સીસીટીવી કરતાં પણ વધુ ઉપયોગી એપ- હેવન

જે માત્ર તમારી શારીરિક સલામતી જ ચિંતાનો વિષય નથી, પણ ડિજિટલ સલામતી પણ ચિંતાનો વિષય છે. કોઈ પણ વિરોધી વ્યક્તિ તમારા ફૉનમાં ઘૂસીને તમારા ઘરની, તમારી ઑફિસની કે તમારી અંગત માહિતી ચોરી જઈ શકે છે. તે તમારા કમ્પ્યૂટરમાં ચેડા કરી શકે છે, તમારા પાસવર્ડ ચોરી શકે છે અને અન્ય ગુપ્ત માહિતી પણ ઉઠાવી જઈ શકે છે.આની સામે એનએસએના પૂર્વ અગ્રણી એડવર્ડ સ્નૉડેને હેવન નામની એપ લૉન્ચ કરી છે જેના વિશે દાવો છે કે કે તેના લીધે એન્ડ્રૉઇડ ફૉનમાં કોઈ ઘૂસી નહીં શકે. હેવન ફૉનના કેમેરા, માઇક્રૉફૉન અને એક્સલરોમીટરનો ઉપયોગ કરે છે અને ફૉનમાં થતી કોઈ પણ ગતિવિધિ, અવાજ કે વિક્ષેપ પર નજર રાખે છે. દા.ત. તમે કોઈ હૉટલમાં ગયા છો. ત્યાં તમે ઍપ ચાલુ રાખી દ્યો તો તે તમે રૂમની બહાર હો ત્યારે રૂમમાં કોઈ પણ આવશે તો તેના ફૉટા પાડશે અને અવાજ પણ રેકૉર્ડ કરશે. ચાહે તે પછી નિર્દોષ હાઉસકીપર હોય કે ઇન્ટેલિજન્સ ઍજન્ટ કે જે તમારા લેપટોપમાં સ્પાયવેર નાખવા આવ્યો હોઈ શકે. તે તરત જ આ તસવીરો અને સાઉન્ડ ક્લિપ તમારા મુખ્ય ફૉનમાં મોકલી આપશે અને તમને આ ખલેલ અંગે સાવચેત કરશે. ઍપ ફૉનના લાઇટ સેન્સરનો ઉપયોગ કરીને જ્યારે રૂમમાં અંધારું થઈ જાય (ચોર આવું એટલા માટે કરતા હોય છે કે જેથી તેમની તસવીરો ઝડપાય નહીં) તો પણ સાવચેત કરે છે.

સ્નૉડેન ૨૦૧૬માં ફ્રીડમ ઑફ ધ પ્રેસ ફાઉન્ડેશનના ડિરેક્ટર બન્યા તે પછી તેમણે એક નાનકડી પ્રૉગ્રામર અને ટૅક્નૉલૉજિસ્ટની ટીમ સાથે સુરક્ષા સાધનો સાથે મળીને આ પ્રૉજેક્ટ પર કામ કર્યું. માનો કે કોઈ સમૂહ આઈફૉનમાં હાર્ડવેરમાં સુધારો કરવા તેમની સિક્રેટ કી દાખલ કરે તો તેને પકડી પાડે છે. જો કોઈ માલવેર ગુપ્ત રીતે વપરાશકારની માહિતી ક્યાંક મોકલતું હોય તો પણ તે પકડી પાડે છે.

સ્નૉડેનને આ સ્માર્ટફૉન આધારિત એલાર્મ સિસ્ટમનો વિચાર ઇન્ટરસેપ્ટ ખાતેના ટૅક્નૉલૉજિસ્ટ મિકાહ લીએ આ વર્ષની શરૂઆતમાં આપ્યો હતો.  લીને આશા હતી કે સાઇબરસિક્યોરિટી સમુદાય જેને એવિલ મેઇડ એટેક કહે છે તેને હલ કરવા નવો અભિગમ જરૂરી છે. પછી લી અને સ્નૉડેનના ડેવલપરોના ગ્રૂપે સિક્યૉરિટી કેન્દ્રિત સ્વંયસેવી સંસ્થા ગાર્ડિયનના પ્રૉજેક્ટ સાથે ભાગીદારી કરી અને આ સમસ્યાનો ઉકેલ સૉફ્ટવેર રૂપે આપવા પ્રયાસો આદર્યા.

હેવન તેના વપરાશકારોને કમ્પ્યૂટર હેકરથી બચાવવા ઉપરાંત ઘણું બધું કરી શકે છે. ઘણાના જીવનસાથી ઉપદ્રવી હોય છે. તો ઘણી વાર પોલીસ પણ સત્તાનો દુરુપયોગ કરે છે. આ બધા સામે હેવન બચાવી શકે છે. ગત નવેમ્બરમાં ગ્રૂપે કૉલમ્બિયન એક્ટિવિઝમ ગ્રૂપ મોવિલિઝાટોરિયો સાથે મળીને સૉશિયલ જસ્ટિસ એક્ટિવિસ્ટ સાથે એક પરીક્ષણ યોજ્યું હતું. આ ગ્રૂપ ગયા વર્ષની ડઝન હત્યાઓનું લક્ષ્ય હતું, કારણકે દેશની સરકાર અને ગેરીલા ગ્રૂપો વચ્ચે વાટાઘાટો પડી ભાંગી હતી. મોવિલિઝાટોરિયોની સ્થાપક જુલિયાના ઉરિબે વિલેગાસ કહે છે કે એપે ગ્રૂપને ખાતરી આપી કે સરકાર કે અપરાધીઓના એજન્ટો જાસૂસીનાં સાધનો મૂકવા, તેમનું અપહરણ કરવા કે તેમને શારીરિક ઈજા પહોંચાડવા ઘરમાં ઘૂસી ન શકે.

ઉરિબે વિલેગાસ કહે છે કે તેમના માટે એ જાણવું જરૂરી હતું કે જ્યારે સરકાર તેમનું રક્ષણ નહોતી કરી રહી ત્યારે તેમની પાસે સાધનો હતાં જે તેમનું રક્ષણ કરી રહ્યાં હતાં. અમારા જેવા દેશોમાં અંગત સુરક્ષાએ અમારી યાદીમાં ટોચે રહેલી છે.

જોકે સામી બાજુએ એ પ્રશ્ન પણ થાય કે જે સંયંત્ર ફોટા પાડી શકે, ઑડિયો ક્લિપ રેકોર્ડ કરી શકે અને તેને ઇન્ટરનેટ પર મોકલી શકે તો પછી તમારી પ્રાઇવસીનું શું? હેવનમાં આ વાતનો પણ ખ્યાલ રખાયો છે અને તેમાં મેસેજિંગ એપ સિગ્નલ એન્ક્રિપ્ટેડ છે જેથી દરેક એલર્ટ, ફૉટો અને ઑડિયો ક્લિપ તે જે વપરાશકારને મોકલે તે એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે.