હેલ્થ પ્રૉફેશનલ્સને કોરોનાના ચેપ સામે સુરક્ષા આપવામાં ટેક્નોલોજીનું યોગદાન…

રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે:  કોરોના સંકટમાં ડોક્ટરો ફરી એકવાર ભગવાનની ભૂમિકા ભજવી રહ્યાં છે. જે રોગનો ઈલાજ નથી તેવા રોગ સામે લડીને હજારો કોરોના દર્દીઓને ડોક્ટરોએ સાજા કર્યા છે. કોરોનોગ્રસ્ત દર્દીઓની સારવાર કરવાના કારણે સંક્રમિત થઈને દુનિયાનાં હજારો ડૉક્ટરો, નર્સ અને અન્ય સ્વાસ્થ્યકર્મીઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. કોવિડ-19 જેવાં ચેપી વાયરસનાં ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટનાં બન્ને તબક્કે હેલ્થ પ્રોફેશનલ્સને વાયરસથી જેટલા દૂર રાખી શકાય તેટલી તેમની સલામતી વધે. શક્ય છે ખરું? ટેક્નોલાજી પાસે પ્રશ્ન બાબતે કોઈ જડબેસલાક ઉપાયો છે કે નહીં તેની માહિતી સાથેchitralekha.comઆજે વાંચકો સમક્ષ ઉપસ્થિત છે

કોરોના મહામારીને પરિણામે હેલ્થ સેક્ટરમાં કામ કરનારા ડૉક્ટર્સ, નર્સ અને અન્ય સ્વાસ્થ્યકર્મીઓની શારીરિક, માનસિક અને સામાજિક પરિપેક્ષમાં શું હાલત થઇ છે તે કોણ નથી જાણતું? દેશ-દુનિયામાં દર્દીઓની સેવા કરતા-કરતા આવા હજ્જારો આરોગ્યકર્મીઓએ ચેપથી સંક્રમિત થઈને પોતાના જીવ સુધ્ધા ગુમાવી દીધા છે.

“અમને આવો ખ્યાલ હોત તો અમે ભૂમિને મેડિકલમાં પ્રવેશ ન જ લેવા દીધો હોત, અમને તો હવે ખબર પડી કે મેડિકલ લાઈન બહુ જોખમી છે”; આ ચિંતા મેડિકલનાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી પોતાની દીકરી ભૂમિ માટે મુંબઈમાં રહેતા ચારુબેન જોશીની છે. આ જ પ્રકારની ચિંતા નર્સિંગ અને અન્ય ઘણા આરોગ્યલક્ષી અભ્યાસક્રમોમાં અત્યારે ભણી રહેલાં વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાઓની પણ છે. કોરોના અત્યંત ચેપી અને કદાચ હવે આપણી વચ્ચે કાયમ માટે ગોઠવાઈ ગયેલો વાયરસ હોવાથી હેલ્થકૅર આગામી સમયમાં અભિશાપરૂપ પ્રોફેશન બનશે કે આશીર્વાદરુપ તેનો આધાર હવે એક જ બાબત ઉપર છે…….અને એ છે ટેક્નોલોજી.

કોરોનાથી સંક્રમિત દર્દીનાં નિદાન અને સારવાર માટે  તેમની નજીક જવું જ ન પડે અથવા તો ઓછામાં ઓછી વાર જવું પડે તેવો કોઈ કાયમી ઉપાય મળે તો જ હેલ્થકૅરને સલામત પ્રોફેશન તરીકે આશ્વાસન મળે. કોરોનાનાં દર્દીઓને રિમોટ લોકેશનથી જ નિષ્ણાત ડૉક્ટર્સ દ્વારા સારવાર આપી શકાય તેવું વાસ્તવિક જીવનમાં શક્ય છે ખરું? રિમોટ પેશન્ટ મોનીટરીંગ (RPM) અથવા ટેલિમેડીસીન નામે ઓળખવામાં આવતી ટેક્નોલોજીનો ઉપયોગ શું કોવિડ -19ને ટક્કર આપવામાં કરી શકાય ખરો? આ બાબતે વિશ્વની મેડિકલ ટેક્નોલોજીમાં કાર્યરત કંપનીઓએ કોઈ પરિણામલક્ષી પ્રોડક્ટ્સ માર્કેટમાં રજૂ કર્યા છે ખરા?

