આ છ ઍપથી તમારા મોબાઇલને રાખો છેટો

સ્માર્ટ ફૉનમાં બધું સ્માર્ટ થવા માંડ્યું. પણ આપણને સંતોષ પડતો નથી. આથી વારંવાર ગૂગલ પ્લે સ્ટૉરમાં જઈને આપણે નવી નવી ઍપ વિશે જોતા હોઈએ છીએ. તેમાંથી ફ્રી ઍપ હોય તો તેને ઇન્સ્ટૉલ કરીને એક વાર તો પરીક્ષણ કરી જ લેતા હોઈએ કે ઍપ કેવી છે.જો ફૉન હૅંગ થવા લાગે તો ઍપ અનઇન્સ્ટૉલ કરી નાખીએ. પરંતુ નવું અને ખાસ તો ફ્રી હોય તેને અજમાવવાની લાલચથી આપણી જાતને આપણે રોકી શકતા નથી. પરંતુ ઘણી વાર આવી ફ્રીની માનસિકતા નુકસાનદાયક પણ હોય છે. શું મફતમાં મળે એટલે દારૂ કે ડ્રગ્ઝનો નશો કરવો જોઈએ? નહીં ને. આવું જ ટૅક્નૉલૉજી બાબતે પણ છે. નવી કઈ કઈ ઍપ લૉંચ થાય તેની માહિતી તો ઘણા આપે છે, પરંતુ અમે તમને આપીએ છીએ એવી ઍપ વિશેની માહિતી કે જે તમારા ફૉન માટે ખતરારૂપ છે. જી હા, સાચું જ વાંચ્યું. તમે ચકાસવા પણ ઍપ ઇન્સ્ટૉલ કરો તો તમારા ફૉન માટે જ નહીં, પરંતુ તમારા ખિસ્સા માટે પણ આ ઍપ જોખમી હોઈ શકે છે.

કઈ છે આવી ઍપ? આવી છ ઍપ વિશે આજે અમે તમને જણાવીએ છીએ. આ ઍપ વિશે જાણો અને તેને ડાઉનલૉડ કરવાનું કે ઇન્સ્ટૉલ કરવાનું ટાળો. જો તમારા ફૉનમાં તે હોય તો તેને તમારા ફૉનમાંથી અનઇન્સ્ટૉલ કરી તમારા ફૉન અને ખિસ્સાને સલામત કરી લો.

Smart Swipe

આ ઍપ તમને ગૂગલ પ્લે સ્ટૉર પર સરળતાથી મળી જશે, પરંતુ આ ઍપ ભૂલેચૂકેય તમે ડાઉનલૉડ ન કરતા. જો તમારા ફૉનમાં હોય તો તેને તરત જ તમે અનઇન્સ્ટૉલ કરી નાખો. આ ઍપને સિક્યૉરિટી ફર્મ ટૅક પૉઇન્ટે માલવૅરની શ્રેણીમાં રાખી છે. આ ઍપને અત્યાર સુધીમાં એક લાખથી વધુ વાર ડાઉનલૉડ કરવામાં આવી છે.

Real time Booster

આ ઍપને ગૂગલે જ પ્લે સ્ટૉરમાંથી હટાવી દીધી છે કારણકે તે માલવૅર હોવાનું મનાય છે. પરંતુ જો તમારા ફૉનમાં આ ઍપ હોય તો તેને ફટાફટ હટાવો. આ ઍપ તમારી અંગત જાણકારી લીક કરી શકે છે.

File Transfer Pro

આ ઍપને વિશે ચૅક પૉઇન્ટે માલવૅર હોવાની આશંકા વ્યક્ત કરી છે. હકીકતે આ ઍપ શૅર ઇટ જેવી જ છે પરંતુ તે તમારો ડેટા લીક કરી શકે છે. તેથી આ ઍપથી દૂર રહો તેમાં જ તમારું હિત રહેલું છે.

Brightest LED Flashlight-Torch

કેટલાક લોકો ઈચ્છે કે તેમના ફૉન પર કૉલ આવે ત્યારે એલઇડી ફ્લૅશ લાઇટ થાય, પરંતુ તેમને ખબર નથી કે આ પ્રકારની એપ તમારી જાસૂસી કરે છે. આ પહેલી વાર નથી જ્યારે આ પ્રકારની ઍપને સિક્યૉરિટી કંપનીઓએ ડાઉનલૉડ કરવા સામે સલાહ આપી છે. આ પહેલાં પણ અનેક વાર ચેતાવણી જાહેર થઈ છે.

Free WiFi Pro

અનેક લોકો એવા પણ છે જે હંમેશાં ફ્રી વાઇફાઇની શોધમાં રહે છે. બીજાના વાઇફાઇ ફ્રી વાપરવા મળે તો કોને ન ગમે? પોતાનો ડેટા અને પૈસા બંને બચે. આમેય કેટલાક લોકોની માનસિકતા મફત વાપરવાની જ હોય છે. આવા લોકો પોતે તો આ પ્રકારની ઍપને ડાઉનલૉડ કરે જ છે, પરંતુ મિત્રોને પણ આના વિશે કહે છે. પરંતુ આ ઍપ પણ નુકસાનકારક છે. કહે છે કે ને કે લોભીનું ધન ધુતારા ખાય.

Call Recorder

સામાન્ય રીતે આપણે ફૉન રેકોર્ડ કરવા માટે કૉલ રેકૉર્ડર ઍપની મદદ લેતા હોઈએ છીએ પરંતુ આ ઍપ સલામતીની રીતે બરાબર નથી. તે તમારા ફૉન તો રેકૉર્ડ કરે જ છે, સાથે તે આ રેકૉર્ડિંગને ત્રાહિત વ્યક્તિ, કંપની વગેરેને મોકલી શકે છે. તમારી અંગતતા જો તમને પ્રિય હોય તો તમારે આ પ્રકારની ઍપથી બચવું જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]