દાઝી ગયાનાં નિશાન છે? દિલ્હીના આઈઆઈટીની આ શોધ કામ લાગશે

દાઝી ગયા પછી કે સૂર્યનાં કિરણો થકી ઘણી વાર નિશાન પડી જાય છે અને કાયમી પણ રહી જાય છે. સુંદરતામાં આવાં નિશાન બાધારૂપ હોય છે. ગરમી, સૂર્યનાં કિરણો, અન્ય કિરણોત્સર્ગ, કે રાસાયણિક કે ઇલેક્ટ્રિક સંપર્ક વગેરેના કારણે આવાં નિશાન પડી જતાં હોય છે. તે નાની તબીબી સમસ્યાથી લઈને જીવલેણ સમસ્યા હોઈ શકે છે. જોકે ભારતમાં તેનું આશાનું કિરણ દેખાયું છે. દિલ્લીની આઈઆઈટીના વિદ્યાર્થીઓએ મળીને એક એવી પટ્ટી તૈયાર કરી છે જે દાઝ્યાના નિશાનની સારવાર માટે રામબાણ સાબિત થઈ શકે છે.

જી હા, સામાન્ય રીતે આપણે સાંભળીએ છીએ કે વિદેશમાં ફલાણી શોધ થઈ, પરંતુ હવે ભારતમાં પણ આવી શોધો થવા લાગી છે. જરૂર છે તેને સફળ બનાવવાની, અપનાવવાની અને વધુ પ્રચાર કરવાની. જો આમ થશે તો ભારતમાં પણ વધુ ને વધુ ટૅક્નૉલૉજી સંબંધી શોધ થશે અને માનવીનું ભલું થશે.

આઈઆઈટીના વિદ્યાર્થીઓએ જે શોધ કરીને છે તેનો ઉપયોગ બીજી કક્ષાની દાઝ્યાની ઈજા માટે થઈ શકે છે. બીજી કક્ષાની દાઝ્યાની ઈજાનો અર્થ એ છે કે એવી ઈજા જેના ઘા ઊંડા હોય છે અથવા એવા ઘાવ જે ત્વચાના બીજા સ્તર સુધી પહોંચી શકે છે. આ ચમત્કારી પટ્ટીને ગોપેન્દ્ર, આરાધના અને કીર્તિકાએ પ્રાધ્યાપકો સાથે મળીને તૈયાર કરી છે. તેની મદદથી ઘા સામાન્ય રીતે જેટલા સમયમાં ભરાય તેના કરતાં અડધા સમયમાં ભરાઈ જાય છે! આશ્ચર્યની વાત તો એ છે કે આ ઘાનું કોઈ નિશાન પણ નથી રહેતું. આ પટ્ટીનું સફળ પરીક્ષણ એઇમ્સ સાથે મળીને કરાયું છે. મેડિકલ ક્ષેત્રે કે અન્ય કોઈ ક્ષેત્રે પરીક્ષણ સફળ રહે તો જ તેના પર આગળ વધવામાં આવે છે અને તેનો સ્વીકાર થાય છે.

આ પટ્ટી કેવી રીતે કામ કરશે તે પણ જાણી લો…

આ પટ્ટીને જીલેટીનથી બનાવવામાં આવી છે. જીલેટીન આપણા સ્નાયુની પેશીઓમાં હાજર હોય છે. તેના કારણે શરીરમાં કૉલાજન વધુ પ્રમાણમાં બનશે. દાઝવાથી પડેલા ઘાના નિશાન પર તેના પ્રયોગથી નવી ત્વચા બનવા લાગે છે અને ત્વચા પર રહેલાં નિશાન ગાયબ થવા લાગે છે. કેટલાક દિવસોમાં તે સંપૂર્ણ રીતે ગાયબ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ પટ્ટીઓ અમેરિકા જેવા દેશોમાં જ મળી રહી હતી. અહીં ભારતમાં આ પટ્ટીની કિંમત સરેરાશ ૫૦ હજાર રૂપિયા છે. પરંતુ આઈઆઈટી દિલ્હીના આ તેજસ્વી વિદ્યાર્થીઓ અને લોકોની સારવાર કરવાની મહેચ્છા ધરાવતા પ્રાધ્યાપકોએ તેને બહુ ઓછી કિંમતમાં તૈયાર કરી છે. ભારતમાં આ પટ્ટી માત્ર ૫૦૦થી ૧૦૦૦ રૂપિયામાં ખરીદી શકાશે. આપણે ત્યાં કોઈ પણ ઉત્પાદન સસ્તું કેમ બનાવવું તે પણ એક આવડત છે. મંગળયાનની સવારી બહુ જ સસ્તી કિંમતમાં (રિક્ષાની મુસાફરી કરતાં પણ સસ્તું) આપણે તૈયાર કરી હતી તેવો દાવો કરાયો હતો.

મેડિકલ જર્નલમાં છપાયેલા આંકડા મુજબ, આપણા દેશમાં દર વર્ષે ૬૦થી ૭૦ લાખ લોકોને દાઝ્યાનાં નિશાન થાય છે. તેઓ આ નિશાનથી પીછો છોડાવવા જાતજાતના અખતરા કરતા હોય છે. ડૉક્ટર આગળ જાય છે. પરંતુ ઘણી વાર નિશાન જિંદગીના અંત સુધી પીછો છોડતા નથી. કેટલાક લોકોને આ નિશાન લગ્ન થવામાં કે લગ્નજીવન ચલાવવામાં નડતા હોય છે. કેટલાકને ઑફિસે કે જાહેર જીવનમાં પણ શરમ અનુભવાતી હોય છે.

ઉદાહરણ જોઈએ તો, સૌથી મોટું ઉદાહરણ ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’ના અભિનેતા પૉલ વૉકર એક કાર્યક્રમમાંથી આવતા હતા ત્યાં તેમની કાર પરથી નિયંત્રણ ગુમાવી બેઠા અને કારમાં આગ લાગી ગઈ. તેના કારણે તેઓ જીવતા ભૂંજાઈ ગયા હતા.

’ન્યૂ ટ્રિક્સ’ સ્ટાર આમન્દા બાળકી હતી ત્યારે તેના ડાબા હાથ પર ગરમાગરમ સૂપ ઢોળાઈ જતાં તે ખૂબ જ દાઝી ગઈ હતી. તેને ક્લિનિકલી ડેડ જાહેર કરાઈ હતી પરંતુ ભગવાનનો પાડ કે ડૉક્ટરો તેને બચાવવામાં સફળ રહ્યા હતા. તે હવે ચિલ્ડ્રન્સ બર્ન્સ ટ્રસ્ટની આશ્રયદાતા છે. તે ’હૉટ વૉટર બર્ન્સ લાઇક અ ફાયર’ની ઝુંબેશ પણ ચલાવે છે.