સ્માર્ટ ટૅક્નૉલૉજીથી સ્માર્ટ દુરુપયોગના પડકારો

ત્યારે સ્માર્ટ ફૉનથી જનતા ખૂબ જ ખુશ છે. તેમાંય હવે તો કી બૉર્ડમાં ટાઇપ કરવાં કેટલાક શબ્દો આપોઆપ આવી જાય છે. જીમેઇલમાં જવાબો હવે તૈયાર અપાય છે. આ બધું આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સનો ભાગ છે. બધું ઑટોમેટિક. પરંતુ આ ખતરનાક પણ છે. આ.ઇ. (ગુજરાતી ટૂંકાક્ષર) અથવા એ.આઈ. (અંગ્રેજી ટૂંકાક્ષર) અંગે નિષ્ણાતો વારંવાર ચેતવતા રહ્યા છે. નવી ચેતવણી એ છે કે આનાથી ઑટોમેટેડ હેકિંગ એટેક થઈ શકે, ડ્રાઇવર વિનાની કાર અથડાઈ શકે અથવા કૉમર્શિયલ ડ્રૉનને શસ્ત્રમાં બદલી શકે.કેમ્બ્રિજ, ઑક્સફર્ડ અને યેલ યુનિવર્સિટીના ૨૫ ટૅક્નિકલ અને પબ્લિક પૉલિસી સંશોધકોએ પ્રસિદ્ધ કરેલા અભ્યાસમાં આ ચેતવણી આપવામાં આવી છે. આ અભ્યાસમાં નિજતા (પ્રાઇવસી) તથા સેનાના નિષ્ણાતો પણ છે. તેમણે આ.ઇ.ના દુરુપયોગ સામે લાલબત્તી ધરી છે. અપરાધીઓ અને એકલ પેટા હુમલાખોરો (લૉન વુલ્ફ એટેકર) આ ટૅક્નૉલૉજીનો દુરુપયોગ કરી શકે છે.

સંશોધકોએ કહ્યું કે આ.ઇ.ના દુરુપયોગના ઝળુંબતા પડકારો ડિજિટલ, ભૌતિક અને રાજકીય સુરક્ષા સામે છે. મોટા પાયાના, સારી રીતે લક્ષ્યાંકિત કરીને, ઉચ્ચ અસરકારકતાવાળા હુમલાઓ કરાવીને આ પડકારો ફેંકી શકાય છે. અભ્યાસે પાંચ વર્ષની અંદર થઈ શકે તેવા ઘટનાક્રમ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

ઑક્સફર્ડના ફ્યુચર ઑફ હ્યુમાનિટી ઇન્સ્ટિટ્યૂટ ખાતે એક સંશોધક ફેલો માઇલ્સ બ્રુન્ડેજે કહ્યું કે “અમે બધા સંમત છીએ કે આ.ઇ.ની ઘણી બધી સકારાત્મક ઉપયોગિતા છે. પરંતુ તેના દુરુપયોગની સંભાવના અંગેના સાહિત્યમાં અંતર છે.”આ.ઇ.માં કમ્પ્યૂટરોનો ઉપયોગ એવાં કામો કરવામાં કરાય છે જે સામાન્યત: માનવ બુદ્ધિમતાથી કરાય છે. તેમાં નિર્ણય લેવાનો કે ભાષા, લખાણ કે દૃશ્યાત્મક છબીઓ ઓળખવાની વાત હોઈ શકે છે. તમામ પ્રકારની ટૅક્નિકલ સંભાવનાઓને ખોલવા માટે તે શક્તિશાળી બળ છે તેમ મનાય છે પરંતુ વ્યાપક ઑટોમેશનના પરિણામે બેરોજગારી અને અન્ય સામાજિક વિખવાદો પણ મોટા પાયે સર્જાઈ શકે છે કે કેમ તેની વિશ્વસ્તરે ભીષણ ચર્ચા છેડાઈ ગઈ છે.

૯૮ પાનાના પત્રમાં ચેતવણી અપાઈ છે કે આ.ઇ.ના કારણે હુમલા પાછળ થતો ખર્ચ ઘટી જાય છે. નહીંતર હુમલામાં મજૂરો અને નિષ્ણાતોને જોડવા પડે. હવે હુમલા થશે તો એવા થશે જે કદાચ એકલા માનવને કરવા અઘરા જ નહીં, અશક્ય હોઈ શકે. અને આ હુમલા આ.ઇ.નો દુરુપયોગ કરીને થઈ શકે છે.

આ પત્રએ આ.ઇ. દ્વારા ઊભા થયેલાં સુરક્ષા જોખમો અંગે એકેડેમિક રિસર્ચની સમીક્ષા કરી છે અને સરકારો, નીતિ તેમજ ટૅક્નિકલ નિષ્ણાતોને આ જોખમો ઘટાડવા માટે સાથે મળીને કામ કરવા અનુરોધ કર્યો છે.

સંશોધકોએ આ.ઇ.ની શક્તિનું વર્ણન કર્યું છે કે કઈ રીતે આ.ઇ.ના લીધે વ્યક્તિઓની ડુપ્લીકેટ થઈ શકે છે જે તેના જેવી જ છબી ધરાવતી, લખાણ અને ધ્વનિ ધરાવતી હોઈ શકે છે, તેના કારણે લોકમત બદલી શકાય છે,  અને સરમુખત્યારશાહી વાળા દેશો આ ટૅક્નૉલૉજીનો દુરુપયોગ કરી શકે છે.

આ અહેવાલ અનેક ભલામણો કરે છે જેમાં આ.ઇ.નો ઉપયોગ સેનામાં કે વ્યવસાયિક કરવામાં નિયંત્રણો મૂકવાનો સમાવેશ થાય છે. તેમાં પ્રશ્નો પણ પૂછાયા છે કે એકેડેમિક્સ અને અન્યોએ તેઓ આ.ઇ.ના નવા ઘટનાક્રમ અંગે જે પ્રકાશિત કરે છે અને જાહેર કરે છે તેના પર અંકુશ મૂકવો જોઈએ કે કેમ.

બ્રુન્ડેજે કહ્યું કે અંતે અમે નિરાકરણ પર આવવાના બદલે વધુ પ્રશ્નો જ સર્જી શક્યા. ગયા વર્ષના ઉત્તરાર્ધમાં કથિત ‘ડીપફૅક’ પૉર્નોગ્રાફિક વિડિયો ઑનલાઇન આવવા લાગ્યા હતા જેમાં સેલિબ્રિટીઓના ચહેરા અલગ શરીર પર ફિટ કરી દેવાયા હતા. આમ, ટૅક્નૉલૉજીના દુરુપયોગના ગંભીર પડકારો છે જ.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]