આ સૉફ્ટવેર વિદ્યાર્થીઓ અને મામલતદારો માટે સુવિધાજનક

ત્યારે ટૅક્નૉલૉજીનો જમાનો છે. આપણે ઘણી વાર એવું અનુભવીએ છીએ કે સરકારી કર્મચારીઓ કે ખાનગી કર્મચારીઓ પોતાની જગ્યાએ હોતા નથી. તેઓ

આજે ઘણા સરકારી મંત્રાલયો અને વિભાગો ટોચની આઈ. ટી. કંપની સાથે મળીને ભારતને ડિજિટલ બનાવીને કાગળવિહોણું કામ કરવા મથી રહી છે જેથી કામ ઝડપી બને. ત્યારે માલેગાંવના એક ઈજનેરે એવું સૉફ્ટવેર વિકસાવ્યું છે જે મામલતદારોનું કામ ઘટાડશે. રાઝી અનવર ફૈઝી માલેગાંવમાં સૉફ્ટવેર ડેવલપમેન્ટ અને કન્સલટન્સી પેઢી ચલાવે છે. તેઓ માલેગાંવની જે.એ.ટી. આર્ટ્સ, સાયન્સ ઍન્ડ કૉમર્સ કૉલેજના કમ્પ્યૂટર સાયન્સ વિભાગના વડા પણ છે. તેમણે એક આઈ. ટી. ઉપાય બનાવ્યો છે જે શાળાઓ અને કૉલેજોને મામલતદાર કચેરી સાથે જોડશે જેના લીધે જ્ઞાતિનું પ્રમાણપત્ર, જે તે રાજ્યના નિવાસીનું પ્રમાણપત્ર કે રાષ્ટ્રીયતાનું પ્રમાણ ઝડપથી, સરળ અને વધુ સલામત રીતે ઉપલબ્ધ કરાવશે.

આ સૉફ્ટવેર પ્રદર્શિત કરતી વખતે રાઝી અનવરે દર્શાવ્યું કે તેમણે વિકસાવેલા સૉફ્ટવેરની મદદથી કઈ રીતે વિદ્યાર્થીઓની માહિતી આયાત કરી તેને મામલતદારો ઑનલાઇન જોઈ શકે છે, તેના પર ડિજિટલી હસ્તાક્ષર કરી શકે છે અને પછી તેમની સંબંધિત શાળાઓ અને કૉલેજો દ્વારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરિત કરી શકે છે.

આ આખી કામગીરી ઑનલાઇન જ થાય છે. જેથી કોઈને કચેરીના ધક્કા નથી ખાવા પડતા. વળી, મામલતદારનું કામ પણ સરળ બની જાય છે.

આ કામ કરવાની પદ્ધતિ આ મુજબ છે. શાળા કે કૉલેજની કોઈ અધિકૃત વ્યક્તિએ આ સૉફ્ટવેરની મદદથી વિદ્યાર્થીઓની માહિતી મેળવવી પડે, વિદ્યાર્થીઓની યાદીની મુદ્રિત નકલ કાઢી તેના પર એવું લખાણ લખવાનું કે આ યાદીમાંના વિદ્યાર્થીઓ તેની શાળા કે કૉલેજમાં નોંધાયેલા છે અને સાચા જ છે તે લખાણ પર સહી અને સિક્કો મારવાના અને પછી વધુ ચકાસણી માટે મામલતદારને તે માહિતી મોકલી દેવા માટે એક બટન પર ક્લિક કરવાનું.

હવે કામ આવે છે મામલતદારનું. તે પોતાની આઈ. ડી. અને પાસવર્ડનો ઉપયોગ કરી સૉફ્ટવેરમાં દાખલ થશે, ઑનલાઇન પ્રાપ્ત વિદ્યાર્થીઓની યાદી ચકાસશે જેમાં શાળાના અધિકારીઓએ સહી સિક્કા કર્યા છે અને પછી ડિજિટલી પ્રમાણપત્રો પર એક પછી એક સહી કરશે. તેને જો સંતોષ થાય તો તે એક સાથે પણ સહી કરી શકે છે.

જો મામલતદારને કોઈ વિદ્યાર્થીની માહિતી બાબતમાં કોઈ શંકા લાગે અથવા જો કોઈ તેને સંલગ્ન દસ્તાવેજમાં એરર આવે કે તે અપૂર્ણ હોય તો મામલતદાર આવી માહિતીને સંબંધિત શાળા અને કૉલેજમાં પોતાની નોંધ સાથે પાછી મોકલી શકે છે.

Malegaon Prant and Tahsildar Office

આ સૉફ્ટવેર બનાવવાનો વિચાર કેમ આવ્યો તે જણાવતા રાઝી કહે છે કે જ્યારે તેમણે માલેગાંવ મામલતદાર કચેરીની મુલાકાત થોડા મહિના પહેલાં કોઈ કામસર લીધી ત્યારે તેમને આ વિચાર આવ્યો. દરેક મુલાકાતમાં તેમને લાગ્યું કે મામલતદાર પ્રમાણપત્રો પર સહી કરવામાં જ લાગેલા હોય છે. આ કામ તેમનો ઘણો સમય ખાઈ જાય છે. જો આ સમય બચે તો તેમનો સમય બીજા અનેક વહીવટી કાર્યમાં લગાવી શકાય.

બીજી તરફ ઘણાં માતાપિતા બિચારા અભણ હોય છે અથવા તો ભણેલા હોય તો પણ આ પ્રમાણપત્રો મેળવવાની સાચી પ્રક્રિયા જાણતા નથી હોતા. આવા લોકોનો લાભ વચેટિયા ઉઠાવે છે અને પ્રમાણપત્રો મેળવી આપવા માટે મોટી રકમ લે છે અને તેના પરિણામે મામલતદારોને પણ લાંચ આપે છે.

રાઝીભાઈનું જો આ સૉફ્ટવેર સરકારના ગળે ઉતરી જાય તો અધિકારીઓનો તો કિંમતી સમય બચશે જ પરંતુ સાથે ગરીબ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર મેળવવા લાંચ વગેરે નહીં આપવી પડે. આ પ્રમાણપત્રો નજીવી રકમ આપીને જ મેળવી શકશે.

રાઝીભાઈ કહે છે કે તેમણે સરકારી અધિકારીઓની હાજરીમાં જે. એ. ટી. કૉલેજના વિદ્યાર્થીઓના સંદર્ભે આ સૉફ્ટવેર સફળ રીતે ચલાવી બતાવ્યું છે. અધિકારીઓના કહેવા પ્રમાણે, તેમણે કેટલાક ફેરફારો પણ કર્યા છે જેથી સૉફ્ટવેર વધુ સુવિધાજનક બને અને સલામત પણ બને. કોઈ તેનો અધિકાર વગર ઉપયોગ ન કરી શકે.

માલેગાંવના મામલતદાર અજય મોરેને પણ આ સૉફ્ટવેર લાગ્યું છે તો ઉપયોગી. તેઓ કહે છે કે તેનાથી મામલતદારો પર કામનો બોજો ઘણો ઘટી જશે.