માનવ મગજની નજીક પહોંચવાનો એક પ્રયાસ: સ્પિનનેકર

મ્પ્યૂટરથી આગળ સ્માર્ટ ફૉન આવી ગયા છે અને તેનાથી આગળ એલેક્સા જેવા પર્સનલ આસિસ્ટન્ટ. પરંતુ વૈજ્ઞાનિકો હજુ પણ આગળ ને આગળ વધી રહ્યા છે. તેમણે તાજેતરમાં જ વિશ્વના સૌથી મોટા કમ્પ્યૂટર ‘બ્રેઇન’ને સક્રિય કર્યું છે. જાણીને ચોંકી જવાશે પરંતુ તેમાં દસ લાખ કૉર અને ૧,૨૦૦ એકબીજા સાથે જોડાયેલાં સર્કિટ બૉર્ડ છે જે સાથે મળીને માનવ મગજ જેવું કામ કરે છે.

તે વિશ્વનું સૌથી મોટું ન્યૂરૉમૉર્ફિક કમ્પ્યૂટર છે. તેને બનવામાં દસ વર્ષ લાગ્યાં છે. આ કમ્પ્યૂટર ન્યૂરૉનના ફાયરિંગની નકલ કરે છે, તેમ વૈજ્ઞાનિકોએ તાજેતરમાં જ જાહેર કર્યું છે.

સ્પાઇકિંગ ન્યૂરલ નેટવર્ક આર્કિટૅક્ચર અથવા સ્પિનનેકર નામથી જાણીતું આ કમ્પ્યૂટર પાવરહાઉસ બ્રિટનની માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં આવેલું છે. જે રીતે અત્યાર સુધી પરંપરાગત કમ્પ્યૂટરો કામ કરતા હતાં તેનાથી તે અનેક ગણું આગળ છે, તેમ માન્ચેસ્ટર યુનિવર્સિટીના કમ્પ્યૂટર એન્જિનિયરિંગના પ્રાધ્યાપક સ્ટીવ ફર્બરે કહ્યું. તેઓ આ પ્રૉજેક્ટમાં એક સહભાગી છે.

સ્પિનનેકર મગજની જેમ માત્ર વિચારતું જ નથી, તે બીજા કોઈ પણ કમ્પ્યૂટર કરતાં માનવ મગજમાં ન્યૂરૉનના મૉડલો પણ બનાવે છે અને તે વાસ્તવિક સમયમાં વધુ ન્યુરૉનની નકલ બનાવે છે. ફર્બરે કહ્યું કે તેનું મુખ્ય કામ મગજના આંશિક મૉડલોને સહાય કરવાનું છે; જેમ કે કૉર્ટેક્સનું મૉડલ, બેસલ ગાંગ્લિયાનું મૉડલ અથવા બહુ પ્રદેશો- જે સ્પાઇકિંગ ન્યૂરૉનના નેટવર્ક તરીકે ખાસ ઓળખાય છે.

એપ્રિલ ૨૦૧૬થી સ્પિનનેકર પાંચ લાખ કૉર પ્રૉસેસરોનો ઉપયોગ કરીને ન્યુરૉનની પ્રવૃત્તિની નકલ કરી રહ્યું હતું પરંતુ આધુનિકૃત મશીનની બમણી ક્ષમતા છે. યુરોપીય સંઘના માનવ મગજ પ્રૉજેક્ટની સહાયથી સ્પિનનેકર વૈજ્ઞાનિકોને વિગતવાર મગજના મૉડલો બનાવવામાં મદદ કરશે. ઉલ્લેખનીય છે કે યુરોપીય સંઘનો આ પ્રૉજેક્ટ આભાસી માનવ મગજ બનાવવા માટેનો પ્રયાસ છે. હવે સ્પિનનેકરની ક્ષમતા ૨૦૦ ક્વાર્ડિલિયન (૨૦૦ X દસ લાખ અબજ) જેટલાં કાર્યો એક સાથે કરી શકે છે!જ્યારે કેટલાંક અન્ય કમ્પ્યૂટરો તેમનામાં રહેલાં પ્રૉસેસરોની સંખ્યાની દૃષ્ટિએ સ્પિનનેકરની હરીફાઈ કરી શકે છે, પરંતુ આ પ્રૉસેસરોને જોડતા આંતરમાળખાના કારણે સ્પિનનેકર અલગ પડે છે. માનવ મગજમાં ૧૦૦ અબજ ન્યુરૉન એક સાથે સળગે છે અને હજારો સ્થળે તે સંકેત મોકલે છે. સ્પિનનેકરનું આર્કિટૅક્ચર તેના પ્રૉસેસરો વચ્ચે અદ્ભુત સંદેશાવ્યવહારની ક્ષમતાને જન્મ આપે છે. આ રીતે તે મગજના ન્યુરલ નેટવર્કની જેમ જ કામ કરતું જણાય છે.