આવો જાણીએ કેવી પ્રોડક્ટ્સ લૉન્ચ થઇ છે અને કોણે તે બનાવી છે…

ટેસ્ટિંગ સંલગ્ન કામગીરીઓ માટે:

અત્યારે કોરોનાનું સેમ્પલ મોં અથવા નાક વાટે લેવામાં આવે છે. આ માટેનાં સાધનો એ પ્રકારનાં હોવાથી સેમ્પલ લેવા દરમિયાન દર્દીને ઘણીવાર ઉધરસ કે છીંક  આવે છે. આ કારણે જે  ડ્રોપલેટસ વાતાવરણમા ઉડે છે તેનાથી આરોગ્યકર્મીઓ સંક્રમિત થઇ શકે છે. આવો ચેપ ફેલાતો અટકે તે માટે LabCorp કંપનીએ ઘરે બેઠા જ લાળ દ્વારા કોવિડ -19નો ટેસ્ટ કરી આપતી કીટ બનાવી છે. આ પ્રકારની કીટથી આરોગ્યકર્મીઓને દર્દીનાં સીધા સંપર્કમાં આવતા બચાવી શકાય છે.

કોરોનાથી સંક્રમિત દર્દીની તબિયત સુધરીને સ્થિર થતી લાગે ત્યારે આપણાં દેશની અત્યારની નવી પોલિસી મુજબ તેને હોસ્પિટલમાંથી મુક્ત કરીને હોમ-ક્વોરેન્ટાઇન રહેવાનું કહેવામાં આવે છે. થોડા દિવસો પછી તેઓ સંપૂર્ણ સાજા થઇ ગયા કે નહિ તે જાણવા તેમનો ફરીવાર કોરોના ટેસ્ટ કરવો પડતો હોય છે. આવો ટેસ્ટ અમેરિકાની University of Cincinnatiનાં સંશોધનકારોએ બનાવેલી પોર્ટેબલ સ્માર્ટફોન લેબ દ્વારા દર્દી ઘરેબેઠા પોતે જ હવે કરી શકે છે. આ એક  ક્રેડિટકાર્ડ આકારનું ઉપકરણ છે. લાળનો નમૂનો લેવા માટે આ સાધનને થોડા  સમય માટે મોમાં રાખવાનું હોય છે. સેમ્પલ લીધા પછી આ ઉપકરણ સાથે આપણો મોબાઈલ જોડી દેવાથી તેની એપ્લિકેશન દ્વારા સેમ્પલનું વિશ્લેષણ થઇને રિપોર્ટ જવાબદાર ડૉક્ટરને આગળની સારવાર નક્કી કરવાં સીધો જ પહોંચી જાય છે. આનો ફાયદો એ છે કે દર્દીનું સેમ્પલ લેવા માટે તેના ઘર સુધી જવાનું અથવા દર્દીને હોસ્પિટલ સુધી બોલાવી તેનાં સંપર્કમાં આવવાનું જોખમ આરોગ્યકર્મીઓએ લેવું પડતું નથી

લક્ષણો દેખાતા હોય તેવા ક્વોરેન્ટાઇન કરાયેલા પોઝિટિવ દર્દીઓ માટે:

ક્વોરેન્ટાઇન સેન્ટર અથવા તો ઘરમાં આઇસોલેટ કરવામાં આવેલા દર્દીઓની તબિયત ઉપર નજર રાખવા માટે કેટલાક હેન્ડહેલ્ડ મેડિકલ ઉપકરણો ખૂબ જ પ્રચલિત છે. જેમ કે; દર્દીનાં ડાયાબિટીઝને દર 5 મિનિટે માપી આપતું એક સેન્સર dexcom નામની કંપનીએ વિકસાવ્યું છે, જે દર્દીનાં શરીર ઉપર ઈનપ્લાન્ટ કરી શકાય છે. સૌથી મોટી હલચલ ઇઝરાયેલની  TYTOCARE કંપનીએ અત્યારે મચાવી છે, કારણકે; તેનું હાથમાં સમાય જાય તેટલું નાનુ ઉપકરણ કોવિડ-19 સામે ઘરબેઠા જ બાથ ભીડવા માટે દર્દીને નોંધપાત્ર સુવિધા આપે છે. આવી જ રીતે એમઆઈટીની કમ્પ્યુટર સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબોરેટરીએ Emerald (એમરોલ્ડ) નામનું દીવાલે ટીંગાડી શકાય તેવું બૉક્સ જેવું એક ઉપકરણ બનાવ્યું છે જે દર્દીનાં શ્વાસનો દર, ઊંઘની પેટર્ન અને અન્ય ગતિવિધિઓનો રેકોર્ડ એકત્ર કરે છે  અને શું ફરેફારો થઇ રહ્યા છે તેનું વિશ્લેષણ કરે છે. સ્ટેથોમી દ્વારા લૉન્ચ કરાયેલ સ્ટેથોસ્કોપ એક નાનું વાયરલેસ ડિવાઇસ છે જે  શરીરના આંતરિક અવયવોમાંથી આવતા અવાજો રેકોર્ડ કરીને પોતાની કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગ દ્વારા એનું ડૉક્ટર માફક અર્થઘટન કરી આપે છે. ResMed કંપની દ્વારા લૉન્ચ થયેલા હેન્ડહેલ્ડ વેન્ટિલેટર દર્દીની તબિયત અચાનક જ બગડે તો આવા આકસ્મિક સંજોગોમાં ખૂબ જ આશીર્વાદરૂપ છે.

