આ પણ સૉશિઅલ મીડિયા ઍપ જ છે!

માણસનો સ્વભાવ જ છે કે તેને સમાજમાં રહેવું ગમે છે, તેમાં પોતાનો દેખાવ, પોતાની સંપત્તિ, પોતાનો પરિવાર સુખી હોય તેવું બતાવવું ગમે છે. પોતે શું વિચારે છે તે કહેવું ગમે છે. બીજા શું કરે છે, તે જાણવું ગમે છે. આ સ્વભાવને જાણીને જ ટૅક્નૉલૉજીની દુનિયામાં સૉશિયલ નેટવર્કિંગ વેબસાઇટ અને પછી ઍપ બનાવવામાં આવી જેને ટૂંકમાં આપણે સૉશિયલ મિડિયા કહીએ છીએ.જોકે મોટા ભાગના લોકને જો સૉશિયલ મિડિયાનું પૂછવામાં આવે તો ફેસબુક અને વૉટ્સએપ એ બે નામો જ તેઓ બોલશે. વધુ પૂછાતાં બહુ બહુ તો ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને લિંક્ડ ઇન કદાચ બોલશે. પરંતુ આ ચાર વેબસાઇટ કે ઍપ એ જ સૉશિયલ મિડિયા નથી. હકીકતે તો સૉશિયલ મિડિયામાં ૬૦થી વધુ વેબસાઇટ કે ઍપનો સમાવેશ થાય છે. આજે આપણે તેમાંની કેટલીક વિશે જાણીએ. ફેસબુક, વૉટ્સએપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને લિંક્ડ ઇન વિશે તો તમે જાણો જ છો. એ સિવાયની ઍપ કે વેબસાઇટ વિશે વાત કરીએ.

૧. ક્યૂક્યૂ (qq)

ટૅન્સેન્ટ ક્યૂક્યૂ (જે ક્યૂક્યૂ તરીકે વધુ જાણીતી છે) તે તરત મેસેજ કરવા માટેની ઍપ છે. તે ૮૦થી વધુ દેશોમાં વપરાય છે. પરંતુ તેની શરૂઆત ચીનથી થઈ હતી. તેમાં સંદેશાઓ, વિડિયો કૉલ, અવાજવાળી વાતચીત કરી શકાય છે. તેમાં તમારી ચૅટનો અનુવાદ કરવા માટે ટ્રાન્સ્લેટર પણ છે.

૨. વીચૅટ (WeChat)

આ વૉટ્સએપ જેવી જ એક ઍપ છે. તે ચીનની ટૅન્સેન્ટ કંપનીએ જ બનાવી છે. વીચૅટના વપરાશકારોની સંખ્યામાં જબરદસ્ત વધારો થઈ રહ્યો છે.

૩. ક્યૂઝૉન (QZone)

ક્યૂક્યૂ અને વીચૅટની જેમ ક્યૂઝૉન ટૅન્સેન્ટે જ બનાવી છે. તેમાં તમે તસવીરો મૂકી શકો, વિડિયો જોઈ શકો, બ્લૉગ લખી શકો, ડાયરી લખી શકો.

૪. ટમ્બ્લર

યાહૂએ આ ઍપ કે વેબસાઇટને વર્ષ ૨૦૧૩માં ખરીદી લીધી છે. તે સૉશિયલ મિડિયા કમ બ્લૉગ છે. તેમાં તમે તમને ગમતી ચીજો શોધી અને તેને અનુસરી (ફૉલો) શકો છો. તેમાં તમે વિડિયો સહિત કોઈ પણ ચીજ પૉસ્ટ કરી શકો છો.

૫. ગૂગલ પ્લસ (Google +)

ગૂગલ પ્લસને તો ભૂલી જ ગયા ને? હકીકતે સૉશિયલ મિડિયાની સૌ પ્રથમ વેબસાઇટ કોઈ લાવ્યું હોય તો તે ગૂગલ હતું. ઑર્કુટ પર બધા જ હતા. પરંતુ પછી તે બંધ થયું અને ફેસબુકે મેદાન મારી લીધું. ઑર્કુટની જગ્યાએ ગૂગલ કંપની ગૂગલ પ્લસ લાવી.

૬. બાઇડુ તિએબા

ચીનનું પોતાનું સર્ચ એન્જિન છે બાઇડુ. તે ગૂગલ જેવું જ છે. બાઇડુની ગૂગલ પ્લસની જેવી એક વેબસાઇટ છે બાઇડુ તિએબા. તે સૉશિયલ ફૉરમ નેટવર્ક છે. તેમાં તમે કોઈ ખાસ મુદ્દે ચર્ચા કરી શકો છો.

૭. સ્કાઇપી

સ્કાઇપી માઇક્રોસૉફ્ટની માલિકીનું છે. તેમાં તમે લોકો સાથે ફોન કરી શકો, વિડિયો કૉલ કરી શકો છો, લખાણથી સંદેશા મોકલી શકો છો.

૮. વાઇબર

આ બહુભાષીય સૉશિયલ પ્લેટફૉર્મ ૩૦થી વધુ ભાષામાં ઉપલબ્ધ છે. તેમાં તમે લખાણવાળા સંદેશા મોકલી શકો છો. તેમાં તમે ફૉટા, વિડિયો અને ઑડિયો સંદેશા મોકલી શકો છો. તેમાં તમે વાઇબર આઉટ નામની સુવિધા દ્વારા વાઇબર ન વાપરતા લોકોને પણ ફૉન કરી શકો છો.

૯. સાઇના વેઇબો

આ ખૂબ જ લોકપ્રિય માઇક્રૉબ્લૉગિંગ સૉશિયલ પ્લેટફૉર્મ ચીનની છે. તેમાં ટ્વિટર અને ફેસબુકની મિશ્ર સુવિધાઓ છે.

૧૦. લાઇન

લાઇન એ વિશ્વ ભરમાં પ્રાપ્ય સૉશિયલ નેટવર્ક છે જેમાં તમે ફૉટો મૂકી શકો છો, વિડિયો મૂકી શકો છો, લખાણવાળા સંદેશાઓ મોકલી શકો છો, ઑડિયો મેસેજ અથવા ફાઇલ પણ મોકલી શકો છો. તેમાં તમે વૉઇસ અને વિડિયો કૉલ પણ કરી શકો છો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]