fooView ઍપ: તરત ઇચ્છિત એપમાં જાઓ

સ્માર્ટ ફૉનમાં ઘણી સુવિધાઓ આવવાના કારણે આપણી અપેક્ષા વધી ગઈ છે, અથવા બીજી રીતે કહીએ તો આપણી આંગળીઓને આપણું મગજ હવે ઓછી તસદી આપવા માગે છે. પરિણામે જેમ બને તેમ વધુ સુવિધા જોઈએ છે.

સ્માર્ટ ફૉનમાં તમે હૉમ સ્ક્રીન પર બધી ઍપ રાખી શકતા નથી. આથી તમે કેમેરા, પ્લે સ્ટૉર, ગેલેરી જેવી બેચાર ઍપ રાખો અને પછી ક્રૉમ, ફેસબુક, વૉટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, કેબની એપ, વગેરેમાં જવા માટે તમારે ઍપમાં જવું પડે છે, પછી તમે જથ્થાબંધ ઍપ હોવાથી એબીસીડી પ્રમાણે વર્ગીકૃત થયેલી ઍપમાં ત્રીજા કે ચોથા પેજમાં જશો ત્યારે વૉટ્સએપમાં જઈ શકશો. આ કામ હવે તમને કંટાળાજનક લાગતું હોય અને વારંવાર તમારે જે ઍપનો ઉપયોગ કરવો પડતો હોય તે ઍપમાં ફટાફટ જવું હોય તો તેનો ઉપાય હવે છે.કમ્પ્યૂટર કે લેપટોપમાં જેમ Alt + Tab કરવાથી તમે જે કંઈ વિન્ડૉ ખુલી હોય (દા.ત. નૉટપેડ, વર્ડ, ક્રૉમ, ફૉટોશૉપ) વગેરેમાં ફટાફટ જઈ શકો છો તેમ હવે સ્માર્ટ ફૉનમાં પણ શક્ય છે. તમારા ફૉનમાં તમે ગૂગલ પ્લે સ્ટૉરમાં જઈ ફૂવ્યૂ (fooView) નામની એક ઍપ ઇન્સ્ટૉલ કરી લો. આ ઍપ તમારા ફૉનના ઉપયોગને વધુ સરળ બનાવવા માટે છે. આ ઍપ ઇન્સ્ટૉલ કરવાથી તેનો એક આઈકૉન તમારા સ્ક્રીન પર સતત રહેશે.

આ આઈકૉનને તમે તમારી સુવિધા મુજબ સ્ક્રીન પર ડાબે, જમણે, ઉપર કે નીચે ગોઠવી શકો છો. તમે ફૉનમાં કોઈ પણ જગ્યાએ હશો, આ ફ્લૉટિંગ આઈકૉન સતત રહેશે જ. તેના પર લાંબો સમય પ્રેસ કરવાથી તાજેતરમાં તમે વાપરેલી ઍપના આઈકૉન દેખાશે. પ્રેસ છોડ્યા વગર તે ગોળાકાર ઍપના આઈકૉનમાંથી તમારે જે ઍપમાં જવું હોય તે ઍપના આઈકૉન પર ક્લિક કરવાથી તમે સીધા જ તે ઍપમાં જઈ શકશો. ઉપરાંત માનો કે તમારે હૉમ સ્ક્રીન પર જવું છે. જેમ કમ્પ્યૂટર માટે Window + d કરવાથી સીધું ડેસ્કટૉપ આવી જાય છે. તેમ આ ફૂવ્યૂના આઈકૉનને (જો આઈકૉન ડાબી બાજુ ખૂણામાં હોય તો જમણે અને જમણે હોય તો ડાબે) એક તરફ ખસેડવાથી સીધો હૉમ સ્ક્રીન આવી જશે.

આ ઉપરાંત તેમાં ઇનબિલ્ટ બ્રાઉઝર પણ આવે છે. આથી વૉટ્સએપમાં કે બીજા કોઈ મેસેન્જરમાં માનો કે કોઈ લિન્ક આવી તો તેને ખોલતી વખતે તમને વિકલ્પ મળશે કે તમારે ગૂગલ ક્રૉમમાં ખોલવું છે કે ઇન્ટરનેટ કે પછી ફૂવ્યૂમાં. આમ, ફૂવ્યૂ એક બ્રાઉઝર પણ છે. માનો કે તમે કોઈ વેબસાઇટ કે વૉટ્સએપ મેસેજમાંથી કંઈ કૉપી કર્યું (આમ તો તે ગુનો છે, પરંતુ માનો કે તમે લેખકના નામ સાથે કરો છો તો વાંધો ન હોઈ શકે) અને તેને તમે કોઈ એપમાં મૂકવા માગો છો તો તમે સિલેક્ટ કરશો ત્યાં જ ઉપર સિલેક્ટ થયેલા ભાગ સાથે શૅરનો આઈકૉન દેખાશે જેના પર ટેપ કરવાથી તમે મનગમતી ઍપમાં એટલા લખાણને મોકલી શકશો. આ લખાણનું ભાષાંતર પણ તમે મેળવી શકશો.

તમે સ્ક્રીનશૉટ ક્લિક કર્યો તો તેને ઝડપથી ક્રૉપ કરી શકશો, સર્ચ કરી શકશો. તેમાં ફાઇલ મેનેજરની સુવિધા પણ છે. એટલે તમારે ફાઇલોને મેનેજ કરવી છે તો તેના માટે ખાસ ઍપમાં જઈને માય ફાઇલ્સમાં જવાની જરૂર નથી. તમે ફ્લૉટિંગ આઈકૉન પર ક્લિક કરીને ફાઇલ મેનેજર ખોલી શકો છો. તેમાં એક કરતાં વધુ સર્ચ ઍન્જિન પણ આપેલાં છે. તેના કારણે તમે માત્ર ગૂગલના સહારે જ નથી રહેતા. તમારે કોઈ બ્રાઉઝર ખોલીને પછી જે તે સર્ચ એન્જિનની વેબસાઇટ ખોલવાની જરૂર નથી. ફૂવ્યૂના ફ્લૉટિંગ આઈકૉન પર ટેપ કરીને તમે આ કામ કરી શકો છો.

આ ઉપરાંત આ ઍપ બુદ્ધિશાળી પણ છે. તે ઍપ/વેબને પોતાની મેળે જ વર્ગીકૃત કરી નાખે છે. તેથી તમે ઝડપથી સર્ચ કરી શકો છો. તે લખાણ અને ગેસ્ચરને ઓળખે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]