માત્ર મનમાં વિચારીને કમાન્ડ આપો!

શું તમને ખબર છે કે તમારું મોઢું તમારા હોઠ ફફડતાં હોય કે ન ફફડતાં હોય, તમે તમારી જાત સાથે વાત કરતા હો છો?

તમે આ શબ્દો વાંચી રહ્યા છો ત્યારે તમારા ચહેરાના, જડબાના સ્નાયુઓ ઝડપી હિલચાલ કરી રહ્યાં છે અને શબ્દોને અવાજેરૂપે બોલતા હોય છે જેથી તમે તેને મનમાં સાંભળી શકો છો. આ રીતે મૂંગી ભાષાને ‘સબનૉકલાઇઝેશન’ કહે છે. તમે રોજ આ કરો જ છો સિવાય કે તમને ઝડપી વાંચવાની ટેવ હોય.

હવે એમ.આઈ.ટી.ના સંશોધકો આ ‘સબનૉકલાઇઝેશન’નો ઉપયોગ કરીને તમારા આંતરિક સંવાદોને ઓળખવા અને તેને તમારા ડિજિટલ કમાન્ડમાં પરિવર્તિત કરવા માંગે છે. આ માટે એક ઉપકરણ બનાવવામાં આવ્યું છે જે પહેરી શકાય તેવું છે.આ ઉપકરણ અૉગમેન્ટેડ ઇન્ટેલિજન્સ શ્રેણીમાં આવે છે. તે એક હેડસેટ છે. તેનું નામ ‘ઑલ્ટર ઇગો’ રાખવામાં આવ્યું છે.

એમ.આઈ.ટી મીડિયા લૅબ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન મુજબ, આ ઉપકરણથી વપરાશકારો હેડસેટને કોઈ શબ્દ માત્ર વિચારીને જ કમાન્ડ આપી શકશે. અત્યાર સુધી કમ્પ્યૂટર કે મોબાઇલમાં બોલીને કમાન્ડ આપી શકાતા હતા પરંતુ આ એક પગલું આગળ છે જેમાં હવે તમે માત્ર મનમાં વિચારીને કમાન્ડ આપી શકશો.
આ કેવી રીતે શક્ય બનશે? તો તેનો જવાબ એ છે કે આપણા શરીરમાં ચેતાઓનું એક જાળું રહેલું છે. ચેતાઓનું આ નેટવર્ક સ્નાયુઓનુ હલનચલનને વાણીમાં પરિવર્તિત કરી દે છે. અને પરિણામે વપરાશકાર એક શબ્દ બોલ્યા વગર કે ટાઈપ કર્યા વગર પોતાનું કામ કમ્પ્યૂટર કે મોબાઈલ પાસે કઢાવી શકશે.

તમને જાણીને આનંદ થશે કે આ કામમાં એક ભારતીયનું પ્રદાન પણ છે. એમ.આઈ.ટી. મિડિયા લૅબમાં ગ્રેજ્યુએટ વિદ્યાર્થી અર્નવ કપૂર છે. તે કહે છે કે આની પાછળની પ્રેરણા એક આઈ.એ. ઉપકરણ બનાવવાની હતી જે ઇન્ટેલિજન્સ ઓગમેન્ટેશન ઉપકરણ હોય. અર્નવ કપૂર આ ઉપકરણનું વર્ણન કરતાં સંશોધન પત્રના અગ્રણી લેખક છે. તેમણે કહ્યું કે અમારો વિચાર એવો હતો કે શું આપણે એવી એવો ગણના મંચ એટલે કે કમ્પ્યૂટર પ્લેટફૉર્મ બનાવી શકીએ જે બધું આંતરિક હોય, જે માનવ શરીર અને મશીનમાં પણ ભળી જાય અને જે આપણી ચેતા પ્રણાલીનું એક બાહ્ય વિસ્તરણ લાગે?

આ સમાચાર યાદીની સાથે એક વિડિયો પણ મૂકવામાં આવ્યો છે. તેમાં અર્નવ કપૂરને આ હેડસેટ પહેરીને રોજનાં કામો કરતા બતાવવામાં આવ્યા છે. આ હેડસેટ પહેરીને તે મનમાં વિચારીને ટીવીનું મેનુ બદલાવી શકે છે, તે સમય જોઈ શકે છે. ઉપરાંત સુપર માર્કેટના ભાવોનો સરવાળો કરી શકે છે અને રમત પણ રમી શકે છે.

આ કેવી રીતે શક્ય બને? માનો કે તમારે ઑલ્ટર ઇગોને પૂછવું છે કે શું સમય થયો છે? આ માટે પહેલાં તમે જે શબ્દ વિચારશો કે શબ્દ છે સમય અથવા ટાઇમ. તમે આ વિચારતો ત્યારે તમારા ચહેરા અને જડબાના સ્નાયુઓ એકદમ સૂક્ષ્મ હિલચાલ કરશે અને તે શબ્દ કોઈને ન સંભળાય તેમ બોલશે અને તે માથાને પહોંચાડશે. તમારા ચહેરા સામે દબાયેલા ઓલ્ટર ઈગો હેન્ડસેટની અંદરની બાજુએ રહેલા ઇલેક્ટ્રોડ આ હિલચાલને નોંધશે અને પછી તેને બ્લુટૂથ મારફતે એક બાહ્ય કમ્પ્યૂટરને મોકલશે. ચેતાઓનું નેટવર્ક આ સંકેતોને એ જ રીતે સંસ્કૃત કરશે જે રીતે સ્પીચ ટૂ ટૅક્સ્ટ પ્રૉગ્રામ કરે છે અને તમને તેનો જવાબ મળશે-“૮”.

ઓલ્ટર ઈગોમાં ઇયરબડ આવતાં નથી. તેમાં બૉન કન્ડક્શન હૅડફૉન આવે છે જે તમારા માથા પર રહેલા હોય છે અને તે તમારા ચહેરાનાં હાડકાં દ્વારા કંપનો તમારા અંદરના કાનમાં મોકલે છે જેના કારણેે તમે ઓલ્ટર ઇગોનો પ્રતિભાવ તમારા મગજની અંદર સાંભળી શકો છો. આમ તમારી અને કમ્પ્યૂટર વચ્ચે એક મૂંગી વાતચીત થાય છે. જે રીતે મૂંગાબહેરા વાત કરતા હોય તે કરતાં પણ આ રીત એક પગલું આગળ છે કારણકે મૂંગાબહેરાને તો વાત કરવા ઈશારાની જરૂર પડે છે જ્યારે આમાં ઈશારાની પણ જરૂર પડતી નથી. આમાં તમારે ન તો હાથનો ઉપયોગ કરવાનું છે કે ન તો બોલવાનું છે.

આ માત્ર કાગળ પર લખાયેલી વાત નથી તેનું પરીક્ષણ પણ થયેલું છે અને આ ટૅક્નૉલૉજીનું શરૂઆતનું પરીક્ષણ આશાસ્પદ પરિણામો બતાવે છે.

એક નાનકડા અભ્યાસમા ૧૦ સ્વયંસેવકો યાદેચ્છિક ક્રમમાં ગોઠવાયેલા ૭૫૦ આંકડાઓને વાંચે છે અને તેમણે ઓલ્ટર ઇગો હેડસેટ પહેરેલા છે. સંશોધકોનો દાવો છે કે સહભાગીઓએ જે આંકડા વાંચ્યા તે આંકડાનું અર્થઘટન ઓલ્ટર ઇગોએ ૯૨ ટકાની સરેરાશ ચોકસાઈથી સાચી રીતે કર્યું છે.