IPL 2019ઃ શું જાહેર થયું? શું જાહેર થવાનું બાકી?

ટીમ દીઠ 20-20 ઓવરોવાળી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ક્રિકેટ સ્પર્ધા માત્ર ભારતમાં જ નહીં, દુનિયાના અનેક દેશોમાં લોકપ્રિય થઈ છે. આ વખતની સ્પર્ધા ભારતમાં જ રમાશે એવી સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે. આ જ વર્ષે લોકસભાની ચૂંટણી નિર્ધારિત હોવાથી આ વખતની આઈપીએલ સ્પર્ધા IPL વિદેશમાં કોઈક સ્થળે રમાશે એવી અટકળો હતી, પણ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે 23 માર્ચથી આઈપીએલ ભારતમાં શરૂ થશે એવી જાહેરાત કરીને અટકળોનો અંત લાવી દીધો છે.

આ વખતની IPL આ સ્પર્ધાની 12મી આવૃત્તિ હશે. જેમાં આઠ ટીમ રમશે – ગયા વર્ષની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ, રનર્સ અપ ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, કિંગ્સ ઈલેવન પંજાબ, કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ (અગાઉની દિલ્હી ડેરડેવિલ્સ), રાજસ્થાન રોયલ્સ.

IPL 12 અથવા IPL 2019 વિશે કેટલીક જાહેરાતો થઈ ગઈ છે અમુક બાકી છે. જાણકારી નીચે મુજબ છેઃ

  • આ વખતની આઈપીએલ ધાર્યા કરતાં વહેલી યોજાશે.
  • સામાન્ય રીતે આઈપીએલ એપ્રિલ-મે મહિનામાં રમાતી હોય છે, પણ આ વખતે લોકસભાની ચૂંટણી એપ્રિલ-મે મહિનામાં જ નિર્ધારિત હોવાથી આઈપીએલ વહેલી યોજવામાં આવશે.

  • 2018ની આઈપીએલ સ્પર્ધા 7 એપ્રિલથી શરૂ થઈ હતી અને 27 મેએ રમાયેલી ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને પરાજય આપ્યો હતો.
  • 2009 અને 2014ની આઈપીએલ લોકસભાની ચૂંટણીઓને કારણે વિદેશમાં યોજવામાં આવી હતી. 2014માં, સ્પર્ધાનો પહેલો હાફ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં યોજવામાં આવ્યો હતો.
  • 2019ની સ્પર્ધા માટે ખેલાડીઓની હરાજી 18 ડિસેંબરે બેંગલુરુમાં યોજવામાં આવી હતી. જયદેવ ઉનડકટ અને વરુણ ચક્રવર્તિ નામના બે ખેલાડી સૌથી ઊંચી બોલી સાથે ખરીદવામાં આવ્યા હતા. બંને જણ રૂ. 8 કરોડ 40 લાખમાં ખરીદવામાં આવ્યા હતા.

  • ફાસ્ટ બોલર ઉનડકટને રાજસ્થાન રોયલ્સે અને સ્પિનર ચક્રવર્તિને કિંગ્સ ઈલેવન પંજાબે ખરીદ્યો છે. ચક્રવર્તિને તો એની બેઝ પ્રાઈસ કરતાં 40 ગણી ઊંચી કિંમતે પંજાબ ટીમે ખરીદ્યો છે.
  • લોકસભા ચૂંટણી ઉપરાંત આઈસીસી ODI વર્લ્ડ કપ સ્પર્ધા પણ મે મહિનામાં જ નિર્ધારિત છે. એ 30 મેથી શરૂ થવાની છે.
  • બીસીસીઆઈએ બંધારણીય નિયમ ઘડ્યો છે કે આઈપીએલ સ્પર્ધા અને ભારતીય ટીમની આગામી આંતરરાષ્ટ્રીય સીરિઝ કે સ્પર્ધા વચ્ચે ઓછામાં ઓછું 15-દિવસનું અંતર હોવું જોઈએ.

  • તેથી આઈપીએલ-2019ની ફાઈનલ મેચ 12 મે અથવા એની આસપાસ યોજાય એવી ધારણા છે.
  • સ્પર્ધાની મેચો માટે ક્રિકેટ બોર્ડે દેશભરમાં 20 સ્થળો નક્કી કર્યા છે. આમાં પુણે, લખનઉ, કાનપુર, તિરુવનંતપુરમ, વિશાખાપટનમ, રાંચી, કટક, રાજકોટ, ગુવાહાટી, રાયપુર, ઈન્દોર, ધરમશાલા જેવા નવા શહેરોનો સમાવેશ થાય છે. રેગ્યૂલર શહેરો છે – મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, મોહાલી, જયપુર, હૈદરાબાદ, જે સ્પર્ધાની 8 ટીમોના હોસ્ટ સિટી છે.