આ છે, કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન રિજીજુનું ફિટનેસ લેવલ…

ભારતમાં કેફી પદાર્થોના વ્યસન વિરુદ્ધ અને સ્વસ્થ ભારત (ફિટ ઈન્ડિયા) વિશે જનજાગૃતિ ફેલાવવા માટે શરૂ કરાયેલી ઝુંબેશના ભાગ રૂપે ઈન્ટરનેટ પર આજકાલ ધૂમ મચાવી રહી છે ‘બોટલકેપચેલેન્જ’. આ ચેલેન્જમાં કેન્દ્રના સ્પોર્ટ્સ અને યુવાઓને લગતી બાબતોનાં પ્રધાન કિરન રિજીજુ પણ સામેલ થયા છે.

આ ચેલેન્જ અંતર્ગત લોકો પોતાની ફિટનેસનું પ્રમાણ બતાવી રહ્યાં છે.

રિજીજુએ પણ આ વિડિયો દ્વારા પોતાની શારીરિક ફિટનેસનું લેવલ બતાવી દીધું છે. તેઓ પાણીની એક બોટલનું ઢાંકણ લાત મારીને સફળતાપૂર્વક ખોલતા જોઈ શકાય છે. આ વિડિયો સાથેની કેપ્શનમાં એમણે લખ્યું છેઃ ‘ડ્રગને કહો બાય-બાય, નિરોગી જીવન અણમોલ સંપત્તિ છે. ફિટ ઈન્ડિયા કેમ્પેન માટે થઈ જાવ તૈયાર’.

એમણે આ વિડિયો ગયા બુધવારે સવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. આ વિડિયોએ માત્ર પાંચ કલાકમાં જ 31 હજાર વ્યૂઝ મેળવ્યા હતા અને અત્યારે સુધીમાં એ આંકડો 58 હજારથી વધી ગયો છે. આમ, રિજીજુ પોતાની ખેલદિલીને સાવ નવા સ્તરે લઈ ગયા છે.

આ વિડિયો જોઈને ઈન્ટરનેટ યુઝર્સ રિજીજુની વાહ-વાહ પોકારી રહ્યાં છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએની દ્વિતીય સરકારમાં સામેલ થયેલા રિજીજુ અરૂણાચલ પ્રદેશમાંથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા છે.

બોટલ કેપ ચેલેન્જ દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. અનેક વૈશ્વિક હસ્તીઓ આમાં સામેલ થઈ છે.

બોલીવૂડના અનેક કલાકારો પણ આ ચેલેન્જમાં સામેલ થયા છે જેમ કે – અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, વિદ્યુત જામવાલ, સિદ્ધાંત ચતુર્વેદી વગેરે.