સંતાન ડોક્ટર બને એવી સાનિયાની ઈચ્છા

ટેનિસ કારકિર્દીમાં અનેક ગ્રાન્ડસ્લેમ સહિત અસંખ્ય ટ્રોફીઓ જીતનાર ભારતની ચેમ્પિયન ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા ગર્ભવતી છે. એણે પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યાં છે. સ્ટાર દંપતી એમનાં પ્રથમ સંતાનનાં આગમનની રાહ જોઈ રહ્યું છે. બંને જણ એકાદ-બે મહિનામાં માતા-પિતા બનવાને આરે છે.

સાનિયાએ હિન્દુસ્તાન ટાઈમ્સ અખબારના ‘બ્રન્ચ’ સામયિકને આપેલી મુલાકાતમાં એક સવાલનો એકદમ અણધાર્યો જવાબ આપ્યો હતો. એને પૂછવામાં આવ્યું હતું કે, ‘તારું સંતાન કઈ રમતમાં આગળ વધશે એવું તું ઈચ્છે છે? ટેનિસ કે ક્રિકેટ? અને તારું સંતાન કયા દેશનું પ્રતિનિધિત્વ કરે એવું તું ઈચ્છીશ?’

એના જવાબમાં, સાનિયાએ ન તો ટેનિસને પસંદ કરી કે ન ક્રિકેટને. એણે કહ્યું કે, ‘હું મારાં સંતાનને ડોક્ટર બનાવવાનું પસંદ કરીશ.’

સાનિયાએ એમ પણ કહ્યું કે, એ કદાચ કોઈક ત્રીજો દેશ પસંદ કરશે, કારણ કે સંતાનની રાષ્ટ્રીયતા વિશે એણે હજી સુધી વિચાર કર્યો નથી.

અને જ્યારે એમ પૂછાયું કે, ‘તને સંતાનમાં શું આવે તો ગમશે? દીકરો કે દીકરી?’ ત્યારે સાનિયાએ જવાબ આપ્યો કે, ‘એનાથી કોઈ ફરક નથી પડતો.’ જોકે એનાં પતિએ કાયમ એવી ઈચ્છા રાખી છે કે અમને દીકરી આવે, એવું સાનિયાએ કહ્યું છે.

એક સવાલના જવાબમાં સાનિયાએ કહ્યું કે, મેં ભારત અને પાકિસ્તાનને એકત્રિત કરવાના હેતુથી શોએબ સાથે લગ્ન કર્યા નથી. એવા અહેવાલો ખોટા છે.

સાનિયાએ કહ્યું કે મને પાકિસ્તાનમાં ખૂબ જ પ્રેમ મળે છે. લોકો કહે છે કે, અમારું સંતાન ભારત-પાકિસ્તાનનું લવ-ચાઈલ્ડ હશે, પરંતુ અમે આ ટેગને ગંભીરતાથી લીધું નથી.

સાનિયા મહિલાઓની ડબલ્સમાં ભૂતપૂર્વ નંબર-1 છે અને એ છ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ્સ જીતી ચૂકી છે. એણે છ વર્ષની વયથી ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું અને 2003માં પ્રોફેશનલ ખેલાડી બની હતી.

સાનિયા ભારતમાં સૌથી વધારે લોકપ્રિય મહિલા ખેલકૂદ હસ્તીઓમાંની એક છે.