માર્શા ચાંગલા દુતિયાઃ રાઈફલ શૂટિંગ શીખવે છે આ મહિલા…

અત્યાર સુધીમાં ૧૦૦૦થી વધુ લોકોને શૂટિંગની તાલીમ આપી ચૂકેલી આ ગુજ્જુ નિશાનેબાજ હવે શરૂ કરવા જઈ રહી છે ગુજરાતની પ્રથમ મહિલા સંચાલિત શૂટિંગ એકેડેમી.

આજની નારી પણ સમયની સાથે ચાલીને દરેક ક્ષેત્રમાં પોતાની ઓળખ ઊભી કરી રહી છે. પહેલાં મહિલાના હાથમાં વેલણ જ શોભે એવું સાંભળવા અને જોવા મળતું, પરંતુ આજે મહિલાના હાથમાં ગન પણ જોવા મળે છે. રાજકોટની એક મહિલા તો પુરુષો સુદ્ધાંને ગન ચલાવવાની તાલીમ આપે છે. આ મહિલાએ શૂટિંગને પ્રોફેશન-વ્યવસાય બનાવ્યો છે. નામ છે એનું માર્શા ચાંગેલા દુતિયા. આ ગુજરાતની પ્રથમ મહિલા સંચાલિત શૂટિંગ એકેડેમી પણ શ‚રૂ કરવાની છે.

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામમાં જન્મેલી માર્શાને નાનપણથી જ સ્પોર્ટ્સમાં રસ હતો. પિતા ગામડે ખેતીકામ કરે અને માતા ઘરકામ. માર્શાના પરિવારમાં એક ભાઈ અને એક બહેન. માર્શાનો ઉછેર અને પ્રાથમિક અભ્યાસ એ જ ગામમાં થયો. પછી એણે રાજકોટમાં અભ્યાસ કર્યો. કણસાગરા કૉલેજમાં ગ્રૅજ્યુએશનની સાથે અડાલજ કૉલેજમાં ફિઝિકલ એજ્યુકેશનની ડિગ્રી મેળવી. ત્યાર બાદ સ્પોર્ટ્સને જ કરિયર બનાવી રાજકોટની સ્કૂલમાં વિદ્યાર્થીઓને તાલીમ આપવાની શરૂઆત કરી. કૉલેજકાળમાં જ વૉલીબૉલ, ખો-ખો જેવી રમત સાથે એણે શૂટિંગમાં પણ નિપુણતા મેળવી.

૧૭ વર્ષની ઉંમરે ગન હાથમાં લેનારી માર્શા ચાંગેલા દુતિયા ચિત્રલેખાને કહે છે:

‘ગામડામાં જ ઉછેર થયો હોવાથી ખેલકૂદ વધારે ગમતું, પરંતુ ગામડામાં સ્પોર્ટ્સની સુવિધાનો અભાવ રહેતો. રાજકોટ આવ્યા બાદ અભ્યાસની સાથે સ્પોર્ટ્સમાં પણ વધારે ધ્યાન આપ્યું. કૉલેજમાં એનસીસીમાં ભાગ લઈને C સર્ટિફિકેટ પણ પ્રાપ્ત કર્યું છે.’

રાઈફલ શૂટિંગમાં પુરુષો વધારે હોય છે, પણ હવે મહિલાઓ જોડાય છે. શૂટિંગ શીખનારા તમામ એને પ્રોફેશન નથી બનાવતા. એ બધા આ હથિયારનો ઉપયોગ જીવનમાં ઘણી વાર કરતા પણ નથી. જો કે શૂટિંગની તાલીમ લેવાથી અંદરનો ડર દૂર થાય છે અને સાથે જીવનમાં આવનારી મુશ્કેલીઓને ધીરજથી સમજીને દૂર કરી શકાય છે. રાઈફલ શૂટિંગની તાલીમ મેળવનારામાં પૅશન, એકાગ્રતા, ફાઈટિંગ સ્પિરિટ જેવા ગુણ ખીલે છે, જે જીવનમાં ખૂબ ઉપયોગી છે. આમ આ તાલીમ મેળવનારી વ્યક્તિની શારીરિક અને માનસિક ક્ષમતામાં વધારો થાય છે. રાઈફલ શૂટિંગમાં ટાર્ગેટ ૧૦, ૨૦ કે ૫૦ મીટર દૂર હોવાથી એનું સચોટ નિશાન લેવા માટે ધીરજ રાખીને યોગ્ય સમયે ફાયર કરવાનું હોય છે. આમ ધીરજ જેવો ગુણ પણ આ તાલીમને કારણે કેળવાય છે.

માર્શાએ વર્ષ ૨૦૦૩થી શૂટિંગની તાલીમ આપવાની શરૂઆત કરી છે. એણે રાજકોટની અલગ અલગ સાતેક જેટલી સ્કૂલમાં કોચ તરીકે ૧૦૦૦થી વધારે વિદ્યાર્થીને રાઈફલ પકડવાની અને યોગ્ય નિશાન લેવાની તાલીમ આપી છે. આ કાર્ય દરમિયાન વર્ષ ૨૦૧૨માં રાજકોટસ્થિત કૃણાલ દુતિયા નામના ફિઝિયો ટ્રેનર સાથે એનાં લગ્ન થયાં. આજે માર્શાને એક વર્ષની દીકરી છે.

