પાવરની પરિક્રમા : વાયરથી વાયરલેસ સુધી

લેક્ટ્રિક ઉપકરણોનો છેલ્લા બે-ત્રણ દસકામાં ઉપયોગ એટલો બધો વધી ગયો છે કે ગૂંચવાડા ભર્યા વાયરીંગથી ઘરની છતો અને સોકેટ્સ, પ્લગ્સ તથા સ્વીચોથી દીવાલો ભરાઈ ગઈ છે. ઘર-વપરાશ કે ઓફીસ માટેના કોઈપણ સાધન ખરીદવા નીકળીએ, ચાલે છે ઇલેક્ટ્રિકથી અથવા તો ઇલેક્ટ્રિક દ્વારા ચાર્જ થઇ શકે તેવી બેટરીથી. પળોજણમાં વધારો એ પણ થયો છે કે એકસરખા વોટથી દરેક સાધનો ચાલતા નથી એટલે અલગ-અલગ વોટના એડપટર્સ અને ચાર્જર્સને જીવની જેમ સાચવવા પડે છે અને ખોવાઈ જાય તો નાછૂટકે ખર્ચો કરીને ફરીવાર ખરીદવા પણ પડે છે.

“મારા ગેઝેટની બેટરી થોડીવારમાં ઉતરી તો નહિ જાય ને” આવી નવા જ પ્રકારની એક માનસિક તાણથી અંદાજે 73 ટકા લોકો પીડાય છે તે જાણ દુનિયાને ગયા જુલાઈમાં ત્યારે થઇ કે જયારે અમેરિકાની એક સંસ્થાએ એક આંતરરાષ્ટ્રીય સર્વે કર્યો. પીડાથી આગળની અસહ્ય હકીકત તો એ છે કે આપણા દેશમાં દૈનિક ૩૦ કરતા વધુ મૃત્યુઓ તો માત્ર ઇલેક્ટ્રિક સંબધિત અકસ્માતોથી જ નોંધાય છે. આ આંકડાઓ ઘટાડવા આપણી મદદે હવે “વાયરલેસ પાવર” આવી ચૂક્યો છે.

વાયરોના ઉપયોગ વગર પાવરને ટ્રાન્સફર કરી શકાય કે નહિ તે કોયડાનો ઉકેલ આમ તો ૧૯૦૧ની સાલમાં દૂરંદેશી વૈજ્ઞાનિક નિકોલા ટેસ્લાએ આપી જ દીધેલો. પરંતુ વિજ્ઞાનજગતમાં આ બાબતે કોઈ નોંધપાત્ર શોધ-સંશોધનો એ પછી થયા નહિ. હવે જયારે વાયરોના માળખાઓનો  અણગમો દુનિયાભરમાં વધવા લાગ્યો છે ત્યારે વાયરલેસ પાવર કોન્સોર્ટિયમ (WPC) અને એર-ફ્યુઅલ એલાઈન્સ (AFA) જેવી બે વૈજ્ઞાનિક સંસ્થાઓ ઉપરાંત કેટલીક પ્રાઇવેટ કંપનીઓએ છેલ્લા થોડા વર્ષોમાં નાવિન્યપૂર્ણ સંશોધનોની હારમાળા સર્જીને વાયરલેસ પાવરને ફરી એકવાર ચર્ચાની એરણે ચડાવી દીધો છે.

વાયરલેસ પાવર માટે અડધા ડઝન જેટલી ટેકનોલોજીઓ માર્કેટમાં અત્યારે ચલણમાં છે. જુદી-જુદી ટેકનોલોજીઓનો ઉપયોગ કરીને દુનિયાભરની કેટલીયે સંસ્થાઓ/કંપનીઓએ પોતાની પ્રોડક્ટ્સમાં વાયરલેસ પાવરનો કેવો “ઓહ માય ગોડ” ઉપયોગ કર્યો છે તે જાણવા જેવું છે.

એર-ફ્યુઅલ એલાઈન્સ (AFA) નામની સંસ્થા અમેરિકા અને યુરોપના અંદાજે ૨૫૦૦ જેટલા એરપોર્ટ્સ, હોટેલ્સ અને કાફેનાં વાયરલેસ ચાર્જિંગ સ્પોટ્સનું અત્યારે સંચાલન કરી રહી છે. આ એરિયામાં તમે પ્રવેશ કરો એટલે તમારા મોબાઈલની બેટરી કોઈ પ્લગ, વાયર કે ચાર્જર વગર જ ચાર્જ કરી શકો છો. એવી જ બીજી સંસ્થા વાયરલેસ પાવર કોન્સોટરીયમ (WPC) છે, જેણે 2.5 વોટથી  2200 વોટ સુધી ચાલતા સાધનો માટે વાયરલેસ પાવર પૂરો પાડવાની ટેકનોલોજી હસ્તગત કરી લીધી છે. સેમસંગ કંપની પછી તાજેતરમાં એપલ કંપનીએ પણ WPCના Qi (ઉચ્ચારે “ચી”) સ્ટાન્ડર્ડનો મોબાઈલ ફોન અને બીજા ગેઝેટ્સને વાયરલેસ પાવરથી ચાર્જ કરવા માટે ઉપયોગ શરુ કર્યો છે. બીજી અનેક વૈશ્વિક કંપનીઓએ પણ Qiનો વપરાશ ચાલુ કરી દીધો છે.

