PSLV રોકેટે ‘ઈસરો’ને કરાવી રૂ. 200 કરોડની કમાણી

ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ગઈ કાલે રાતે બરાબર 10 વાગ્યાને 8 મિનિટે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાસ્થિત સતિષ ધવન સ્પેસ સેન્ટરના સ્પેસ પોર્ટ ખાતેથી સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત રોકેટ – પોલર સેટેલાઈટ લોન્ચ વેહિકલ (PSLV)ની મદદથી બ્રિટનના બે કૃત્રિમ ઉપગ્રહોને અવકાશમાં લોન્ચ કર્યા હતા અને રોકેટે બંને સેટેલાઈટ્સને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં મૂકી પણ દીધા.

બ્રિટનની સરે સેટેલાઈટ ટેક્નોલોજી લિમિટેડ દ્વારા નિર્મિત બે સેટેલાઈટમાં એક છે નોવાએસ.એ.આર. (NovaSAR) અને બીજો છે S1-4. પહેલો સેટેલાઈટ 445 કિલો વજનનો હતો અને બીજો 444 કિલોગ્રામનો. બંને સેટેલાઈટ અર્થ ઓબ્ઝર્વેશન માટે બનાવવામાં આવ્યા છે.

ઈસરોની કમર્શિયલ કંપની અંતરીક્ષ કોર્પોરેશન લિમિટેડે આ કમર્શિયલ લોન્ચનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો.

પોલર સેટેલાઈટ લોન્ચ વેહિકલ (PSLV)એ ગઈ કાલે કરેલું લોન્ચિંગ 44મું હતું. આને ઈસરોના વિજ્ઞાનીઓએ સ્પેશિયલ લોન્ચ ગણાવ્યું છે, કારણ કે PSLV C42 રોકેટે બે બ્રિટિશ સેટેલાઈટ્સને અવકાશમાં મૂકીને રૂ. 200 કરોડની કમાણી કરાવી આપી છે.

પીએસએલવી રોકેટ ફર્સ્ટ લોન્ચ પેડ પરથી ધડાકા અને ધૂમાડાના ગોટેગોટા સાથે અવકાશ ભણી રવાના થયું હતું. એની પૂંછડીના ભાગેથી નારંગી રંગની જ્વાળાઓ વછૂટતી જોવા મળી હતી. રોકેટે અવકાશ ભણી પ્રયાણ કર્યા બાદ ધીમે ધીમે પોતાની ગતિ વધારી હતી. એ દ્રશ્ય જોઈને રોકેટપોર્ટ ખાતે હાજર વિજ્ઞાનીઓ તથા સંબંધિત લોકો આનંદિત થઈ ગયા હતા.

અવકાશમાં ગયાની માત્ર 18 મિનિટમાં જ રોકેટે બંને બ્રિટિશ સેટેલાઈટ્સને ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક મૂકી દીધા હતા.

ઈસરો સંસ્થાનું આ સંપૂર્ણસ્તરીય પાંચમું કમર્શિયલ લોન્ચિંગ હતું જેમાં વિદેશી કંપનીએ આખું રોકેટ ભાડે લીધું હતું. ઈસરોએ હજી સુધી કોઈ ભારતીય સેટેલાઈટને કમર્શિયલી લોન્ચ કર્યો નથી.

વિદેશી કંપનીઓમાં PSLV રોકેટની પ્રતિષ્ઠા વધી રહી છે. આ રોકેટ અત્યંત ભરોસાપાત્ર ગણાય છે અને ઈસરો સંસ્થા ખાસ વેઈટિંગ પીરિયડ કરાવ્યા વગર સમયસર લોન્ચિંગ કરી આપે છે.

આ પહેલાનાં ઓર્ડરમાં, પીએસએલવી રોકેટે બે ગ્રાહક સેટેલાઈટને 583 કિ.મી. ઓર્બિટમાં સફળતાપૂર્વક મૂક્યા હતા.

httpss://twitter.com/narendramodi/status/1041371761240154112

બ્રિટિશ કંપનીએ રાતનો સમય એટલા માટે પસંદ કર્યો હતો કે એને પોતાના સેટેલાઈટ્સને ભ્રમણકક્ષામાં ચોક્કસ સમયે મૂકવા માગતી હતી. શ્રીહરિકોટા ખાતેથી આ પહેલાં ત્રણ વાર PSLV દ્વારા રાત્રી લોન્ચ કરવામાં આવ્યા હતા.

NovaSAR સેટેલાઈટમાં રિસોર્સ મેપિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જહાજની ખોજ માટે દિવસ-રાત, એમ બંને સમયે નિહાળવાની ક્ષમતા છે. S1-4  સેટેલાઈટ પર્યાવરણ નિરીક્ષણ અને અર્બન મેનેજમેન્ટને લગતો છે.

PSLV રોકેટની ક્ષમતા 230 ટન વજનની છે અને તેની લંબાઈ 44.4 મીટર છે.

44 લોન્ચિંગમાંથી PSLV રોકેટ માત્ર બે જ વાર નિષ્ફળ ગયું છે. વિજ્ઞાનીઓ આને સારો સક્સેસ રેટ ગણાવે છે.

આ સાથે, ભારતે પીએસએલવી રોકેટ વડે લોન્ચ કરેલા વિદેશી કૃત્રિમ ઉપગ્રહોની સંખ્યા 239 પર પહોંચી ગઈ છે. ઈસરો સંસ્થાએ અત્યાર સુધીમાં 29 દેશોના 239 સેટેલાઈટ્સને લોન્ચ કરી બતાવ્યા છે.

અંતરિક્ષ કોર્પોરેશનના ચેરમેન-કમ-મેનેજિંગ ડાયરેક્ટર એસ. રાકેશે કહ્યું કે અમારી પાસે રૂ. 980 કરોડના ઓર્ડર બુક થઈ ગયા છે. વર્તમાન તથા આગામી નાણાકીય વર્ષમાં રૂ. 500-600 કરોડના કોન્ટ્રાક્ટ્સ પૂરા કરવાનું નિર્ધારિત છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]