તમને ખબર છે, તમારી વાતચીત સાંભળી નોંધે છે FB?

ફેસબુક ઘણી સારી ઍપ્લિકેશન અને વેબસાઇટ છે. લોકો એકબીજાના સંપર્કમાં, ગમે તેટલા દૂર હોવા છતાં રહી શકે છે. પોતાની તસવીરો અને વિડિયો મૂકી શકે છે. દુનિયાભરના સમાચારો મૂકી શકે છે. કોઈ જગ્યાએ કુદરતી આપત્તિ હોય તો પોતે સલામત છે તેવું જણાવીને પોતાનાં સગાં-મિત્રોને નિશ્ચિંત કરી શકે છે. પોતે કોઈ નવી કાર લીધી હોય કે નવી નોકરીમાં જોડાયા હોય કે પછી બીમાર પડ્યા હોય કે પછી પોતાના ઘરે બાળકનું આગમન થયું હોય તો પોતાના મિત્રો-સગાંસંબંધીને જાણ કરી શકે છે. કોઈનો જન્મદિવસ હોય તો ફેસબુક તમને જાણ કરે છે અને તમે તમારા ફેસબુક મિત્રને જન્મદિવસ પાઠવીને તેના આનંદમાં અભિવૃદ્ધિ કરો છો. કોઈની કંપનીમાં નોકરી માટે માહિતી મેળવી શકો છો. ટૂંકમાં, ફેસબુક અનેક રીતે ખૂબ જ ઉપયોગી છે, તેમાં બેમત નથી.

પરંતુ આ બધી ઉપયોગિતાની સાથે લોકો પોતાની અંગત વાતો જાહેર કરે છે. પોતે કેટલી કંપનીમાં કામ કર્યું, પોતે કઈ કાર લીધી, પોતે કઈ હૉટલમાં જમવા ગયા, પોતે વિદેશમાં ક્યાં ફરવા ગયા…આ બધી માહિતી અંગત છે. લોકો પોતાના મિત્રો સાથે જ વહેંચવા માગતા હોય છે, પરંતુ ફેસબુક પર આ ડેટા લીકથવાની ફરિયાદ થઈ રહી છે. વધુ એક ફરિયાદની વિગત એવી છે કે ફેસબુકે ઑડિયો મેસેન્જરની વાતચીતને સાંભળવા અને તેનું શબ્દાંકન કરવા માટે બહારના કૉન્ટ્રાક્ટરોને કામ આપ્યું હતું તેમ એક અહેવાલમાં જણાવાયું હતું. આ બહુ ચોંકાવનારી વાત છે.

‘બ્લૂમબર્ગ’ના અહેવાલ મુજબ, કૉન્ટ્રાક્ટરોને કહેવાયું નહોતું કે તેઓ શા માટે આ (સાંભળવાનું) કામ કરી રહ્યા છે કે પછી શા માટે સાંભળેલી વાતનું શબ્દાંકન કરી રહ્યા છે. આ ચોંકાવનારો અહેવાલ સાચો છે એ વાત સાચી એટલા માટે સાબિત થાય છે કે ફેસબુકેસ્વીકાર્યું છે કે હા, તે આ કામ કરાવતી હતી. તેણે જોકે એમ કહ્યું છે કે હવે તેઓ ઑડિયોનુંશબ્દાંકન કરાવી રહી નથી. ઍપલ અને ગૂગલની જેમ, અમે સપ્તાહ કરતાં વધુ સમય પહેલાં ઑડિયોની માનવીય સમીક્ષા અટકાવી દીધી છે.

સૉશિયલ મિડિયાની વિશાળ કંપનીએ કહ્યું કે વપરાશકારોને વિકલ્પ અપાયો હતો કે ફેસબુકના મેસેન્જર ઍપ પર અવાજવાળી વાતચીત એટલે કે બોલીને થતી વાતચીતનુંશબ્દાંકન કરાવવું કે નહીં. સંદેશાઓનું ધ્વનિમાંથી લેખનમાં રૂપાંતર કરાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું પરીક્ષણ કરવાનું કામ કૉન્ટ્રાક્ટરોને સોંપાયું હતું. અગાઉ ફેસબુકે કહ્યું હતું કે તે તેની મેસેન્જરઍપ પર તમારા સંદેશાઓ વાંચી રહી છે. ગયા વર્ષે ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગે કહ્યું કે જ્યારે સંવેદનશીલ સંદેશાઓ જણાયા, અમે તેને આગળ વધતાં અટકાવી દીધા. ઝુકરબર્ગે ‘બ્લુમબર્ગ’ને એમ પણ કહ્યું કે મેસેન્જર ઍપમાં વાતચીતને અંગત ગણવામાં આવે છે પરંતુ ફેસબુક તેની બારીકાઈથી તપાસ (સ્કેનિંગ) કરે છે અને આ જ સાધનોનો ઉપયોગ કરીને દુરુપયોગને અટકાવે છે.

ફેસબુક અન્ય ટૅક્નૉલૉજી કંપનીઓની જેમ જ વપરાશકારોના સંદેશાઓ પર નજર રાખે છે. એપ્રિલમાં બ્લુમબર્ગે જણાવ્યું હતું કે એમેઝૉને પણ ઇકોયંત્રો પર એમેઝૉન એલેક્સા સાથે લોકોની અંગત વાતચીતને સાંભળવા હજારો કામદારોને રાખ્યા હતા. આ વાતચીતનું શબ્દાંકન સૉફ્ટવેર અને ટૅક્નૉલૉજી સુધારવા માટે કરવામાં આવ્યો હતો. એમેઝૉને કહ્યું હતું કે વપરાશકારોને છૂટ હતી કે તેઓ તેમાંથી બાકાત રહેવાનું પસંદ કરી શકતા હતા.

ઍપલની સિરી અને ગૂગલ આસિસ્ટન્ટ માટે પણ આ જ રીતે અંગત વાતચીત સાંભળવા અને તેનું શબ્દાંકન કરવાનું કામ હાથ ધરાયું હતું. જોકે હવે બંને કંપનીઓ કહે છે કે તેમણે આ કામ બંધ કરી દીધું છે. ફેસબુકનો વપરાશકારોની માહિતીનો દુરુપયોગ પહેલી વાર બહાર નથી આવ્યો. આ અગાઉ ગયા મહિને ફેડરલ ટ્રૅડ કમિશને નિજતાના ઉલ્લંઘન માટે તેને સજાના ભાગ રૂપે ૫ અબજ ડૉલરનો દંડ ફટકાર્યો હતો. તેમાં સંમતિ વગર ચહેરાની ઓળખની ટૅક્નૉલૉજીનો સમાવેશ થતો હતો. વપરાશકારોના ફૉન ક્રમાંકો મેળવવા માટે છળ કરવું અને વપરાશકારોની માહિતી ત્રાહિત ઍપ ડેવલપરોને આપવાનો પણ તેમાં સમાવેશ થતો હતો.