દર્દીનાં  ક્લિનિકલ પેરામીટરમાં જો કોઈ જોખમી ફેરફારો થાય તો ઉપરોક્ત ઉપકરણો તેનું એલાર્મ રિમોટ લોકેશન ઉપર બેસેલા ડૉક્ટર્સને મોબાઈલ એપ અથવા અન્ય માધ્યમો દ્વારા મોકલી આપે છે. જેનો અભ્યાસ કરીને સારવારને લગતાં જરૂરી ફેરફારો ડૉક્ટર્સ સૂચવતા હોય છે. મેડટ્રોનિક, SOC Telemed, DrFirst જેવી કંપનીઓ દ્વારા પણ આ પ્રકારનાં અનેક સોલ્યુશન્સ માર્કેટમાં ઉપલબ્ધ છે.

હોસ્પિટલમાં દાખલ પોઝિટિવ દર્દીઓ માટે:

કોરોનાથી સંક્રમિત અને જેમને બિમારીના થોડા ઘણાં લક્ષણો હોય તેવા દર્દીઓથી અત્યારે સમગ્ર વિશ્વની હોસ્પિટલો ઉભરાઈ રહી છે. વોર્ડમાં સરળતાથી ચાલી શકાય તેવી પણ મોકળાશ બચી નથી. અફડાતફડી એટલી બધી મચેલી છે કે આરોગ્યકર્મીઓ ક્યા દર્દીનું ધ્યાન રાખે અને કોનું નહીં? ક્યા દર્દીને કઈ દવા કે ક્યા ઇન્જકેશન ક્યારે આપવાના છે તેનું સમયપત્રક જાળવવું પણ અત્યારનાં સંજોગોમાં મુશ્કેલ થઇ રહ્યું હોવાથી મૃત્યુદર વધી રહ્યો છે. આવા સંજોગોમાં દરેક પથારીએ દર્દીને કેટલાક હેન્ડહેલ્ડ ઉપકરણો આપી રાખ્યા હોય તો ખૂબ જ ઓછા આરોગ્યકર્મીઓ દ્વારા પણ દર્દીઓ ઉપર બારીકાઈથી નજર રાખી શકાય છે અને દર્દીઓનો સાજા થવાનો દર ઘણો વધારી શકાય છે.

Clarius કંપની દ્વારા લૉન્ચ કરાયેલું હેન્ડહેલ્ડ અલ્ટ્રાસાઉન્ડ પોર્ટેબલ ડિવાઇસ દર્દીના મોબાઈલ ફોન સાથે જોડી દીધા  પછી માત્ર 10  સેકંડમાં  હૃદય, ફેફસાં અને પેટ સહિતનું ફૂલ બોડી ચેકઅપ કરીને દર્દીનો રિપોર્ટ તૈયાર કરી આપે છે. લાઈફસિગ્નલસ કંપનીએ લૉન્ચ કરેલું છાતી ઉપર ચોંટાડી શકાય તેવું એકદમ પાતળું, હળવું, યુઝ-એન્ડ-થ્રો અને વોટર રેઝિસ્ટન્ટ સેન્સર એકવાર ચીપકાવ્યા પછી દર્દીના શરીરનું ECG, ઓક્સિજન, હદયનાં ધબકારા, શરીરનું ટેમ્પરેચર, શ્વાસોચ્છવાસની ગતિ વિગેરે ક્લિનિકલ ડેટા મોબાઈલ એપમાં સતત રેકોર્ડ કરે છે.

દર્દીનાં ક્લિનિકલ પેરામીટરમાં કોઈ અગત્યનાં ફેરફાર નોંધાય ત્યારે આ ઉપકરણો સ્થાનિક આરોગ્યકર્મી અને રિમોટ લોકેશન સ્થિત ડૉક્ટરને એલાર્મ મોકલી આપે છે, જેથી એવા દર્દીઓની સારવાર અને દવાઓમાં જરૂરી ફેરફારો કરી શકાય. જ્યાં અગત્યતા છે ત્યાં જ ધ્યાન દેવાની આરોગ્યકર્મીઓની સુગમતા આ કારણે વધે છે. આના પરિણામે વૉર્ડમાં ઓછી દોડાદોડી અને ઘણાં ઓછા સ્ટાફથી પણ વધુ અસરકારક સારવાર આપી શકાય છે.

હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા અતિ ગંભીર પોઝિટિવ દર્દીઓ માટે:

હેલ્થ પ્રોફેશનલ્સને કોરોનાનો ચેપ લાગવાની અહીં સૌથી વધુ સંભાવના રહે છે. અતિ ગંભીર પરિસ્થિતિ ધરાવતાં જે દર્દીઓ ICUમાં હોય તેમની ઉપર ચોવીસે કલાક નજર રાખવી પડતી હોવાથી ટેક્નોલોજીની દ્રષ્ટિએ અતિ ઉચ્ચ ક્વૉલિટીનાં રિમોટ પેશન્ટ મોનીટરીંગના સાધનો અહીં ઉપયોગમાં લેવા પડે છે.

AGNES Interactive દ્વારા લૉન્ચ કરવામાં આવેલું AMD-3750 મોડલનું ઇન્ટરેક્ટિવ સ્ટેથોસ્કોપ રિમોટ લોકેશન ઉપર બેસેલા ડૉક્ટરને દર્દીનાં હૃદય, ફેફસા અને અન્ય અંગોમાં ઉત્પન્ન થતાં અવાજો સ્પષ્ટ રીતે મોકલી શકે છે, જે ડૉક્ટરને ક્રિટિકલ કન્ડિશનનાં દર્દીની આગળની સારવાર નક્કી કરવામાં મદદરૂપ થાય છે.

GE Healthcare અને Microsoft દ્વારા મ્યુરલ વર્ચ્યુલ કેર સોલ્યુશન નામની એક  સિસ્ટમ વિકસાવવામાં આવી છે. દર્દી સાથે જોડવામાં આવેલ વેન્ટિલેટર સહિતનાં તમામ ઉપકરણો ઉપરાંત દર્દીનાં મેડિકલ રેકોર્ડ્સ, લેબોરેટરીનાં રિપોર્ટ્સ અને અન્ય નિદાનોનાં રીઅલ-ટાઇમ ડેટા એકત્રિત કરીને આ સિસ્ટમ રિમોટ સ્થળે હાજર તજજ્ઞ ડૉક્ટર્સની ટીમને આ સઘળું અવિરત મોકલ્યા કરે છે. આ સિસ્ટમનો ઉપયોગ કરતા 100 બેડ સુધીનાં ICUમાં માત્ર 3 નર્સ અને બે ડૉક્ટર્સ જ પૂરતા થઇ પડે છે. ICUમાં સારવાર લઇ રહેલા અતિ ગંભીર હાલતના દર્દીઓ માટે આ પ્રકારનાં હાઈ-એન્ડ  સોલ્યુશન આપવા માટે Honeywell Life Sciences અને Philips Healthcare કંપનીનાં નામ પણ દુનિયાભરમાં જાણીતા છે.

આપણાં દેશમાં ટેકનોલોજીઓનાં વપરાશની શક્યતા કેટલી…

એકંદરે મામલો એ છે કે કોરોનાથી સંક્રમિત દર્દીનાં નિદાન અને સારવાર માટે આરોગ્યકર્મીઓને   તેમની નજીક જવું જ ન પડે અથવા તો ઓછામાં ઓછી વાર જવું પડે. જો જવું જ પડે તો એકદમ જ ઓછા સ્ટાફથી પણ દર્દીઓની એકદમ ઉત્તમ સારવાર થઇ શકવી જોઈએ. ઉપર જેની નોંધ લીધી છે તે સિવાયની બીજી અનેક કંપનીઓએ પણ એકએકથી ચડિયાતી આવી પ્રોડક્ટ્સ માર્કેટમાં મૂકેલી જ છે. આપણાં દેશની આઈ.આઈ.ટી.ઓ દ્વારા સંચાલિત સંશોધનકેન્દ્રો પણ અનેક આવિષ્કારો કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ આવી પ્રોડક્ટ્સ એકદમ કિફાયતી ભાવે ઉપલબ્ધ થવા લાગશે તે નક્કી છે.

હમ લાયે હૈ તુફાન સે કસ્તી નિકાલ કે…..હેલ્થ પ્રોફેશન કો રખેગી ટેક્નોલોજી સમાલ કે

થોડો ઘણો ખર્ચ કરીને પણ ડૉક્ટર્સ, દવાખાનાઓ અને હોસ્પીટલોએ ક્રમશ: આ બધી ટેકનોલોજીઓ હવે ઝડપથી અપનાવી લેવી જોઈએ. કારણકે….. જીવનની કિંમત કરતાં ટેક્નોલોજી હમેશા સસ્તી જ રહેવાની છે.

(લેખક:પુનીત આચાર્ય સોમપુરા)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]