‘વિરુષ્કા’: કમ્બાઈન્ડ બ્રાન્ડ બનશે વધારે મજબૂત

11 ડિસેમ્બર, 2017થી વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા કુંવારા રહ્યાં નથી અને પતિ-પત્ની બની ગયાં છે. પોતપોતાનાં ક્ષેત્ર, અનુક્રમે ક્રિકેટ અને હિન્દી ફિલ્મોમાં લોકપ્રિય થયેલાં આ બંને જણ ઈટાલીના ટસ્કેની ખાતે ડ્રીમ વેડિંગ પ્રસંગમાં લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં છે.

આમ, ભારતને એક નવું પાવર-કપલ મળ્યું છે – વિરુષ્કા.

ભારતીય ક્રિકેટ ટીમના ખૂબ સફળ કેપ્ટન અને બેટ્સમેન વિરાટ કોહલી અને બોલીવૂડની સફળ અભિનેત્રી અનુષ્કામાં દેશનાં યુવા વ્યક્તિઓ પર આગવી છાપ ઊભી કરવાની ગજબની શક્તિ રહેલી છે. હવે આ બંને જણ સહિયારી રીતે વધારે મજબૂત બ્રાન્ડ તરીકે જાહેરખબરના ક્ષેત્રમાં છવાઈ જઈ શકે છે.

કોહલી-અનુષ્કાની લોકપ્રિયતા

વિરાટ કોહલી અને અનુષ્કા 2013માં એકબીજાની નિકટ આવ્યાં એ સાથે જ એમણે દેશના યુવા લોકોમાં એક આદર્શ પ્રતિનિધિઓ તરીકેની છાપ ઊભી કરી છે. બંને જણ યુવા છે, દેખાવડાં છે, ઉત્સાહ-જુસ્સાથી છલોછલ છે, જિંદગીમાં પ્રગતિ કરવા વિશે પ્રતિબદ્ધ છે, ચબરાક છે અને એનાથીય વધારે, ભારતમાં બંને જણ પ્રત્યે એક પ્રકારનો આદર છે.

કોહલી ભારતનો સુપરસ્ટાર કેપ્ટન છે તો અનુષ્કા બોલીવૂડની સુપરસ્ટાર અભિનેત્રી છે.

આ બંનેનું પહેલાં પ્રેમીપંખીડાનાં રૂપમાં અને હવે જીવનસાથી તરીકેનું મિલન ધમાલ મચાવી શકે છે. બંને જણ મળીને ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર પાંચ કરોડ 66 લાખ જેટલા ફોલોઅર્સ ધરાવે છે.

સંપત્તિવાન અનુષ્કા…

અનુષ્કા અભિનેત્રી ઉપરાંત ભારતની સૌથી યુવાન વયની ફિલ્મ નિર્માત્રી છે. એની નિર્માણ કંપની – ક્લીન સ્લેટ ફિલ્મ્સે અત્યાર સુધીમાં બે ફિલ્મ બનાવી છે – NH10 અને ફિલ્લોરી. તે ઉપરાંત અનુષ્કાએ ગયા ઓક્ટોબરમાં એની પોતાની ક્લોધિંગ બ્રાન્ડ ‘નૂશ’ લોન્ચ કરી હતી.

એવું કહેવાય છે કે અનુષ્કા પ્રત્યેક ફિલ્મમાં કામ કરવા માટે 10 કરોડ રૂપિયાની ફી લે છે. તો, દરેક જાહેરખબરમાં કામ કરવા માટે ચાર કરોડ રૂપિયા લે છે.

અનુષ્કા પેપ્સી અને નૂશ સહિત 10 બ્રાન્ડનો પ્રચાર કરે છે. એની નેટ વર્થ રૂ. 220 કરોડ જેટલી હોવાનું મનાય છે.

વિરાટ કોહલીની સંપત્તિ…

કોહલી માત્ર ભારતના જ નહીં, પણ સમગ્ર વિશ્વના સૌથી ધનવાન રમતવીરોમાંનો એક છે. એની નેટ વર્થ રૂ. 390 કરોડ હોવાનું મનાય છે.

કોહલીને પ્રત્યેક વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં રમવા માટે રૂ. ત્રણ લાખ મળે છે. તો પ્રત્યેક ટેસ્ટ મેચ માટે પાંચ લાખ અને પ્રત્યેક ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં રમવા માટે બે લાખ રૂપિયા મળે છે. આઈપીએલ ક્રિકેટ લીગ સ્પર્ધાની એક મોસમમાં રમવા માટે એ રૂ. 14 કરોડ ચાર્જ કરે છે.

કોહલી 18 જેટલી લક્ઝરી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે. પ્રત્યેક જાહેરખબરમાં ચમકવા માટે એ પ્રતિ દિવસ માટે પાંચ કરોડ રૂપિયા ચાર્જ કરે છે અને પ્રત્યેક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે રૂ. ત્રણ કરોડ ચાર્જ કરે છે.

કોહલીએ એક સ્પોર્ટ્સ સ્ટાર્ટ-અપ કંપની પણ શરૂ કરી છે. ‘ચિઝલ’ નામની જિમ્સની એક ચેઈનનો પણ એ માલિક છે તો દુબઈની ટેનિસ ટીમ યૂએઈ રોયલ્સનો એ સહ-માલિક છે. એની અંગત પ્રોપર્ટી અને ઈન્વેસ્ટમેન્ટનો આંક અંદાજે રૂ. 60 કરોડ છે.

કોહલી અને અનુષ્કા ક્લીયર શેમ્પૂની એક જાહેરખબરમાં એક્ટિંગ કરવાના વખતથી એકબીજાનાં સંપર્કમાં આવ્યા હતા. તાજેતરમાં બંને જણ માન્યવર બ્રાન્ડ માટે વિડિયો ફિલ્મમાં સાથે ચમક્યા હતા.

હવે લગ્ન કરી લીધા બાદ વિરાટ અને અનુષ્કાની બ્રાન્ડ વેલ્યૂ વધશે અને જોડી વધારે પોપ્યૂલર થશે, બંને જણ એડ-ગુરુઓનાં માનીતાં થશે એમાં શંકાને સ્થાન નથી.