ક્રિકેટરોને પસંદ કરનારાઓનો પગાર વધ્યો…

ભારતની ક્રિકેટ ટીમ દેશ-વિદેશની ધરતી પર શ્રેણીઓ, સ્પર્ધાઓમાં રમે. આ ક્રિકેટરો જીતે તો દેશવાસીઓ ખુશ થાય, હારે તો નિરાશ થાય. આ ક્રિકેટરોની ટીમ પસંદ કરવાની જવાબદારી પસંદગીકારોને સોંપવામાં આવી છે. પસંદગીકારોને એમની કામગીરી બજાવવા માટે વધારે મહેનતાણું જોઈતું હતું અને ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) એ વધારી આપ્યું છે. હાલ ક્રિકેટ બોર્ડનો વહીવટ જોકે સુપ્રીમ કોર્ટે નિમેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (CoA)ના હાથમાં છે.

આ સમિતિએ વડા પસંદગીકારનો વાર્ષિક પગાર રૂ. 20 લાખ વધારી દીધો છે જ્યારે અન્ય બે પસંદગીકારનો પગાર રૂ. 30-30 લાખ વધારી દીધો છે. આમ, ચીફ સિલેક્ટર એમ.એસ.કે. પ્રસાદને હવે રૂ. 80 લાખને બદલે રૂ. 1 કરોડ મળશે અને અન્ય બે પસંદગીકારોને રૂ. 60 લાખથી વધીને રૂ. 90-90 લાખ થયો છે.

હાલની પસંદગી સમિતિમાં પ્રસાદ ચેરમેન છે અને એમના બે સહયોગી છે – દેવાંગ ગાંધી તથા સરનદીપ સિંહ.

સિનિયર પુરુષ પસંદગી સમિતિના ચેરમેન એમ.એસ.કે. પ્રસાદ

અગાઉ પાંચ સભ્યોની રાષ્ટ્રીય ક્રિકેટ પસંદગી રહેતી, પણ સુપ્રીમ કોર્ટે નિમેલી જસ્ટિસ લોઢા સમિતિની ભલામણોને પગલે બે પસંદગીકારોને રવાના કરી દેવામાં આવ્યા છે. એ બે પસંદગીકાર છે – ગગન ખોડા અને જતીન પરાંજપે. ભારતીય ક્રિકેટના વહીવટમાં સુધારા માટે લોઢા સમિતિએ એવી ભલામણ કરી હતી કે જેઓ ટેસ્ટ રમ્યા હોય એમને જ પસંદગીકાર બનાવવા.

જુનિયર પસંદગી સમિતિના સભ્યોનો વાર્ષિક પગાર પણ વધારી દેવામાં આવ્યો છે. એ સમિતિના ચેરમેનને હવે રૂ. 65 લાખ મળશે.

મહિલા ક્રિકેટરોની પસંદગી સમિતિનાં સભ્યોનો પગાર પણ વધી ગયો છે. એનાં ચેરપર્સનને હવે રૂ. 30 લાખ મળશે. સમિતિની અન્ય સભ્યોને રૂ. 25-25 લાખ મળશે.

બીસીસીઆઈના કાર્યવાહક સેક્રેટરી અમિતાભ ચૌધરી (વચ્ચે બેઠેલા)

ઉલ્લેખનીય છે કે, કેટલાક પસંદગીકારોએ એમનો પગાર વધારવા માટે ક્રિકેટ બોર્ડના કાર્યવાહક સેક્રેટરી અમિતાભ ચૌધરી પાસે રજૂઆત કરી હતી. ચૌધરીએ ત્યારબાદ બીસીસીઆઈના જનરલ મેનેજર (ક્રિકેટ ઓપરેશન્સ) સબા કરીમને જાણ કરી હતી. ચૌધરીએ પસંદગીકારોનો પગાર 70 ટકા વધારવાની ભલામણ કરી હતી.

CoA સમિતિએ ચૌધરીનો પ્રસ્તાવ મંજૂર રાખી લીધો છે. CoA સમિતિ બે-સભ્યની છે – વિનોદ રાય (જેઓ ભૂતપૂર્વ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા, CAG) છે તથા ડાયના એડલજી (જેઓ ભારતની મહિલા ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન છે).

ક્રિકેટ વહીવટકારોની સમિતિએ ભારતના પસંદગીકારો જ નહીં, અમ્પાયરો, ક્રિકેટ મેદાનો-પિચની દેખભાળ કરતા ક્યૂરેટર્સ, સ્કોરર્સ તથા વિડિયો એનાલિસ્ટ્સનો પગાર પણ વધારી દીધો છે.

આ સૌનો પગાર વધતા 10 વર્ષ લાગી ગયા છે. 2007માં ભૂતપૂર્વ કેપ્ટન દિલીપ વેંગસરકરે પસંદગીકારો સહિત તમામ સ્ટાફ સભ્યોનો પગાર વધારવાની ભલામણ કરી હતી.

દરમિયાન, બીસીસીઆઈ સાથે સંલગ્ન તમામ રાજ્યોના ક્રિકેટ એસોસિએશનો નારાજ થયા છે. એ લોકોની માગણી છે કે આ એસોસિએશનોના સંબંધિત અધિકારીઓનો પગાર પણ વધારવો જોઈએ.