇવ પર પડ્યો જ છે ને. ગમે ત્યારે પાછો લઈ લઈશું. પરંતુ આવો અતિ વિશ્વાસ ન રાખતા.

ગૂગલ તેના વપરાશકારોને એક ઇમેઇલ કરી કહ્યું છે કે વૉટ્સએપ અને ગૂગલ વચ્ચે એક નવો કરાર થયો છે જેના લીધે હવે વૉટ્સએપ બૅકઅપની ગણતરી ગૂગલ ડ્રાઇવ સંગ્રહ મર્યાદામાં નહીં થાય. પરંતુ જો વૉટ્સએપ બૅકઅપ એક વર્ષ કરતાં વધુ સમયથી અપડેટ નહીં કરાયો હોય તો તે સંગ્રહમાંથી આપોઆપ દૂર કરાશે. પરંતુ હા, તમારે એ વાતથી ગભરાવાની જરૂર નથી કે તમારો વૉટ્સએપ ડેટા જો વૉટ્સએપમાં જ હશે તો તે જળવાઈ રહેશે. હા, તે ગૂગલ ડ્રાઇવમાંથી દૂર થઈ શકે છે.

હવે તમે જો ફૉન બદલો કે વૉટ્સએપ કોઈ કારણસર અનઇન્સ્ટૉલ કરો અને તે પછી ફરી ઇન્સ્ટૉલ કરો તો સંભવ છે કે તમારો જૂનો ડેટા તમને પાછો ન મળે.

જોકે ચિંતાની વાત એટલા માટે નથી કારણકે આ નવા નિયમનો અમલ ૧૨ નવેમ્બર ૨૦૧૮થી થવાનો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]