Qi સ્ટાન્ડર્ડ  દ્વારા 15 વોટ સુધીના લો-પાવર કહી શકાય તેવા ઇલેક્ટ્રિક ટુથબ્રશ, ટીવીનું રીમોટ, સિક્રેટ જાસુસી કેમેરા, ફિટનેસ બેન્ડ, સ્માર્ટવોચ, ઈયરબડ્સ, હેડફોન્સ, મોબાઈલ સ્માર્ટફોન, ગેઈમીંગ કંટ્રોલર્સ વિગેરેને વાયરલેસ પાવરથી સફળતાપૂર્વક ચાલતા કરીને WPCએ ધૂમ મચાવી દીધી છે. ફર્નીચરની વિદેશી બ્રાન્ડ IKEA લાકડાના ટેબલટોપ નીચે વાયરલેસ પાવરનું ટ્રાન્સમીટર ફિટ કરી આપે છે. તમારું ગેઝેટ આવા ફર્નીચર ઉપર મૂકતા જ વાયરલેસ પાવર દ્વારા તરત તેનું ચાર્જિંગ શરુ થઇ જાય છે. વિદેશ પ્રવાસ અવારનવાર કરતાં લોકોએ નોંધ્યું પણ હશે કે આ રીતના ટ્રાન્સમીટર ફીટ કરેલા ટેબલ-લેમ્પ, સ્પીકર્સ અને બીજા અનેક એપ્લાઇન્સીસ ઘણાં સમયથી માર્કેટમાં વેચાઈ રહ્યા છે.

વાઈટ્રીસીટી નામની પ્રાઇવેટ કંપનીએ વાયરલેસ પાવરથી ચાલતી કાર ચાર્જિંગ સિસ્ટમ લૉન્ચ કરી છે. તમારી ઇલેક્ટ્રિક કાર તમે જ્યાં પાર્ક કરો તે જમીન નીચે એક ટ્રાન્સમીટર ફીટ કરવામાં આવે છે. કાર પાર્ક થાય એટલે કારનાં બોનેટ નીચે ફિટ કરેલા રીસીવરમાં વાયરલેસ પાવર પહોંચી જાય છે અને કારની બેટરી વાયરલેસ પાવરથી ચાર્જ થવા લાગે છે. રસ્તાઓ ઉપર ફૂટપાથ જેવી  “ચાર્જીંગ લેન” બનાવીને વાહનો લેન ઉપર ચાલતા હોય ત્યારે ચાલતી અવસ્થામાં જ તેમને સતત આ જ પ્રકારે વાયરલેસ પાવર પહોંચાડીને ચાર્જ કરી શકાય છે. યુ.કે., ઇટાલી, નેધરલેન્ડ અને દક્ષિણ કોરિયામાં તો મોટી-મોટી બસો અત્યારે પ્રાયોગિક ધોરણે આ રીતે ચાલી રહી છે. ડેલ કંપનીની લેટીટ્યુડ સિરીઝનાં કેટલાક લેપટોપ મોડલ અને જાપાનની વિશ્વપ્રસિદ્ધ કંપની ડાઇહેન કોર્પોરેશન દ્વારા બનાવાતા રોબોટ્સ પણ આ જ રીતે વાયરલેસ પાવરથી ચાલે છે.

નવી ટેકનોલોજી આધારિત પ્રોડક્ટ્સને જોવા-જાણવા અને તે આવનારા સમયમાં કેવીક સફળ રહેશે તેનો ક્યાસ કાઢવા વિશ્વભરનાં કેટકેટલાય ટેકનોફેરની મુલાકાતે જવાનો શોખ ધરાવતાં કચ્છીમાડુ બ્રિજેશભાઈ ઠક્કરનું વાયરલેસ પાવર બાબત કહેવું છે કે “CTA (કન્ઝ્યુમર ટેકનોલોજી એસોસીએશન) દ્વારા દર વર્ષે વિદેશોમાં CES નામનો મેળો આયોજિત કરાય છે. પોતે કરેલા નોંધપાત્ર સંશોધનોનું સમગ્ર વિશ્વ સમક્ષ પ્રદર્શન કરવા માટે દુનિયાની  ટોપ-મોસ્ટ સંસ્થાઓ આ મેળામાં ભાગ લે છે. ગયા વર્ષનાં આ મેળામાં પોર્ટેબલ પાવર ટુલ્સ, વેક્યુમ ક્લીનર, મધ્યમ કક્ષાનાં ડ્રોન્સ, ઈલેકટ્રીક બાઈક્સ, બ્લેન્ડર્સ, મિકસર્સ, હોટપ્લેટ્સ વિગેરે જેવા કિચન એપ્લાઈન્સીસ સહિતના મીડીયમ પાવર ઉપકરણો વાયરલેસ પાવરથી કેવા આસાનીથી ચાલે છે તેના ડેમો આપવામાં આવેલા. મતલબ સાફ છે કે ઓપન માર્કેટમાં ટૂંક સમયમાં જ આ બધી પ્રોડક્ટસ હવે વેચાણ અર્થે ઉપલબ્ધ થવાની છે”.