માર્શાની સિદ્ધિની વાત કરીએ તો એની નીચે તૈયાર થયેલા ૧૦ વિદ્યાર્થી મહિને ૪૫૦૦ રૂપિયા ગુજરાત સરકાર તરફથી સેન્ટર ઑફ એક્સલન્સ (સીઓઈ) મેળવે છે. પચ્ચીસ જેટલા વિદ્યાર્થી નૅશનલમાં રમી ચૂક્યા છે. દર વર્ષે રાઈફલ શૂટિંગની સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા આયોજિત ચૅમ્પિયનશિપમાં ભાગ લેતા વિદ્યાર્થીમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓએ માર્શા ચાંગેલા પાસે તાલીમ લીધી છે. માર્શા પાસે ઈન્ટરનૅશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશનનું લાઈસન્સ હોવાથી ઈન્ટરનૅશનલ કક્ષાની સ્પર્ધામાં એ જજ તરીકેની લાયકાત ધરાવે છે.

માર્શા કહે છે: ‘મોટા ભાગે મહિલાનાં લગ્ન થાય એટલે વેલણ પકડીને રોટલી કરવાની શરૂઆત થાય, પરંતુ મારા પતિનો સપોર્ટ મળ્યો અને મેં વેલણના બદલે ગન પકડી રાખી. મહિલાઓમાં એક અદભુત શક્તિ હોય છે અને રાઈફલ શૂટિંગમાં મારી દ્રષ્ટિએ મહિલાઓ વધુ સફળ થઈ શકે છે, કારણ કે મહિલાઓમાં ધીરજનો ગુણ રહેલો છે. એ યોગ્ય સમયની રાહ જોઈ શકે છે.’

અત્યાર સુધી સ્કૂલમાં બાળકોને રાઈફલ શૂટિંગની તાલીમ આપ્યા બાદ હવે માર્શા પોતાની એકેડેમી શરૂ કરવા જઈ રહી છે, જેમાં ૨૦૦૦ સ્ક્વેર ફૂટ જગ્યામાં ૧૦ મીટરની ૧૦ લેન હશે. આમ માર્શા પ્રોફેશનલ શૂટિંગ એકેડેમી ચલાવનારી ગુજરાતની પહેલી મહિલા બનશે.

એકેડેમી વિશે વાત કરતાં માર્શા કહે છે: ‘રાજકોટના ૧૫૦ ફૂટ રોડ પર ‘ટેન પૉઈન્ટ નાઈન’ નામની એકેડેમી ટૂંક સમયમાં શરૂ થશે. આ વિચાર એ રીતે આવ્યો કે આ બધા એવા કોર્સ છે, જે નિરાંતના સમયમાં વધુ શીખી શકાય છે. વૅકેશનમાં બાળકોને નિરાંત હોય છે આથી નક્કી કર્યું કે એકેડેમી શરૂ કરીએ. રાઈફલ શૂટિંગમાં બોલ્થર મેરિન એન્શુઝની ઍરગન વાપરવામાં આવે છે. આ ગનનું વજન એક કિલોથી લઈને પાંચ કિલો જેટલું હોય છે. શૂટ કરતી વખતે પગથી માથા સુધી એક ચોક્કસ પ્રકારની બૉડી લૅન્ગ્વેજ રાખવાની હોય છે. પ્રથમ રાઉન્ડના શૂટ વખતે જે પ્રકારે મસલ્સ સેટ કર્યા હોય એ જ અંતિમ રાઉન્ડ સુધી હોય તો જ પરિણામ સારું મળે છે. કોઈ સ્પર્ધક શૂટ સમયે શ્વાસ રોકી રાખે છે, જેથી રાઈફલ હલતી નથી અને ધાર્યું નિશાન પાર પડે છે. શૂટિંગની તાલીમની વાત કરીએ તો બેઝિક ગન કેમ પકડવી એ બે-ત્રણ દિવસમાં શીખી શકાય છે. બાકી, શીખનારી વ્યક્તિ પર બધો આધાર રાખે છે.’

માર્શા રાઈફલ શૂટિંગ ઉપરાંતના શોખ વિશે વાત કરતાં કહે છે: ‘વૉલીબૉલ, ખો-ખોમાં નૅશનલ સુધી રમી છું એટલે એ પણ મારા શોખના વિષય છે. એ ઉપરાંત, ટ્રાવેલિંગ, માઉન્ટેનિયરિંગ, ટ્રૅકિંગ અને ગીતોનો શોખ છે. હું માનું છું કે દરેક બાળકને અભ્યાસની સાથે એમની રુચિની પ્રવૃત્તિ કરવાનું પ્રોત્સાહન આપવું જોઈએ.’

(અહેવાલઃ જિતેન્દ્ર રાદડિયા)