ચીનની પત્રકારને ‘આંખો કી ગુસ્તાખિયાં’ ભારે પડી

પણા દેશનું મિડિયા ઘણી વાર ભારતની બદબોઈ વધુ કરે છે અને અમેરિકા, ચીન સહિતના દેશોના વખાણ એટલા કરે છે કે અહીંના નાગરિકોને થાય કે પરદેશ જતા રહીએ અને ખરેખર, પરદેશ ભાગી જતા લોકોની સંખ્યા નાનીસૂની નથી. એમાંય અખબારી સ્વાતંત્ર્યની બાબતમાં પણ હમણાં હમણાં બહુ ટીકા થવા લાગી છે અને ટીકા થવી જ જોઈએ પરંતુ જરા નજર પરદેશમાં મિડિયાની કેવી સ્થિતિ છે તેના પર પણ કરવા જેવી છે.આપણા પડોશી ચીનમાં હમણાં એક મહિલા પત્રકારનો વિડિયો બહુ વાઇરલ થયો છે. કારણ? આપણી પ્રિયા પ્રકાશ વરિયાર જેવી જ ચેષ્ટા તેણે કરી. અલબત્ત, આ પત્રકાર કંઈ પ્રેમવશ આવી ચેષ્ટા કરતી હોય કે અભિનય માટે આવી આંખો ઉલાળતી હોય તેવું નથી, પરંતુ આ પત્રકાર એક પત્રકાર પરિષદમાં હતી ત્યારે તેણે આંખોને કંઈક એ રીતે કરી કે તેનાથી આ વિડિયો વાઇરલ બની ગયો. પણ ચીન કંઈ ભારત નથી. તેણે આ વિડિયોનું રિપૉર્ટિંગ કરવા કે તેના પર ઑનલાઇન ચર્ચા કરવાની વાતોને દબાવી દીધી. ચીનમાં તો એક જ સામ્યવાદી પક્ષનું શાસન છે અને એમાંય હવે શી જિનપિંગ આજીવન સર્વેસર્વા રહેવાના છે. તેથી ત્યાં આ બાબતે કોઈ વિરોધ કરી શકે તેમ નથી.

વાત એમ બની હતી કે દેશની વાર્ષિક સંસદની પ્રેસ કૉન્ફરન્સ હતી અને તેમાં ચીનની પત્રકાર આંખોના ઉલાળા કરતી દેખાય છે જેનો વિડિયો ખૂબ જ વાઇરલ બની ગયો છે. ચીનની સરકારને વાંધો એ વાતે પડ્યો કે ચીનની આ પત્રકાર તેની બાજુમાં ઊભેલી પત્રકારના લાંબા, કંટાળાજનક અને નીરસ પ્રશ્નને સાંભળતા કંટાળી ગઈ અને તે કંટાળાના પ્રતીકરૂપે તેણે તેની આંખો આવી કરી!

વિડિયોમાં શાંઘાઈ સ્થિત ફાઇનાન્સિયલ ન્યૂઝ સર્વિસ યિકાઈ મિડિયાની પત્રકાર લાયંગ શીન્ગાઈ, અમેરિકા સ્થિત એક ટીવી ચેનલની પત્રકાર ઝાંગ હુઇજુન તરફ જોતી દેખાય છે. પછી તે તેની આંખોને કંઈક એ રીતે ઉલાળે છે જેનાથી તેનો કંટાળો સ્પષ્ટ થાય છે. તેનો કંટાળો ઝાંગે ૪૫ સેકન્ડના પૂછેલા પ્રશ્ન માટે હતો. અને આ પ્રશ્ન સરકાર માટે પડકારજનક નહોતો, પણ તેની ખુશામત કરતો હોય તે પ્રકારનો હતો. લાયંગનો કંટાળો કદાચ આ ખુશામતખોરી પ્રત્યે પણ હતો.

ઝાંગ પૂછે છે, “ચીન સરકારની માલિકીની કંપનીઓની વિદેશોમાં રહેલી અસ્ક્યામતોનું અસરકારક નિરીક્ષણ એવી કઈ રીતે કરાશે જેથી મૂડી વિદેશ ન જતી રહે?” આ પ્રશ્નમાં નવા સર્વેસર્વા બનેલા શી જિનપિંગના માનીતા, વન બેલ્ટ તરીકે જાણીતા સિલ્ક રૉડ ઇન્ટરનેશનલ પ્રૉજેક્ટની ખુશામત દેખાતી હતી. તેણે ચીનનો ઉલ્લેખ આપણા દેશ તરીકે પણ કર્યો હતો.

લિયાંગ ઝાંગ તરફ ફરે છે,તેને જુએ છે. પછી તેની આંખો કંઈક નાટકીય ઢબે ઉલાળે છે જેમાં ઝાંગની ખુશામતખોરી પ્રત્યેનો અસંતોષ ઝળકે છે અને પછી મોઢું ફેરવી લે છે.

સામાન્ય રીતે ચીનમાં સરકારની પત્રકાર પરિષદ હોય તેમાં ખુશામતખોરી પ્રકારના પ્રશ્નો અગાઉથી જ પસંદ કરી લેવાતા હોય છે અને તે પૂછનારા પણ સરકારના માનીતા મિડિયાના પત્રકારો જ હોય છે. આથી આ વિડિયો લોકોને બહુ પસંદ પડ્યો અને તેના મીમ પણ બનવા લાગ્યા. કટાક્ષ, વ્યંગચિત્રો અને ટી-શર્ટ તેમજ સેલ ફૉન કવર માટે પૉપ આર્ટ ડિઝાઇન પણ થવા લાગી.

લિયાંગની અભિવ્યક્તિ સરકારની માલિકીના મિડિયા પૈકી કેટલાક તરફથી ટીકાને પાત્ર બની છે. હવે તેનું પ્રેસ એક્રિડિટેશન પાછું પણ ખેંચાઈ શકે છે, એટલું જ નહીં, તેને વધુ સજા પણ થઈ શકે છે.

પત્રકારોએ માહિતી આપી કે લિયાંગને યિકાઈ મિડિયાએ તપાસ માટે પાછી બોલાવી છે.

લિયાંગનું નામ ચીનની સૉશિયલ મિડિયા સાઇટો પર પ્રતિબંધિત કી-વર્ડ બની ગયું છે. ચીનમાં ફેસબુક વગેરે સૉશિયલ મિડિયા પર પ્રતિબંધ છે. તેની પોતાની સૉશિયલ મિડિયા સાઇટો છે. શાસક પક્ષના પ્રચાર વિભાગે તંત્રીઓ અને પત્રકારોને આ આંખના ઉલાળાના કવરેજ પર પ્રતિબંધ મૂકવા સૂચના આપી દીધી છે.