એક સર્વેના તારણ મુજબ સાલ 2020 સુધીમાં દુનિયાભરમાં વાયરલેસ પાવરથી અંદાજે 20000 કરોડ (જી હા… વીસ હજાર કરોડ)  સેન્સર્સને પાવર પહોંચાડવાનું વિશાળ બજાર ઉભું થવાની શક્યતા છે. કારણ એ છે કે; વાર્ષિક ધોરણે 300 કરોડ બેટરીઓનાં ડીસ્પોઝલથી પર્યાવરણને થતા નુકસાન અને સાવ ઝીણા સેન્સર સાથે મોટી સાઈઝની બેટરીનું કજોડું યોગ્ય ન હોવાથી સેન્સર્સ સાથે બેટરી લગાવવાનું કંપનીઓ ટાળી રહી છે. વાયરલેસ પાવરની ટેકનોલોજીની સફળતા માટે આ પરીબળ ખુબ જ અગત્યનું સાબિત થઇ રહ્યું છે.

હવામાં ઉડતા વિમાનોમાં અને જમીન ઉપર ચાલતા અતિ મોંઘા ફોર-વહીલર વાહનોમાં કેટલાય સ્વયંસંચાલિત સ્પેરપાર્ટ્સ હોય છે. સેન્સર્સ દ્વારા મળતાં સંદેશાઓ અનુસાર આ સ્પેરપાર્ટ્સ ચાલુ-બંધ થતા હોય છે. આ જ રીતે  હોસ્પીટલાઈઝ્ડ દર્દીઓની તબિયત અંગેનાં ગ્રાફ્સ અને આંકડાઓ તેમના શરીર સાથે લગાવેલા સેન્સર્સ દ્વારા જ ડૉક્ટર્સને મળતા હોય છે. જો આ સેન્સર્સ બેટરી દ્વારા પાવર મેળવતા હોય અને જો બેટરી ઉતરી જાય તો યાત્રાની દિશા સ્વર્ગલોક તરફ ફંટાવાની શક્યતાઓ વધી જાય છે. આવી ગંભીર ઘટનાઓને અટકાવવા સોનિક-એનર્જી નામની કંપનીએ અલ્ટ્રા-સાઉન્ડ ટેકનોલોજીથી ચાલતા ટ્રાન્સમીટર બનાવ્યા છે જે આવા સેન્સર્સને સતત વાયરલેસ પાવર મોકલતા રહે છે.

દુનિયાની સૌથી મોટી રિટેઇલ ચેઇન વોલમાર્ટ દ્વારા ક્યા શહેરનાં પોતાના ક્યા સ્ટોરમાં કઈ પેલેટ અને રેક ઉપર કઈ અને કેટલી પ્રોડકટ પડી છે તેના લોકેશન ઉપર રીયલ-ટાઈમ સજ્જડ નજર રાખવા “ઓશિયા” નામની કંપની સાથે રેડિયો ફ્રિકવન્સી ટેકનોલોજીથી ચાલતું “કોટા ફોરએવર ટ્રેકર” ઇન્સ્ટોલ કરવાના કરાર કરવામાં આવ્યા છે.  મોટા મોલ કે રીટેઈલ શોપની અંદર ઊંચા રેકની ઉપરનાં શેલ્ફમાં પડેલા નાના-મોટા પ્રોડક્ટ્સ આસાનીથી ગ્રાહકોનાં ધ્યાનમાં આવે તે માટે આવી પ્રોડકટ ઉપર આકર્ષક ઝગમગતી લાઈટ, વિવિધ રંગના શેડ્સ અને સાંભળવા ગમે તેવા સાઉન્ડ ફેલાવતા સ્ટીકર્સ લગાવીએ તો કેમ? આ વિચારની સ્ફૂરણા થયા પછી પાવરકાસ્ટ નામની કંપનીએ “પાવર-હાર્વેસ્ટર” નામની રીસીવર ચીપ ધરાવતાં રીટેઈલ લેબલ બજારમાં મુક્યા છે. દુનિયામાં આકાર લઇ રહેલા અનેક સ્માર્ટ-સીટીઓમાં પબ્લિક અને પ્રાઇવેટ સ્થળોએ લગાવેલા સાઈઝમાં સાવ ઝીણા અસંખ્ય સેન્સર્સને  લેસર ટેકનોલોજીથી વાયરલેસ પાવર પહોંચાડવા માટે WI-CHARGE નામની એક કંપની માહિર છે.