ફર્બરે કહ્યું કે “પરંપરાગત સુપરકમ્પ્યૂટરોમાં જોડાણની મિકેનિઝમ હોય છે જે વાસ્તવિક સમયમાં કામ કરતા મગજના મૉડલને બહુ ઓછી અનુકૂળ આવે છે. જ્યારે મારા મતે સ્પિનનેકર બીજા કોઈ પણ મશીન કરતાં જૈવિક વાસ્તવિક સમયમાં વિશાળ સ્પાઇકિંગ ન્યુરલ નેટવર્કનું મૉડલિંગ કરવામાં સક્ષમ છે.”

અગાઉ જ્યારે સ્પિનનેકર માત્ર પાંચ લાખ પ્રૉસેસરો સાથે જ કામ કરતું હતું ત્યારે તેણે કૉર્ટેક્સમાં ૮૦ હજાર ન્યુરૉનને મૉડેલ કર્યા હતા. કૉર્ટેક્સ મગજનો એવો પ્રદેશ છે જે ઈન્દ્રિયો તરફથી આવતી માહિતીનું સંચાલન કરે છે. મગજનો બીજો એક ભાગ બેસલ ગાંગ્લિયા છે જેની નકલ પણ સ્પિનનેકર કરે છે. મગજનો આ વિસ્તાર પાર્કિન્સન્સના રોગના કારણે અસર પામતો હોય છે. આનાથી સંકેત મળે છે કે કમ્પ્યૂટર મગજની ખામીઓનો અભ્યાસ કરવા માટે સંભવિત સાધન હોઈ શકે છે.

સ્પિનનેકર સ્પૉમ્નિબૉટ નામના મોબાઇલ રૉબૉટનું નિયંત્રણ પણ કરી શકે છે. તે રૉબૉટના દૃશ્ય સેન્સરમાંથી માહિતીનું અર્થઘટન કરવા કમ્પ્યૂટરનો ઉપયોગ કરે છે અને કઈ તરફ જવું તેની પસંદગી વાસ્તવિક સમયમાં કરે છે.તેની તમામ ગણના શક્તિ અને મગજ જેવી ક્ષમતાઓના કારણે સ્પિનનેકર વાસ્તવિક માનવ મગજથી કેટલું નજીક છે? અત્યારે તો માનવ મગજની અદ્દલ નકલ કરવી શક્ય નથી તેમ ફર્બર માને છે. સ્પિનનેકર જેવું આધુનિક યંત્ર માનવ મગજ દ્વારા થતા સંદેશાવ્યવહારનો એક નાનકડો હિસ્સો જ સંભાળી શકે છે અને સુપર કમ્પ્યૂટર પોતાની રીતે વિચારતાં થાય તેને હજુ ઘણી વાર છે તેમ ફર્બરે લખ્યું છે.

દસ લાખ પ્રૉસેસરો હોવા છતાં આપણે માનવ મગજના માત્ર એક ટકા જેટલું જ કામ આ સુપર કમ્પ્યૂટર પાસે કઢાવી શકીએ છીએ. જોકે સ્પિનનેકર ઉંદરના મગજના કાર્યની નકલ જરૂર કરી શકે છે. ઉંદરનું મગજ માનવના મગજ કરતાં એક હજાર ગણું નાનું છે. સાચા માળખામાં જોડાયેલા પૂરતા ન્યુરૉન હોય તો ઉંદર જેવું મગજ શક્ય છે તેમ ફર્બરે કહ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]