થર્ડ અમ્પાયર પર જવાબદારી વધારવાની જરૂર છે

આ વખતની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધા વિવાદોની રહી છે. એક મેચમાં ‘માંકડિંગ’ રનઆઉટનો કિસ્સો થયો અને બીજી એક મેચમાં અમ્પાયરે નો-બોલ ન જોતાં મામલો ગરમ થઈ ગયો.

માંકડિંગ રનઆઉટનો કિસ્સો મોટે ભાગે અંગત હતો અને એ કાયદાની અંદર હતો – જોકે ખેલની ભાવનાથી વિપરીત હતો… એ કિસ્સામાં સંબંધિત ખેલાડી, જે કિંગ્સ ઈલેવન પંજાબ ટીમનો કેપ્ટન રવિચંદ્રન અશ્વિન હતો, એણે જ નક્કી કરવાનું હતું.

ટેક્નોલોજીનો ઉપયોગ

તે છતાં આજના યુગમાં, જ્યારે ઘણી બધી ટેક્નોલોજી ઉપલબ્ધ છે ત્યારે પેલો નો-બોલનો કિસ્સો તો ચોક્કસપણે વિવાદિત થતો ટાળી શકાયો હોત.

આ પ્રકારની ભૂલો રોમાંચક મેચોની મજા મારી નાખે છે. મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની મેચ કેવી રોમાંચક બની ગઈ હતી ખબર છેને…

જો અમ્પાયર એસ. રવિએ મુંબઈ ઈન્ડિયન્સના લસિથ મલિંગાના એ છેલ્લા બોલને નો-બોલ જાહેર કર્યો હોત તો ફોર્મમાં બેટિંગ કરતા એબી ડી વિલિયર્સને છેલ્લો બોલ રમવા મળ્યો હોત, ફ્રી-હિટ હોત. જીત માટે બેંગલોર ટીમને એક બોલમાં 6-રનની જરૂર હતી અને મેચનું પરિણામ તો કંઈ પણ આવી શક્યું હોત.

રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો કેપ્ટન વિરાટ કોહલી ગુસ્સે ભરાયો એ બરાબર જ હતું. આટલા સાંકળા માર્જિનવાળી મેચમાં અમ્પાયરનો છબરડો નિર્ણાયક બની જાય.

એસ. રવિ આપણા દેશના ઉત્તમ અમ્પાયરોમાંના એક છે અને આઈસીસીની એલિટ પેનલમાંના સભ્ય પણ છે.

અગાઉ જ્યારે બેકફૂટ નો-બોલ નિયમ લાગુ હતો ત્યારે અમ્પાયરોને જજ કરવામાં બહુ તકલીફ પડતી હતી. હવે તો એમણે માત્ર બોલરના આગલા પગ ઉપર જ ધ્યાન રાખવાનું હોય છે. તેથી કામ આસાન હોય છે. હવે અમ્પાયરની નજર આડે કંઈ આવતું નથી હોતું.

અમ્પાયરે માત્ર નો-બોલનું જ ધ્યાન રાખવું પડે છે એટલું જ નહીં, એમણે વાઈડ-બોલ, લેગબીફોર નિર્ણયો, કટનો ઝીણો અવાજ અને બેટ-પેડ સ્પર્શ નિર્ણયો પણ લેવાના હોય છે અને આ બધું જ ધ્યાન એમણે અમુક સેકંડોમાં જ રાખવાનું રહેતું હોય છે. આ ઘણું અઘરું કામ પણ હોય છે.

તેથી જો ટેક્નોલોજીની મદદ ઉપલબ્ધ છે તો શા માટે લેવી ન જોઈએ? દરેક બોલ નો-બોલ છે કે નહીં એ થર્ડ અમ્પાયર શા માટે ચેક ન કરે? એમની મદદે તો કેમેરા પણ હોય એટલે એમને બોલિંગ ક્રીઝનો ક્લીયર વ્યૂ મળે. એ તો સ્લો મોશનમાં પણ જોઈને ચેક કરી શકે છે. માત્ર કોઈ વિકેટ પડે એ જ વખતે ફિલ્ડ અમ્પાયરે થર્ડ અમ્પાયરને ચેક કરવાનો ઈશારો કરવો એવું ન હોવું જોઈએ.

આવું જો પગલું લેવાય તો થર્ડ અમ્પાયર બિઝી રહેશે તેમજ નિર્ણયોની ગુણવત્તા સુધરશે. ઓન-ફિલ્ડ અમ્પાયરો પરનો બોજો ઘટી જશે. નો-બોલનું ટેન્શન એમના માથેથી ઘણું ખરું નીકળી જશે.

હાલની જ વાત કરીએ તો આજકાલ T20 મેચોના દરેક દાવમાં ત્રણથી ચાર નો-બોલ અમ્પાયરના ધ્યાન બહાર રહી જતા હોય છે. એ બધી ડિલીવરીઓ જીત અને હાર વચ્ચે ફરક પાડી શકે છે.

તેથી થર્ડ અમ્પાયરને માથે વધારે જવાબદારી નાખવાની જરૂર છે.