ફોટો પાડવા માટે આવી ગઈ છે નવી ટેકનોલોજી: સેલ્ફી બોટ

“એ ભાઈબંધ, જરા અમારો ફોટો પાડી દે ને.”

“એ કાકા, પ્લીઝ અમારી એક પિક ક્લિક કરી દેશો?”

“મેડમ, ઇફ યૂ ડૉન્ટ માઇન્ડ, વિલ યૂ ક્લિક ફૉરઅસ?”

આવી બધી વિનંતીઓ તમે પર્યટન સ્થળોએ જરૂર સાંભળી હશે. કેટલાકમાં તો તમે પાત્ર પણ હશો એટલે કે તમે ગયાં હો ફરવા પણ ત્યાં આવેલા બીજા લોકોએ તમને વિનંતી કરી હશે કે અમારો ફોટો પાડી દો ને.

તમે ફરવાનું પડતું મૂકીને તેમના ફોટા પાડવા લાગો છો. ફોટોગ્રાફર બની જાવ છો. પરંતુ ક્યારેક આ ભલમનસાઈ ‘આંગળી આપતાં પોંચો પકડી લે.’ તમે માનતા હો કે એક ફોટાથી પતી જશે પરંતુ તેઓ તો તમારી પાસે એકથી વધુ એંગલથી ફોટા રિક્વેસ્ટ કરી કરીને પડાવી લે. તેમાંય જો સમૂહમાં આવ્યાં હોય તો યુવતી પોતાનો ફોટો પડાવે, પછી પતિ સાથે/પ્રેમી સાથે ફોટો પડાવે અને પછી માતાપિતા કે બીજાં જે કોઈ સાથે આવ્યાં હોય તેમની સાથે એક ગ્રૂપ ફોટો પડાવે.

હવે તમારો વારો ફોટા પડાવવાનો. તમારે પણ તેમાંથી કોઈને અથવા બીજા કોઈને પકડવાના ને, ફોટા પડાવવા માટે.

પરંતુ મોબાઇલમાં સેલ્ફી પડાતી થઈ પછી આ માથાકૂટ ઘટી ગઈ. પરંતુ સાવ બંધ પણ નથી થઈ કારણ કે સેલ્ફીમાં માત્ર મોઢાં જ આવે. અને તે પણ બરાબર એંગલ તો ન જ આવે. સેલ્ફી સ્ટિક પણ ક્યાં ક્યાં સાથે ફેરવવી?

આ બધી ભાંજગડનો ઉપાય પ્રૉફેશનલ ફૉટોગ્રાફર ખરો. ફરવા ગયાં હોય ત્યાં આવા ફૉટોગ્રાફર ઇન્સ્ટન્ટ ફૉટા આપી દેવાની ઑફર સાથે આંટા મારતાં જ હોય છે.

પરંતુ ટૅક્નૉલૉજી આમાં પણ હવે કમાલ કરી રહી છે.

રૉબોટનો પ્રવેશ આમાં પણ થયો છે. રૉબોટ જો ઘરનાં કામ, કચરાપોતાં, પાણી પાવુંથી માંડીને રેસ્ટૉરન્ટમાં પીરસવા સુધીનાં કામ કરી આપતા હોય તો ફૉટા કેમ ન પાડી આપે?

હવે છ ફૂટ ઊંચું હરતુંફરતું ફૉટો બૂથ તમારો ફોટો પાડી આપે છે, એટલું જ નહીં તેની પ્રિન્ટ પણ કાઢી આપે છે.

વિશ્વના આ પ્રથમ રૉબોટ ફૉટોગ્રાફરને સેલ્ફી બૉટ કહેવાય છે. આનંદની વાત એ છે કે તેના પગરણ દક્ષિણ-પૂર્વ એટલે કે અગ્નિ એશિયામાં થઈ ચૂક્યા છે. એટલે ભારતમાં આવતા પણ બહુ વાર નહીં લાગે.

ગેલેક્સીટૅક સ્ટુડિયો સાથેની ભાગીદારીમાં આ રૉબોટ હવે સિંગાપોરમાં ભાડે મળે છે.

જોકે આ રૉબોટની પણ મર્યાદા છે. તેની પાસે તમે એવી આશા કે અપેક્ષા ન રાખી શકો કે તે તમને કહે કે તમારે કઈ રીતે ફૉટો પડાવવો જોઈએ. તમારે તમારી આંગળી ગાલ પર રાખવી કે પછી કપાળ પર હાથ ખાસ ખૂણે રાખવું કે કઈ બાજુએ ઊભા રહેવું. તમારું ડોકું થોડું ઝૂકાવવું.

આ મશીન આમ જુઓ તો, એક આઈપેડ જ છે જેમાં ડિજિટલ કેમેરા લાગેલો છે. તે એટલો સ્માર્ટ ખરો કે તે સ્થળ પર ફરતો રહે છે. તે રસ્તામાં કોઈ વિઘ્ન આવે તો તેનાથી હટીને રસ્તો શોધી લે છે.

જોકે આ સાવ નવી શોધ નથી. બેએક વર્ષ પહેલાં કેટલાક કૉર્પોરેટ કાર્યક્રમોમાં સેલ્ફીબૉટની ચર્ચા થઈ હતી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ચાલતો આ રૉબોટ ટોળા સાથે હળીભળી જઈને ફૉટા પાડી આપે છે. સિડની સ્થિત ક્રિએટિવ ટૅક્નૉલૉજિસ્ટ એન્રિકોપેન્ઝોએ તેની ડિઝાઇન ઘડી અને તેને બનાવ્યો છે.

તે ફૉટો પાડ્યાં પછી તરત જ તેની પ્રિન્ટ પણ કાઢી આપે છે અથવા તો તમે ઈચ્છો તો તમે કહો તે મહેમાનોને એસએમએસ કે ઇમેઇલ પર મોકલી આપવાની ક્ષમતા પણ તેનામાં બનાવાઈ છે. બની શકે કે બીજી કેટલીક ઍપની મદદથી ભવિષ્યમાં તે તમને એનિમેટેડ GIF, વિડીયો વગેરે પણ બનાવી આપે.

કેટલીક ટૅક્નૉલૉજી તો છે જ એટલે તેને આ રૉબોટમાં જોડી દેવામાં બહુ અઘરું નથી. આથી આ પ્રકારના રૉબોટના અપડેટેડ વર્ઝન આવતા જ રહેશે. બની શકે કે નજીકના ભવિષ્યમાં જ એવો રૉબોટ ફૉટોગ્રાફર પણ આવે જે તમને કઈ પૉઝિશનમાં ઊભા રહેવું, બેસવું કે સ્ટાઇલ કરવી તેની સૂચના પણ આપે. તમારા ચહેરા પર બરાબર લાઇટ આવે છે કે નહીં તે પણ કહે. અને આ રીતે તમારો યાદગાર ફૉટો પાડી આપે.

ટૅક્નૉલૉજી હૈ, તો બહોત કુછ સંભવ હૈ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]