ઈન્ટરનેટ માટેનાં ઘરેઘરે વપરાતા રાઉટર જેવું પરંતુ ઈન્ટરનેટનાં સ્થાને વાઈફાઈથી પાવર ટ્રાન્સમીટ કરતું ઓશિયા કંપનીનું “કોટા” નામનું ટ્રાન્સમીટર આજકાલ આખી દુનિયામાં ખુબ જ ચર્ચાસ્પદ બન્યું છે. રેડીઓ ફ્રીક્વન્સી ટેક્નોલોજીથી કામ કરતું આ ટ્રાન્સમીટર વાઇફાઇ ઇન્ટરનેટ માફક જ તેની રેન્જ મુજબના એરિયામાં પાવર વહેતો મૂકી શકે છે.  હોટેલ્સ, રેસ્ટોરન્ટસ, કોફીશોપ, શોપિંગ મોલ્સ, એરપોર્ટ અને રેલ્વે-સ્ટેશન, લોકલ બસ, ટ્રેઈન વિગેરે જેવા વધુ અવરજવર વાળા લોકેશનમાં આપણને ઇન્ટરનેટ માટેના વાઇફાઇ ઝોન જોવા મળે છે તે માફક જ વાયરલેસ પાવરના “ચાર્જિંગ ઝોન” હવે આપણા દેશમાં જોવા મળે તે દિવસો હવે ખાસ દૂર નથી.

ક્ષિતિજને પેલે પારની કલ્પનાને ઉડાન આપનાર વૈજ્ઞાનિકોએ જ આ વસુંધરાને આપણા વસવાટ કરવા માટે યોગ્ય બનાવી રાખી છે તેમાં કોઈ બેમત નથી. સ્પેસમાં સોલાર પેનલ સાથેનો એવો વિશાળ સેટેલાઈટ ગોઠવી શકાય કે નહિ કે જે સોલાર પાવરને માઈક્રોવેવમાં પરિવર્તિત કરીને બીમ-ફોર્મિંગ દ્વારા વાયરલેસ પાવરનો સેરડો પૃથ્વી ઉપરના સ્થાવર અથવા વાહનમાં ફીટ કરેલા રીસીવરનાં એન્ટીના સુધી પહોંચતો કરી દઈ શકે? અત્યારે નરી  કલ્પના લાગતી આ શોધને સફળ બનાવવા અનેક હોનહાર વૈજ્ઞાનિકો ક્યારનાયે મચી પડ્યા છે. જો આ પ્રશ્નનો ઉત્તર તેમને મળી જશે તો કુદરતી આપત્તિઓ અને દુર્ગમ વિસ્તારોમાં જયારે પણ આવશ્યકતા હશે ત્યારે વાયરલેસ પાવર આસાનીથી પહોંચાડવો સરળ બની જશે તે પાક્કું છે.

એક સર્વે દરમિયાન મળેલા તારણ અનુસાર વાયરલેસ પાવર અંગે સાંભળી કે વાંચીને દુનિયાના અંદાજે 36 ટકા લોકો જ્યાં-જ્યાં પણ શક્ય હોય ત્યાં હોંશે-હોંશે આ ક્રાંતિકારી ટેક્નોલોજી અપનાવવા માટે આગળ આવી રહ્યા છે. “જ્યાં કોઈ વિકલ્પ જ નથી ત્યાં પરંપરાગત વાયરથી પાવર અને જ્યાં પણ શક્ય હોય ત્યાં વાયરલેસ પાવરથી જ હવે પાવર”ની શરુ થયેલી પાવરની આ પરિક્રમા 2020નાં દસકામાં આપણી માટે હજુ ઘણાં સરપ્રાઇઝીસ લઈને આવવાની છે તેમાં કોઈ બેમત નથી.

નોંધ: વાયરલેસ પાવરની ટેકનોલોજીને અપનાવવા માટે ઉત્સુક વપરાશકારો અને નવી-નવી ટેક્નોલોજીને અપનાવા માટે તૈયાર રહેતા ટેક્સેવી વ્યાપારીઓ માટે જરૂરી ટેકનીકલ બાબતો લેખનાં બીજા ભાગમાં “ચિત્રલેખા.કોમ”ના આ જ વિભાગમાં આવતા સપ્તાહે……..

(પુનીત આચાર્ય-સોમપુરા)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]