ડ્રૉનથી માત્ર ખાણીપીણી નહીં, મેડિકલ ચીજોની પણ ડિલિવરી

ડિલિવરી ડ્રૉન વધુ મહત્ત્વના સાબિત થઈ શકે છે. આનું કારણ એવી સંભાવના છે કે તેઓ જીવનરક્ષક ટૅક્નૉલૉજી બની શકે છે. રવાન્ડામાં તો આ વાત વાસ્તવિકતા બની પણ ચૂકી છે જ્યાં સિલિકૉન વેલીએ એક સ્ટાર્ટ અપ શરૂ કર્યું છે. તેનું નામ ઝિપલાઇન છે. તે ડિલિવરી ડ્રૉનનો ઉપયોગ દેશભરમાં હૉસ્પિટલો અને ક્લિનિક્સમાં કોઈ ચીજ પહોંચાડવા કરી રહ્યું છે. હવે ઝિપલાઇને ઉડવાનું શરૂ કરી દીધું છે અને વર્ષ 2018ના અંત સુધીમાં અમેરિકામાં પણ તેનો ઉપયોગ શરૂ થઈ શકે છે. આ ડ્રૉનને વિશ્વનું સૌથી ઝડપી વ્યવસાયિક ડિલિવરી ડ્રૉન ગણાવાય છે.ઝિપ્સ નામના ઝિપલાઇન ડ્રૉન નાની જડેલી પાંખનાં વિમાનો બનાવે છે જે તેમના ડિલિવરી ક્ષેત્રમાં જાય છે અને પેરેશ્યૂટ દ્વારા પૂરવઠાની ચીજો ફેંકવાનું કામ પૂરું કરે છે. સૌથી આધુનિક અને ઝડપી ઝિપ્સ 90 માઇલ પ્રતિ કલાકની ઝડપે ઊડે છએ અને 99 માઇલની ગોળાકાર મુસાફરી કરે છે, જે ક્વાડકૉપ્ટર ડ્રૉન કરતાં ચાર ગણી ઝડપી મુસાફરી છે અને તે તેના કરતાં લગભગ 200 ગણો વધુ ડિલિવરી વિસ્તાર આવરી શકવા સમર્થ છે. નાસ્તા જેવી ચીજો લઈ જવા કરતાં સાન ફ્રાન્સિસ્કો બે એરિયાના સ્ટાર્ટઅપે જીવનરક્ષક તબીબી ચીજો પૂરી પાડવાના વણખેડેલા વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, તેમ ઝિપલાઇનના સીઇઓ અને સહ સ્થાપક કેલર રિનૌડોએ જણાવ્યું હતું. રિનૌડોએ કહ્યું હતું કે જો આપણે પૃથ્વી પરના દરેક માનવને ત્વરિત ડિલિવરી પૂરી પાડી શકીએ તો અમે એ માટે જ આ કાર્ય શરૂ કરવા ઈચ્છીશું.

વધુ ઝડપી, વધુ વિસ્તાર આવરી લેતા ડિલિવરી ડ્રૉન મોટાં પરિવર્તનોનો એક ભાગ જ છે જે ઝિપલાઇન તેના પુનઃડિઝાઇન કરાયેલા ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરોમાં કરી રહ્યું છે. દા.ત. ઝિપલાઇને દરેક સેન્ટરમાં ડિલિવિરી ઑર્ડરની પ્રક્રિયા ઑટોમેટેડ રી નાખી છે. ઉપરાંત ગ્રાઉન્ડ ફ્લાઇટ તપાસ જે દરેક ડ્રૉનને લૉન્ચ કરતાં પહેલાં જરૂરી હોય છે તેમજ પાછાં ફરતાં ડ્રૉનને સંભાળવા માટે ઍર ટ્રાફિક કંટ્રૉલ પણ ઑટોમેટેડ કરી નાખ્યો છે.

ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરમાં કામ કરતાં માનવોએ પેકેજ સાથે નવાં ડ્રૉન લૉડ કરવા પર, નવી બેટરી બદલવા અને મેઇનટેનન્સ માટે ડ્રૉનના ભાગોને દૂર કરવા પર ધ્યાન આપવાની જરૂર રહે છે. ઉપરાંત કમ્પ્યૂટરથી ચાલતી સિસ્ટમ દ્વારા જાહેર કરાતી તપાસ યાદી મુજબ તપાસવાનું રહે છે. દરમિયાનમાં, ડૉક્ટરો અને નર્સો ટૅક્સ્ટ સંદેશા દ્વારા ઝિપલાઇનને ઑર્ડર મોકલે છે તેથી તેઓ બધા મૂવિંગ પાર્ટ અંગે અજાણ્યા રહી શકે છે.

આ પરિવહનની કુરૂપ (અનગ્લેમરસ) બાજુ જ ઝિપલાઇનનો હેતુ છે જેના દ્વારા તે રવાન્ડાની દરેક હૉસ્પિટલ અને ક્લિનિકમાં અડધો કલાકમાં ડિલિવરી કરીને 1 કરોડ લોકોની સેવા કરવા માગે છે. ડ્રૉન અને ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર બંનેમાં છેલ્લા સુધારાના કારણે ઑર્ડર મેળવવા અને તેને પૂરો કરવામાં 10 મિનિટનો સમય ઘટીને એક મિનિટ કરી શકાશે.

ઝડપી વિતરણથી દરેક વિતરણ કેન્દ્ર રોજ 50થી વધારીને 500 સુધીની ફ્લાઇટ યોજી શકશે. “સંપૂર્ણપણે આ નવું વિમાન છએ, પરંતુ સાથે સંપૂર્ણ નવું ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર પણ હશે. અમે વિશ્વની કોઈ પણ સિસ્ટમ કરતાં વધુ ઝડપી રીતે ઉત્પાદનો મોકલી શકીશું.”

ઑક્ટોબર 2016થી ઝિપલાઇન ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર ચલાવે છે જે રવાન્ડાનો અડધો પશ્ચિમ ભાગ આવરી લે છે. આ સેન્ટર પશ્ચિમી રવાન્ડામાં 21 હૉસ્પિટલો અને ક્લિનિક્સને પ્લાઝમા અને પ્લેટેલેટ સહિત લોહીનાં ઉત્પાદનોની ડિલિવરી પર ધ્યાન આપે છે. આ સ્ટાર્ટ અપ રવાન્ડાના પૂર્વ ભાગને આવરી લેવા બીજા ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરને સ્થાપવા વિચારી રહ્યું છે. ઝિપલાઇનનાં ડ્રૉન માત્ર બ્લડ પેકેટ જ નહીં, અન્ય મેડિકલ ચીજો પૂરી પાડી શકે તેવી સ્ટાર્ટ અપની યોજના છે.