આનંદો: ગટર સાફ કરવાના કામ માટે હવે રૉબોટ

જે ઑટૉમેશન (કામો યંત્રો દ્વારા આપોઆપ થવાં)ના કારણે બેરોજગારીનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. સમાજ ચિંતકોમાં આના લીધે ચિંતા ઊભી થઈ છે. રૉબૉટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના લીધે એક તરફ ઉદ્યોગપતિઓ, દુકાનદારો અને ધંધાર્થીઓને ઓછા પૈસે ઝાઝું અને ઝડપી કામ મળવા લાગ્યું છે. તેમનો ખર્ચ બચ્યો છે. તો બીજી તરફ, ઘણાની રોજગારી છીનવાવા લાગી છે.

પરંતુ ઑટોમેશન કદાચ, એક મોટી સામાજિક સમસ્યા નિવારવામાં મદદરૂપ થાય તેમ લાગી રહ્યું છે. આપણે ત્યાં ભારતમાં મોટી સામાજિક સમસ્યા દલિતો અને તેમાંય ખાસ કરીને ગટર સાફ કરતા સફાઈ કર્મચારીઓની છે જેમને ઘણી વાર ગૂંગળામણના કારણે મૃત્યુને વશ થવું પડે છે. પહેલી વાર આવેલા સરકારી અહેવાલ (વર્ષ ૨૦૧૭ માટેના) મુજબ, ભારતમાં ગટર લાઇન અને ગટરના ઢાંકણા સાફ કરતાં ૧૦૨ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. દર વર્ષે ૨૩ હજાર પુરુષો અને સ્ત્રીઓ વિવિધ પ્રકારના સફાઈ કામના લીધે મૃત્યુ પામે છે. ગયા મહિને ચાર સફાઈ કર્મચારીઓ દિલ્લીમાં સેપ્ટિક ટૅન્ક સાફ કરતી વખતે ઝેરી ધૂમાડા શ્વાસમાં જવાના લીધે મૃત્યું પામ્યા હતાં. તેમના આ કામને હવે કદાચ રૉબૉટિક્સ અપનાવી લેશે તેમ લાગી રહ્યું છે.

કેરળ સ્થિત જેન્રૉબૉટિક્સે એક ભૌતિક રૉબૉટ બનાવ્યો છે. તેનું નામ બેન્ડિકૂટ છે. તે આ કામ કરવા માટે સજ્જ છે. એટલું જ નહીં, તેને કામે લગાવી પણ દેવાયો છે. જેન્રૉબૉટિક્સના સ્થાપક અને સીઇઓ વિમલ ગોવિંદે કહે છે, “બેન્ડિકૂટનું પહેલું વર્ઝન સંપૂર્ણ રીતે તૈયાર છે અને તેને કેરળના ત્રિવેન્દ્રમ વિસ્તારમાં કામ પર મૂકાયો છે. તે પછી તમિલનાડુના કુંબકોનમમાં બેન્ડિકૂટને મૂકવાની યોજના છે.”

ગોવિંદ આગળ કહે છે, “અમે જ્યારે લોકોને ગટરના ઢાંકણામાં જતા જોયા ત્યારે અમે વ્યથિત થઈ ગયા. આ કામ ગેરકાયદે છે. અમે એ પણ જોયું કે આ પ્રશ્ન જાતિ પ્રથા સાથે સંકળાયેલો છે. આ સમય દરમિયાન અમને એ પણ જાણવા મળ્યું કે ગટર સાફ કરતી વખતે અનેક લોકો મૃત્યુ પામે છે. બૅન્ડિકૂટ પાછળની સાચી પ્રેરણા આ છે.”

બૅન્ડિકૂટ નગરપાલિકાઓ માટે બનાવ્યો છે. ચોમાસું શરૂ થશે ત્યારે તે ભૂગર્ભમાં ગટર સાફ કરવાનું કામ કરશે. રૉબૉટ ભૂગર્ભમાં ગટરમાં રહેલા કચરાને સાફ કરવા કોઈ પણ આત્યંતિક સ્થિતિ હેઠળ કામ કરી શકે છે. તે શુદ્ધ ઇલેક્ટ્રો મિકેનિકલ જોડાણ છે જે વૉટર પ્રૂફ છે.

રૉબૉટિક સફાઇકાર પાસે હાથ છે જેના લીધે ગટરની અંદર કામ કરવા માણસના હાથની જરૂર રહેતી નથી. ગટરમાં ઉતરવા માટે બૅન્ડિકૂટ તેનો વ્યાસ અંદરના વ્યાસને અનુરૂપ કરી શકે છે તે રીતે તેને બનાવાયો છે.

ગટર ભરાઈ જવાનું કારણ ઘણી વાર ઘન કચરો હોય છે. આ રૉબોટ તેને પણ હટાવી શકે છે. તેને બે રીતે કામે લગાડી શકાય છે; એક સેમી ઑટમેટિક અને બીજો છે પૂરી રીતે ઑટૉમેટિક.