આ મોબાઇલની ઍપ દ્વારા શીખો ઘરે બેઠાં સંગીત

ળાકાર કોઈ પણ બની શકે છે અને દરેક વ્યક્તિમાં વધતાઓછા અંશે કળાકાર રહેલો હોય છે. ગાયન, વાદ્ય વગાડવું, ગીત રચવું આ બધું લગભગ દરેક વ્યક્તિ થોડી ઘણી હદે જાણતો જ હોય છે. છેવટે વ્યક્તિ બાથરૂમ સિંગર તો હોય જ છે. જો વ્યક્તિને શીખવાની તક મળે તો તે વ્યક્તિ સંગીતમાં પ્રાથમિક રીતે તો આગળ વધી જ શકે છે.ભારતમાં ગીત-સંગીતનું જન્મથી લઈને મરણ સુધી મહત્ત્વ રહેલું છે. જન્મતાં વેંત માતાનાં હાલરડાં સાંભળીને બાળક મોટું થાય છે. મોટા બહેન કે ભાઈ ફિલ્મનાં ગીતો ગાઈને નાના ભાઈ-બહેનનું મનોરંજન કરે છે. તો શાળામાં કવિતા ગવડાવવામાં આવે છે. અરે! ઘડિયા કે બીજી કોઈ ચીજ જો ગાઈને યાદ કરાવવામાં આવે તો કાયમી યાદ રહી જતું હોય છે તેવા ઘણાના અનુભવ છે.

અત્યારે મોબાઇલનો અને ઇન્ટરનેટનો જમાનો છે. બધાને ઘણી બધી વસ્તુ હાથમાં સમાતા મોબાઇલમાંથી મળી જાય છે. કસરત કેટલી કરી, પાણી કેટલું પીધું, સ્કૂલમાં શીખવાડાતા પાઠો, હાલરડાં, યોગ્ય દવા, બેન્ક, ફિલ્મની ટિકિટ બુક કરાવવી કે બહાર જવા માટે ટૅક્સી કે બસ કે રેલવે બુકિંગ કરાવવી વગેરે ઘણું બધું મોબાઇલમાંથી મળી રહે છે. ત્યારે સંગીત કેમ બાકાત રહી જાય?

સંગીત શીખવું હોય તો મોબાઇલ પણ તમારા ગુરુની ભૂમિકા ભજવી શકે છે. જી હા, તમે બિલકુલ સાચું વાંચ્યું. મોબાઇલમાં કેટલીક ઍપ એવી છે જેની મદદથી તમે સંગીત શીખી શકો છો. આવો, આજે આવી કેટલીક ઍપ વિશે વાત કરીએ.

૧. રિફસ્ટેશન (Riffstation)

કેટલાક લોકો ઉદાહરણ દ્વારા સારી રીતે સમજી શકે છે. તમને યાદ હશે કે ભૂતકાળમાં જ નહીં, આજે પણ ઘણા બધા બુકસ્ટૉલ પર ‘ગિટાર શીખો માત્ર સાત દિવસમાં’ જેવાં નાનાં પુસ્તકો મળે છે. આ પુસ્તકો વાંચીને ગિટાર કેટલું શીખી શકાય તે હંમેશાં ચર્ચાનો વિષય રહ્યો છે. રિફસ્ટેશન ઍપ જેના વેબસાઇટ અને ડેસ્કટૉપ ઍપ જેવાં રૂપો પણ છે, તે તમને ટૂંક સમયમાં તમારાં મનપસંદ ગીતો ગિટાર પર કેવી રીતે વગાડવા તે શીખવી શકે છે. (મોટા ભાગના સંગીત શિષ્યોનો પહેલો ઉદ્દેશ્ય ગીત વગાડતા શીખવાનું જ હોય છે અને જો તે ન શીખવા મળે તો નિરાશ થઈ સંગીત શીખવાનું પડતું પણ મૂકી દેતા હોય છે કારણકે આજના જમાનામાં લાંબી સાધના કરવાની કોઈની તીવ્ર ઈચ્છા અને સમય નથી હોતા.) તે યૂટ્યૂબ પરના વિડિયો સાથે તાલમેળ બેસાડે છે. તમે આ વિડિયો સાથે તમારા ગિટાર પર વગાડી શકો છો, જોકે તેનો આધાર રેકોર્ડિંગમાં ગિટાર ટ્રેક કેટલા સ્પષ્ટ છે તેના પર છે. પની અંદર તમે ગીતની ગતિ વધારી કે ઘટાડી શકો છો, મેટ્રોનૉમ ઉમેરી શકો છો અને ગિટાર, યુક્યુલેલે, પિયાનો અને મૅન્ડૉલિનમાંથી ગમે તે પર ગીત શીખી શકો છો. જો તમને લાગે કે તમે ગીત શીખી ગયા છો પરંતુ તે તમારા માટે રાઇટ કી નથી, તો તમે વર્ચ્યુઅલ કેપો સાથે ગીતની કી પણ બદલી શકો છો

૨. સિમ્પલી પિયાનો ( Simply Piano)

જૉય ટ્યૂનની સિમ્પલી પિયાનો એપ તમને તમારા સ્માર્ટ ફૉન કે આઈપેડ પર માઇક્રૉફૉનનો ઉપયોગ કરીને કઈ રીતે પિયાનો વગાડી શકાય તે શીખવે છે. જો તમે ઉપરાઉપરી ઘણી બધી ભૂલો કરો તો તે તમને અભ્યાસ પ્રકાર (પ્રૅક્ટિસ મૉડ)માં મૂકી દે છે જ્યાં સંગીત ધીમું હોય છે અને મેટ્રૉનૉમ ટિક થાય છે. આ ઍપ તમને તમારા પસંદ મુજબ સ્વ અભ્યાસ કરવા આપે છે અને તમારી પ્રગતિની નોંધ રાખે છે.

૩. વેનિડૉ ( Vanido)

આને સનેડો સાથે ભૂલથી ન સમજી બેસતા! આ તો મજાકની વાત થઈ. આ ઍપ તમારાં બાળકોને આત્મવિશ્વાસ સાથે ગાવાનું શીખવે છે. તેમાં કંઠ્ય પાઠો આપેલા હોય છે. વેનિડૉ તમારા ફૉનના માઇક્રૉફૉનનો ઉપયોગ તમારી પિચ સાંભળવા કરે છે, જેનાથી તમને તરત જ તમે કેટલા બરાબર ગાવ છો તેનું મૂલ્યાંકન મળી જાય છે. તે તમને સ્વ અભ્યાસ માટે પાઠો આપે છે.

૪. ટેનુટો (Tenuto)

ટેનુટો તમને સંગીતના પાઠ (થિયરી) નથી શીખવાડતી પરંતુ તમે જે શીખેલા છો તેને વધુ સારું કેવી રીતે બનાવી શકાય તે માટે આ ઍપ ખૂબ જ સારી છે. આ ઍપ નૉટ (સૂર), કૉર્ડ (તાર), ઇન્ટરવલ અને સ્કેલ માટે કાનનું પ્રશિક્ષણ આપતા પાઠો આપે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]