ચાલતાં વાહનના સારા ફોટા કઈ રીતે પાડવા?

વિષય બધાને રસ પડે તેવો છે કારણકે આજકાલ ફોટા પાડવાનું બધાને ગમે છે. યાદગીરી રહે તે કોને ન ગમે? પરંતુ તમે કોઈક વાહન ચાલતું હોય અને તેના ફોટા પાડવા જાવ તો તે ધૂંધળા જ આવે. ચોખ્ખાંચણાક નહીં. તેમાં કંઈ દેખાય નહીં. અને હવે તો વ્યાવસાયિક ફોટોગ્રાફરો તેમજ મૉડેલિંગનું પ્રમાણ ઘણું વધી ગયું છે. જાહેરખબરો પણ ઘણી વધી છે, ત્યારે જાહેરખબરોમાં એક પ્રકાર ચાલુ વાહનનો ફોટો પાડવાનો પણ હોઈ શકે.

અને માનો કે વ્યાવસાયિક ફોટોગ્રાફરો કે જાહેરખબરોની વાત જવા દઈએ તો પણ આજકાલ યુવાનો-યુવતીઓને તેમના પૂરપાટ ગતિએ જતા વાહનનો પોતાના દ્વારા જ ઉતારાયેલો વિડિયો સૉશિયલ મિડિયા પર પોતાના યાર-દોસ્તોને બતાવવાનો ઘણો શોખ હોય છે. જોકે આવું ચાલુ વાહને કરવું જોખમી છે. તો કોઈનું વાહન જઈ રહ્યું હોય તે વખતે કોઈ ફોટોગ્રાફર ફોટો પાડવા જાય તે પણ જોખમી જ છે. વળી, જો એ વ્યાવસાયિક કામ અને જેનો ફોટો પડાઈ રહ્યો હોય તેની પરવાનગી સાથેનું હોય તો ઉચિત છે, નહીંતર અનુચિત ગણાય.

આવા ઉચિત કામ માટે જ અમે તમને જણાવી રહ્યા છે કે ચાલુ વાહન પર કોઈ જતું હોય તો તેનો ફોટો કઈ રીતે પાડવો. જર્મનીના એકે મેગેઝિને ડૉનાલ્ડ મિરાલ નામના આવા જ એક વ્યાવસાયિક ફૉટોગ્રાફરનો હાર્લિ ડેવિડસન બાઇકની નવી શ્રેણી માટે તસવીરો ખેંચવા સંપર્ક કર્યો. કેલિફૉર્નિયા સ્થિત વ્યાવસાયિક ફૉટોગ્રાફર તો આ કામથી રોમાંચિત થઈ ગયો. તેણે ચાલુ બાઇકનો ફૉટો પાડ્યો. કઈ રીતે?

મિરાલ કહે છે, “મારે એવો ફોટો પાડવો હતો જે અત્યાર સુધી કોઈએ ન પાડ્યો હોય.” તે કહે છે, “મને આમાં ભલે પૂરી સફળતા નથી મળી પરંતુ મારો પોતાનો દૃષ્ટિકોણ આમાં દેખાય છે.” મિરાલે તેના કેમેરાને હાર્લી બાઇક સાથે સુરક્ષિત ક્લેમ્પના સેટ અને મેનફ્રૉટ્ટો મેજિક આર્મ સાથે જોડી દીધો. તે બાઇકથી થોડા આગળ બેસીને તેણે પૉકેટવિઝાર્ડ પ્લસ ટુ ટ્રાન્સ્કેવેર્સની જોડીથી શટરનો ઉપયોગ કર્યો.

હવે જો તમે વ્યાવસાયિક ફૉટોગ્રાફર હો અને તમારે આ પ્રકારની ફૉટોગ્રાફી કરવી હોય તો તેની પ્રક્રિયા વિધિવત્ અહીં બતાવીએ છીએ. પરંતુ ઉપર કહી તે શરતો યાદ રાખવી જરૂરી છે. આના માટે બે મેન્ફ્રૉટ્ટો મેજિક આર્મ્સ અને ત્રણ સુપર ક્લેમ્પનો મિરાલે ઉપયોગ કર્યો હતો જેના દ્વારા તેના કેનન ઇઓએસ-૧ડીએસ અને ૧૫ મિમીના ફિશઆય લેન્સને બાઇક પર જકડી રાખ્યા હતા. પહેલું પગથિયું છે એ છે કે ફૂલ ફ્રેમ કેમેરાથી બહોળો ફૉટો આવે છે. બાઇક અને તેની પૃષ્ઠભૂમિ બંને દૃશ્યને પૂરેપૂરું ઝડપવા મિરાલે ૧૫ મિમી એફ/૨.૮ કેનન ઇએફ ફિશઆય લેન્સનો ઉપયોગ કર્યો.

ગતિમાન દૃશ્યને પકડવા માટે ધીમી શટર ગતિ જરૂરી છે. આના માટે છાયામય (શૅડી) સ્થળો પસંદ કરવાં જોઈએ. મિરાલે ઝાડવાંથી મળતી દૃશ્યાત્મક સંરચનાનો ઉપયોગ કર્યો. પરંતુ જો વધુ સ્પષ્ટતા જોઈતી હોય તો લીસા રસ્તાઓ પસંદ કરવા જોઈએ તેમ પણ તે કહે છે.

મિરાલે બે મેનફ્રૉટ્ટો સુપર ક્લેમ્પને બાઇકના આગળના ફૅન્ડર રેઇલ સાથે જોડ્યાં. તે પછી તેમણે બે મેનફ્રૉટ્ટો મેજિક આર્મ્સને સુપર ક્લેમ્પ સાથે જોડ્યા. કેમેરાના એક આધારને તેમાં જોડ્યો અને બીજાને બીજા સુપર ક્લેમ્પ સાથે જોડ્યો. છેવટે તેમણે બાઇક સાથે જોડેલા સલામતી વાયરનો ઉપયોગ કરી સુરક્ષાને સુનિશ્ચિત કરી.

ગતિમાન દૃશ્યને સુંદર રીતે ઝડપવા માટે લાંબું શટર જોઈએ. જોકે જો તેનો સમયગાળો વધુ લાંબો રાખો તો પછી દૃશ્ય ધૂંધળું આવવાની શક્યતા રહે છે. શ્રેષ્ઠ સમયગાળો ૧/૧૦થી ૧/૩૦ સેકન્ડનો ગણાય છે. મિરાલનું કામ સરળ નહોતું. તેમને સેંકડો ફોટા પાડવા પડ્યા અને બે દિવસ તેના માટે લાગ્યા ત્યારે એક સુંદર તસવીર મળી શકી. વ્યાવસાયિક ફૉટોગ્રાફર બનવું આમ પણ સરળ નથી. તેના માટે પણ મહેનત જોઈએ. બેચાર ફૉટા આમથી તેમ ખેંચવાથી વ્યાવસાયિક ફૉટોગ્રાફર બની જવાતું નથી. તેના માટે આધુનિક કેમેરાની સાથોસાથ તે કેમેરાનો ઉપયોગ કઈ રીતે કરવો તે ટૅક્નૉલૉજીનું જ્ઞાન હોવું પણ અત્યંત જરૂરી છે, ખરું કે નહીં દોસ્તો?

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]